ઉનાના સિમરના માછીમારો બન્યા ઘરવિહોણા

  • September 21, 2023 01:46 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

વિસ્તારની હદ બાબતે ગુજરાત સરકાર અને કેન્દ્રશાસિત પ્રદેશ વચ્ચે વિસ્તારને લઈ વિવાદ ચાલતો હોય, ત્યારે સ્વાભાવિક રીતે જ જે તે વિસ્તારમાં વસતા લોકો માટે મોટી મુશ્કેલી ઉભી થતી હોય છે. વિવાદને લઈને ભોગવવાનું લોકોને જ આવતું હોય છે. ત્યારે રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકાર વચ્ચે વિસ્તારના મુદ્દા અંગે ચાલી રહેલી ખેંચાખેંચમાં સિમરના માંછીમારોને ઘરવિહોણા થવાનો વારો આવ્યો છે.


મળતી માહિતી મુજબ, ઉનામાં આવેલા સિમર બંદરના માંછીમારોની મુશ્કેલીમાં વધારો થયો છે. મુઘલો, અંગ્રેજો અને પોર્ટુગીઝોના સમયથી ઉનાનું સિમર બંદર પોતાનું એક અલગ અસ્તિત્વ ધરાવે છે. સિમર બંદર પર વસેલા ૨૫૦૦થી વધુ માછીમારો માછીમારી દ્વારા પોતાનું ગુજરાન ચલાવે છે. માછીમારો માટે માછીમારી જ એકમાત્ર આર્થિક ઉપાર્જન માટેનો સ્ત્રોત છે, ત્યારે કેન્દ્ર શાસિત દીવની અમુક જમીન વર્ષોથી સિમર બંદરમાં આવેલી છે. અહિયાં વસવાટ કરતાં લોકો દીવનું નાગરિકત્વ ધરાવતા હતા અને દીવના નાગરિકને મળતી તમામ સુવિધાઓ મેળવવા માટેના હકદાર હતા. ત્યારે અચાનક આ માછીમારોના નામ દીવમાંથી કમી કરી નાખવામાં આવ્યા હતા. દીવમાંથી નામ કરી નાખવાની સાથે જ માત્ર બે દિવસામાં માછીમારો માટે રહેવાની અન્ય વ્યવસ્થા કર્યા વગર માછીમારોના ઘર પર બિલડોઝર ફેરવી નાખવામાં આવ્યા હતા. જેના કારણે માછીમારો બેઘર બની ગયા હતા.
​​​​​​​
બેઘર થયેલા સિમર બંદરના માછીમારો ગુજરાતનાં સિંચાઈ વિભાગની જમીન પર આશરો લઈ રહ્યા હતા, ત્યારે સિંચાઈ વિભાગે પણ માછીમારોને આ જગ્યા ખાલી કરવા માત્ર બે દિવસનો સમય આપ્યો છે. ત્યારે ૨૫૦૦ થી વધુ લોકો જે પહેલેથી જ બેઘર જેવી સ્થિતિમાં રહે તે લોકો માટે ના ઘરના ના ઘાટના જેવી સ્થિતિ ઊભી થઈ છે. સૌનો સાથ સૌનો વિકાસની સરકારની ગુલાબાંગો વચ્ચે ગુજરાત સરકારે અને કેન્દ્ર સરકારે માછીમારો માટે રહેઠાણની વ્યવસ્થા કરવાની જવાબદારી અને ફરજ નથી?



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application