વિખ્યાત જગત મંદિર પાસેના દબાણો દૂર કરવાનું કાઉન્ટ ડાઉન શરુ

  • August 30, 2023 10:58 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

એક-બે દિવસમાં જ મોટા પાયે પાડતોડની કાર્યવાહીનો પ્રારંભ કરવાનો સંકેત આપતાં ચીફ ઑફિસર: ૯૬ જેટલાં દબાણકર્તાઓને નોટિસ અપાઈ ચૂકી છે: પોલીસની કડક સુરક્ષા વ્યવસ્થામાં ઑપરેશન ડિમોલિશન શરુ થવાની ગણાતી ઘડીઓ: દબાણકારોમાં ફફડાટ

ચારધામ પૈકીના એક એવા વિશ્ર્વ વિખ્યાત જગત મંદિરની આસપાસ દબાણનો મુદ્દો નાસૂર જેવો બન્યો છે, આખરે તંત્ર દ્વારા દબાણ કરનારા ચોક્કસ લોકોને નોટિસો અપાઈ ગયાં બાદ નજીકના દિવસોમાં જ મોટું ઑપરેશન શરુ કરવામાં આવે એવા સંકેતો મળી રહ્યાં છે અને દબાણો કરીને બેઠેલાં જે તે લોકોમાં આ બાબતને લઈને ભારે ફફડાટ ફેલાઈ ગયો છે. ચીફ ઑફિસર દ્વારા એક-બે દિવસમાં જ દબાણો દૂર કરવાની કાર્યવાહી શરુ કરવા માટેના સંકેત આપી દીધેલા હોવાથી સંભવત: પોલીસની કડક સુરક્ષા વ્યવસ્થા વચ્ચે જગત મંદિરની આસપાસના દબાણો દૂર કરવાનું શરુ થશે, જેને લઈને ભારે ઉત્તેજના છવાયેલી રહેશે.
થોડાં દિવસો પહેલાં ભારે દબાણ બાદ ઓખાના બહુચર્ચિત દબાણો ઉપર તંત્ર દ્વારા બૂલડોઝર ફેરવી દેવાનો સરકારી આદેશ આવ્યા બાદ સતત ચાર દિ’ સુધી અનેક ગેરકાયદે મકાનો તોડી પડાયા હતાં, બાદમાં હર્ષદ માતાજીના મંદિર પાસે પણ બધું ચોખ્ખુચટ્ટ કરી નાખવામાં આવ્યું હતું ત્યારે રાજકીય અગ્રણીઓએ એવી માંગ કરી હતી કે, જગત મંદિરમાં સમગ્ર ભારતમાંથી યાત્રાળુઓ આવે છે, પરંતું ગેરકાયદે દબાણોના કારણે ભારે ભીડ જમા થાય છે. ત્યારે તંત્ર આ દબાણ કેમ તોડતું નથી? આખરે દેવસ્થાન સમિતિની તાજેતરમાં મળેલી બેઠકમાં પણ દબાણો વિશે ચર્ચા થઈ હતી અને આખરે ચીફ ઑફિસરે એક-બે દિવસમાં જ પોલીસ અને એસઆરપીના મજબૂત બંદોબસ્ત સાથે પાડતોડની કાર્યવાહી કરવા નિર્ણય કર્યો હોવાથી દબાણકર્તાઓમાં ભારે ફફડાટ ફેલાયો છે.
દ્વારકામાં જગત મંદિર પથ પર દબાણ કતાઁ ઓ દ્વારા બિન્દાસ પણે દુકાનની બહાર ઓટલા અને ટેબલો ખડકી મહાકાય દબાણો કરયા હોવાના અનેક વખત સમાચાર પત્રોના અહેવાલ બાદ દ્વારકા નગરપાલિકાના દ્વારા  બે માસ પૂર્વે ૯૬ દબાણકર્તાઓને નોટીસ પાઠવ્યા પછી દબાણ હટાવ કાર્યવાહી માટે એક મહિના પહેલા સુરક્ષા બંદોબસ્તની માંગ થઇ હતી એ પછી પણ નગર પાલિકા દ્વારા કાર્યવાહી આગળ ન વધતા અનેક સવાલો ઉભા થયા હતા પરંતુ હવે તંત્ર દબાણ હટાવ કાર્યવાહી કરવા સજ્જ થઇ ગયુ હોય એવા સંકેત મળ્યા છે.
આ અંગે આજકાલ દ્વારા ચીફ ઓફિસર ઉદય નસીત સાથેના ટેલિફોનિક વાર્તાલાપમાં મળેલ માહિતી મુજબ આગામી ૪૮ થી ૭૨ કલાકમાં જ તંત્ર એક્શન લેવા સજ્જ થઇ ગયુ હોવાનું ચીફ ઓફિસર દ્વારા માહિતી આપવામાં આવી છે.
**
ઓપરેશન રોકવા માટે દબાણકર્તાઓએ આકાઓનો કર્યો સંપર્ક
દબાણ હટાવ કામગીરી અટકાવવા અમુક આગેવાનો અને નગર પાલિકામા વર્ષો થી સિંધમ તરીકે છાપ ધરાવતા કર્મચારી ઓ દ્વારા દબાણ હટાવ કામગીરી અટકાવવા તંત્ર પર દબાણ કરી રહ્યા છે ત્યારે દબાણ હટાવની કામગીરી ચીફ ઓફિસર માટે ચેલેન્જ રૂપ સાબિત થાય તો નવાય નહી. ગાંધીનગરથી આદેશ હોય મંદિર સામેના તમામ ગેરકાયદે દબાણો એક ઝાટકે જ દૂર કરાશે ત્યારે કેટલાંક વચેટિયાઓ આ ઑપરેશન ન થાય તે માટે ભારે પ્રયાસો કરી રહ્યાં હોવાનું બહાર આવ્યું છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application