ભેંસ અઢી તોલા સોનાનું મંગળસૂત્ર ગળી ગઈ તો ડોક્ટરે પેટ ચીરીને કાઢ્યું, 65 ટાંકા આવ્યા

  • October 02, 2023 12:09 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)






મહારાષ્ટ્રના વાશિમ જિલ્લામાંથી એક વિચિત્ર કિસ્સો સામે આવ્યો છે. અહીં એક ભેંસ રૂ.1.25 લાખનું મંગલસૂત્ર ગળી ગઈ હતી. ડોક્ટરોએ ઓપરેશન કરીને ભેંસના પેટમાં ચીરો કર્યો, ત્યાર બાદ અઢી તોલા વજનનું મંગળસૂત્ર બહાર કાઢ્યું. આ સર્જરીમાં ભેંસને 65 ટાંકા લેવા પડ્યા હતા.


આ કિસ્સો જિલ્લાના સરસી ગામનો છે. ખેડૂત રામહરીની પત્નીએ ન્હાવા જતા પહેલા સોયાબીન અને મગફળીના ફોતરા ભરેલી ટોપલીમાં  મંગળસુત્ર છુપાવ્યું હતું. સ્નાન કર્યા બાદ તે ટોપલીને ભેંસની સામે ખાવા માટે મૂક્યા હતા અને ઘરનું કામ કરવા લાગી હતી.


દોઢથી બે કલાક પછી તેને ખ્યાલ આવ્યો કે તેના ગળામાં મંગળસૂત્ર નથી. લાંબા સમય સુધી શોધ્યા પછી તેને યાદ આવ્યું કે તેણે મંગલસૂત્રને મગફળીના ટોપલામાં રાખ્યું હતું. તે દોડીને ભેંસ પાસે ગઈ અને જોયું કે ભેંસ ફોતરા ખાતી હતી અને ટોપલી ખાલી હતી. તેણે તરત જ તેના પતિને આ વાત જણાવી હતી.



ખેડૂત રામહરી ભોયરે વાશિમના વેટરનરી ઓફિસર બાલાસાહેબ કૌંદાનેને ફોન પર જણાવ્યું હતું કે ડૉક્ટરે ભેંસને વાશીમ લઈ આવવા કહ્યું. ખેડૂત રામહરી તેની ભેંસો સાથે વાશિમની પશુપાલન કચેરીએ પહોંચ્યો હતો. ડોક્ટરે મેટલ ડિટેક્ટર વડે ભેંસના પેટની તપાસ કરતાં પેટમાં કંઈક હોવાનું જણાયું હતું. બીજા દિવસે ભેંસના પેટનું ઓપરેશન કરવામાં આવ્યું હતું.

વેટરનરી ઓફિસર ડો.બાલાસાહેબ કૌંદાનેએ જણાવ્યું હતું કે 65 ટાંકાનું આ ઓપરેશન બે થી અઢી કલાક ચાલ્યું હતું. ત્યારબાદ  ભેંસના પેટમાંથી સોનાનું મંગળસૂત્ર કાઢી લેવામાં આવ્યું હતું. તબીબે તમામ પશુપાલકોને ઘાસચારો કે અન્ય કંઈપણ ખવડાવતી વખતે થોડી સાવધાની રાખવા વિનંતી કરી હતી.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application