હાઇકોર્ટે બેટ-દ્વારકાના ડીમોલીશન સામેની તમામ અરજીઓ ઉડાવી

  • February 05, 2025 04:43 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


બેટ દ્વારકા ખાતે ગૌચરની જમીનો પ૨ ગેરકાયદે રીતે બાંધકામ કરી દેવાયેલા કથિત ધાર્મિક સ્થાનો હટાવવા (તોડી પાડવા) મામલે ગુજરાત હાઈકાર્ટે આજે એક મહત્ત્વના ચુકાદા મારફ્તે લીલીઝંડી આપી છે. બેટ દ્વારકામાં સ્થિત આ મદરેસાઓ, દરગાહો તેમ જ મસ્જિદોને તોડી પાડવા સામે રક્ષણ મેળવવા ગુજરાત હાઇકોર્ટ સમક્ષ થયેલી જુદી જુદી રિટ અરજીઓ આજે જસ્ટિસ મોના એમ. ભટ્ટે આકરા વલણ સાથે ફગાવી દીધી હતી. હાઇકોર્ટે સ્પષ્ટ પણે જણાવ્યું કે, આ કેસમાં તમામ રિટ અરજીઓ ગુણદોષ વિનાની હોઇ ફગાવી દઈને અગાઉ આપેલો સ્ટેટ્સ કવો પણ ઉઠાવી લીધો હતો. અરજદાર પક્ષ આ વચગાળાની રાહત પંદર દિવસ માટે ચાલુ રાખવા અદાલતને વિનંતી કરતી માંગ પણ હાઇકોર્ટે ફગાવી હતી.

ગુજરાત હાઇકોર્ટના આ ચુકાદાને પગલે બેટ દ્વારકામાં કથિત ધાર્મિક સ્થાનોના ગેરકાયદે અને અનઅધિકૃત બાંધકામો-દબાણાને દૂર કરવાનો રસ્તો સ્થાનિક સત્તાવાળાઓ માટે માકળો બન્યો છે. અરજદાર બેટ ભાડેલ મુસ્લિમ જમાત તથા અન્યો તરફ્થી કરાયેલી જુદી જુદી રિટ અરજીઓમાં એવો દાવો કરાયો હતો કે, વિવાદીત બાંધકામો અને સ્થાનો એ ધાર્મિક છે અને સમુદાયની લાગણીઓ તેની સાથે જોડાયેલી છે. જેમાં કેટલીક દરગાહો અને મદરેસાઓ પણ સામેલ છે. તો જમીનનો ઉપયોગ કબ્રસ્તાન તરીકે પણ થાય છે.

આ વિવાદીત પ્રોપર્ટી વકફ એકટ હેઠળ આવરી લેવાયેલી છે, તેથી વકફ પ્રોપર્ટીને સત્તાવાળાઓ તોડી શકે નહી. રાજય સરકાર તરફ્થી અદાલતનું ધ્યાન દોરતાં જણાવાયું કે, વિવાદીત ધાર્મિક સ્થાનો (મદરેસાઓ, દરગાહ કે મસ્જિદ) કોઈ વકફ પ્રોપર્ટી નથી પરંતુ વાસ્તવમાં એ સરકારી અને ગૌચરની જમીન પર ઉભા કરાયેલા ગેરકાયદે અને અનઅધિકૃત બાંધકામો છે. વળી, વકફ પ્રોપર્ટી હોવા અંગેનો કોઈ પુરાવો સરકારી રેકોર્ડ કે દસ્તાવેજમાં સામે આવ્યો નથી કે અરજદારપક્ષ પણ તે રજૂ કરી શકયા નથી. વળી, પીટીઆર(પબ્લીક ટ્રસ્ટ રજિસ્ટર)ના રેકોર્ડમાં પણ વિવાદીત મિલ્તોવાળી સર્વે નંબરની જમીનનો સમાવેશ નથી. આ જમીન સરકારી જગ્યા છે અને જો તે કબ્રસ્તાન માટે જે તે વખતે અપાઇ હોય તો પણ તેનાથી તે વકફપ્રોપર્ટી બની જતી નથી.

ખુદ સરકારના જ તા.૧૭-૮-૮૪ અને તા.૧૨-૯-૮૯ના ઠરાવો મુજબ, જો કોઈ ચોક્કસ હેતુ માટે જમીન ફ્ળવાઇ હોય તો પણ તેની માલિકી રાજય સરકારની જ છે અને તેથી કોઇપણ કમીટી, ટ્રસ્ટ કે વકફ આ જમીન તેઓના નામે ટ્રાન્સફર કરી શકે જ નહી. ચોંકાવનારી વાત તો એ છે કે, ચેરિટી કમિશનર કે સ્થાનિક સત્તાવાળાઓની કોઈ મંજૂરી લીધા વિનાજ ઉપરોકત જમીનો પર મોટાપાયે ગેરકાયદે બાંધકામો અને અનઅધિકૃત દબાણો કરી દેવાયા છે. જે કાયદાની નજરમાં કોઈ સંજોગોમાં ટકી શકે નહી.

​​​​​​​પ્રસ્તુત કેસમાં કબ્રસ્તાન પર અને સરકારી-ગોચરની જમીનો પર મોટી મોટી મસ્જિદો-મદરેસાઓ સહિતના ગેરકાયદે બાંધકામો થઈ ગયા હોઈ તેને તોડવા જરૃરી છે કારણ કે, સમગ્ર દ્વારકામાં આ ડિમોલીશનની કાર્યવાહીનો તબક્કાવાર એક ભાગ છે, તેમાં કોઈને અન્યાય કરવાની વાત નથી પરંતુ માત્ર કાયદાના પાલનની અને સરકારી-ગૌચરની જગ્યાનો કબ્જો લેવાની વાત છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application