શહેરમાં જાહેરમાં ઘાસચારો વેંચતા ૫૦ લોકો સામે કોર્પોરેશને નોંધાવી પોલીસ ફરિયાદ

  • November 02, 2023 10:15 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

ગઇકાલે વધુ ૬૨ ઢોરને પકડી પાડયા: બે દિ’માં ૧૨૨ પશુઓ ડબ્બામાં મુકાયા: સવારથી જ ઢોર પકડ ઝુંબેશ શરુ: ચાર ટીમો દ્વારા શહેરના મુખ્ય માર્ગો પર પોલીસને સાથે રાખીને સતત મોનીટરીંગ

જામનગર શહેરમાં સરકારના આદેશ બાદ જિલ્લા કલેકટર, મ્યુ.કમિશ્નર અને જિલ્લા પોલીસ વડાએ સંયુકત મીટીંગ કર્યા બાદ જામનગર શહેરમાં ઢોર પકડ ઝુંબેશ વધુ વેગવાન બનાવામાં આવી છે, એટલું જ નહીં જાહેરમાં ઘાસચારો વેંચતા ૫૦ લોકો સામે પોલીસ ફરિયાદ પણ નોંધવામાં આવી છે, આગામી દિવસોમાં શહેરના મુખ્ય માર્ગો ઉપરથી પશુઓને પકડવાની ઝુંબેશ ચાલું રહેશે.
ગઇકાલે સાંજે મ્યુ.કમિશ્નરે આજકાલ સાથેની વાતચીતમાં કહ્યું હતું કે, જામનગર શહેરમાં બે દિવસમાં વધુ ઢોર પકડવામાં આવ્યા છે અને આ કાર્યવાહી સતત ચાલું રહેશે, પોલીસ તરફથી પણ અમને પુરતો બંદોબસ્ત મળ્યો છે જેથી આ ઝુંબેશ વધુ વેગવાન બનાવાશે. સોલીડ વેસ્ટના મુખ્ય અધિકારી મુકેશ વરણવાએ આજકાલ સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, બે દિવસ પહેલા ૬૦ અને ગઇકાલે વધુ ૬૨ પશુઓને પકડી પાડવામાં આવ્યા છે, આજ સવારથી જ ઢોર પકડની ઝુંબેશ ચાલું છે અને સાંજ સુધીમાં વધુને વધુ ઢોર પકડાશે, અમારા ટાર્ગેટ મુજબ દરરોજ જામનગર શહેરના મુખ્ય રસ્તા ઉપર ઢોર પકડવા માટે ચાર ટીમ કાર્યરત છે અને લગભગ દરરોજ ૫૦ ઢોર પકડાય એ રીતનું પ્લાનીંગ અમે લોકોએ કર્યુ છે.
શનિવારે શહેરના મુખ્ય અધિકારીઓની મળેલી બેઠક બાદ સમગ્ર તંત્ર જાગી ઉઠયું છે, ચાર ટીમનું મોનીટરીંગ ડીએમસી ભાવેશ જાની કરી રહ્યા છે, લોકોને ઓછામાં ઓછી તકલીફ પડે તે માટે મુખ્ય રસ્તા પરના ઢોર પકડી પાડવામાં આવશે અને બે દિવસમાં ૧૨૨થી વધુ ઢોર પકડયા છે ત્યારે આ તમામ ઢોરને ડબ્બે પુરી દેવામાં આવશે, હાલ તો કોઇ ઢોરને છોડવામાં નહીં આવે તેમ પણ જણાવ્યું હતું.
શહેરના રાજમાર્ગો ઉપર જયાં-જયાં ઢોર વધુ દેખાય છે અને અડીંગો જમાવીને બેઠા હોય છે ત્યાં ઢોર પકડ ઝુંબેશને વેગવાન બનાવામાં આવશે, જામનગર શહેરમાં કેટલાક વિસ્તારોમાં તો પશુઓના ટોળેટોળા હોય છે, પંચેશ્ર્વર ટાવર, સેતાવાડ, નવાગામ ઘેડ, પટેલકોલોની, ચાંદીબજાર જેવા વિસ્તારોમાં પશુઓ અડીંગો જમાવીને બેઠા હોય છે તે તાત્કાલીક દુર કરવામાં આવે તો લોકોને રાહત થઇ શકે પરંતુ હાલ તો ઢોર પકડ ઝુંબેશ વેગવાન બની છે, પોલીસની ટીમ પણ સાથે હોય છે જેથી ઢોર માલીકો વધુ કાંઇ સામનો કરી શકતા નથી. સવારના ૮:૩૦ થી ૨:૩૦, ત્યારબાદ થોડો સમય બાદ રાત્રીના ૧૦ વાગ્યા સુધી ઢોર પકડવાની કાર્યવાહી ચાલું કરી દેવામાં આવે છે.
શહેરના ભીડભંજન મહાદેવના મંદિર, ડીકેવી કોલેજ, તળાવની પાળ, વિકટોરીયા પુલ સહિતના કેટલાક વિસ્તારોમાં જાહેરમાં ઘાસચારો વેંચાય છે ત્યારે આ સ્થળોએ ઢોર એકઠાં થાય છે, આવા ૫૦ ઘાસચારો વેંચતા લોકો સામે ધડાધડ પોલીસ ફરિયાદ કરી દેવાતા થોડી અસર પણ થઇ છે અને મોટાભાગના સ્થળોએ જાહેરમાં ઘાસચારો વેંચવાનું બંધ કરી દેવામાં આવ્યું છે. આમ, આજ સવારથી જ ઢોર પકડવાની ઝુંબેશ વધુ વેગવાન બનાવી દેવામાં આવી છે.
કોર્પોરેશનના જણાવ્યા મુજબ ગેરકાયદેસર રીતે જાહેરમાં ઘાસચારો વેંચનારા સામે ગુજરાત પ્રોવીન્સીયલ મ્યુનિ.કોર્પોરેશન અધિનિયમ ૧૯૪૯ની કલમ નં.૪૫૩ અન્વયે અનુસુચી ક પ્રકરણ ૧૪ના નિયમ ૨૨ તથા ૨૪ તેમજ કલમ ૩૯૬ અન્વયે પશુઓ રાખવા સંબંધી તેમજ ઘાસચારો વેંચાણ કરવા સબબ પ્રતિબંધ ફરમાવતું જાહેરનામુ તા.૧૦-૭-૧૯થી મ્યુ.કમિશ્નરે બહાર પાડયું છે તે હજુ અમલમાં છે, આમ હવે ઢોર માલિકો સામે પણ કડક કાર્યવાહી કરવાના મુડમાં કોર્પોરેશન આવી ગયું છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application