શિક્ષક કભી સાધારણ નહીં હોતા : રાજકોટના આ મહિલા દિવ્યાંગ શિક્ષક લર્નિંગ બાય ડુઇંગ કન્સેપ્ટથી વિદ્યાર્થીઓને પીરસે છે જ્ઞાન

  • September 04, 2023 11:40 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

ભારત દેશના પ્રથમ ઉપરાષ્ટ્રપતિ અને દ્વિતીય રાષ્ટ્રપતિ ડો. સર્વપલ્લી રાધાકૃષ્ણનની જન્મજયંતિ નિમિત્તે તા.5 સપ્ટેમ્બરના રોજ 'શિક્ષક દિવસ' ઉજવવામાં આવે છે. 


માનવીના વ્યક્તિત્વ અને ચરિત્રના ઘડતરમાં શિક્ષકનો ફાળો અમૂલ્ય હોય છે. ત્યારે 'शिक्षक कभी साधारण नहीं होता, प्रलय और निर्माण उसकी गोद में पलते हैं।' ચાણક્યની આ ઉક્તિને રાજકોટના શિલ્પાબેન ડાભી ખરાં અર્થમાં સાર્થક કરે છે. 

હાલ રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશન સંચાલિત શાળા નંબર 47માં શિક્ષિકા તરીકે ફરજ બજાવતા શિલ્પાબેન ડાભી શારીરિક વિકલાંગ હોવા છતાં આત્મનિર્ભર છે. તેમણે દિવ્યાંગતાને નબળાઈ બનાવ્યા વિના શિક્ષણ ક્ષેત્રે અવનવા પ્રયોગો હાથ ધર્યા છે. આથી, શિલ્પાબેનને રાજ્યપાલ આચાર્ય દેવવ્રત અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે રાજ્ય કક્ષાનો 'શ્રેષ્ઠ શિક્ષક' એવોર્ડ, ધારાસભ્ય જયેશ રાદડીયાના હસ્તે જિલ્લા કક્ષાનો 'શ્રેષ્ઠ શિક્ષક' એવોર્ડ, વિધાનસભાના અધ્યક્ષ શંકરસિંહ ચૌધરીના હસ્તે 'શ્રેષ્ઠ શિક્ષક'નું પ્રમાણપત્ર, તત્કાલીન શિક્ષણ મંત્રી જીતુ વાઘાણીના હસ્તે 'શ્રેષ્ઠ શિક્ષક'નું બહુમાન, ગાંધીનગર શિક્ષણ બોર્ડ દ્વારા 'પ્રતિભાશાળી શિક્ષક' પ્રમાણપત્ર પ્રાપ્ત થયું છે. તેમજ તેઓનું વિવિધ સેવાકીય સંસ્થાઓ દ્વારા સન્માન કરાયું છે.


શિલ્પાબેન શારીરિક ઉણપ ધરાવતાં હોવા છતાં જીવનમાં પડકારો સામે પરાજિત થયા નથી. તેઓ બાળપણમાં તાવના ઇલાજમાં ઇન્જેક્શનના રિએક્શનને લીધે હાથ-પગમાં ઉણપ થતા પથારીવશ બની ગયા. છ મહિના સુધી શાળાએ જઈ શકાયું નહીં. તેમણે બેડરેસ્ટ વખતે પણ અભ્યાસ ચાલુ જ રાખ્યો. માતા, પિતા, મામા અને નાનીની ખાસ સંભાળથી હલનચલન કરતા થયા. ધો.10 બોર્ડની પરીક્ષામાં સ્કૂલ-ફર્સ્ટ આવી, પરિવારનું નામ રોશન કર્યું. તેઓ ધો.12 બાદ પી.ટી.સી. કરી, સિંધાવદર ગામે સરકારી શાળામાં શિક્ષક તરીકે જોડાયા. ત્યારબાદ તેમને રાજકોટ કોર્પોરેશનની શાળામાં જોબ મળી ગઈ. તેઓ શાળા નં.15 અને શાળા નં.97માં શિક્ષક તરીકે ફરજ બજાવી હાલ શાળા નં.47માં કાર્યરત છે. 


શિલ્પાબેન વર્ગખંડમાં 'લર્નિંગ બાય ડુઈંગ'ના કન્સેપ્ટનો ઉપયોગ કરે છે. તેમણે  રમતપ્રવૃત્તિ સાથે ભણતર કરાવવાના પ્રયોગરૂપે શાળા નજીક ટેકરીના પગથીયા ઉપર શૈક્ષણિક ચિત્રકામ કરાવ્યું છે. જેમાં આંકડાકીય માહિતી, સામાજિક સંદેશ, ગુજરાતી મહિનાઓના નામ વગેરે ચીતરવામાં આવ્યા છે. તેઓ જરૂરિયાતમંદ બાળકોને આર્થિક સહાય ઉપરાંત નોટબુક, પેન, દફતર, સ્લેટનું વિતરણ કરે છે. તેમણે કોરોના કાળમાં શેરી શિક્ષણ પૂરું પાડ્યું હતું અને પોતાની 'એટ સ્કુલ' નામની યુટ્યુબ ચેનલ પર વિડીઓ અપલોડ કર્યા હતા તથા વિનામૂલ્યે માસ્કનું વિતરણ પણ કર્યું હતું.


શિલ્પાબેને શહેરના છેવાડાના વિસ્તારમાં આવેલી ધો.1થી 5ની શાળા નંબર 97માં ભૌતિક સુવિધા વધારવામાં રસ દાખવી, સ્વખર્ચે મ્યુઝીક સિસ્ટમ, માઈક, શૈક્ષણિક પોસ્ટર્સ, શાળાનો ઘંટ તથા સાંસ્કૃતિક કાર્યક્રમો માટે વેશભૂષા વસાવ્યાં છે. તેમણે શાળામાં બાંકડા પણ મુકાવ્યા છે. શાળાના મેદાનમાં હીંચકા, રમતનાં સાધનો આવે, તે માટે રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં અરજી કરી છે. તેમણે શાળાનું મેદાન વિવિધ વૃક્ષો વાવી, લીલુંછમ કર્યું છે. બાળકોને શાળાએ આવવું ગમે, તે માટે શાળાને સુંદર ચિત્રોથી આકર્ષક બનાવી છે. એજ્યુકેશન ઇનોવેશન ક્ષેત્રે રસ દાખવી, ઇનોવેશન ફેરમાં ભાગ લઈ મેડલ અને શિલ્ડ મેળવ્યાં છે.


શિલ્પાબેન કહે છે કે, શાળા એ સમાજનું લઘુકુટુંબ છે. જેથી, શાળાને કુટુંબ માની મારાથી બનતું કરવા તત્પર રહું છું અને મને મારા કાર્યથી મળતો સંતોષ પૂરતો છે. મેં ક્યારેય મારા કાર્યો બદલ પારિતોષિક મેળવવાની ઝંખના નથી કરી. શાળાના આચાર્યના આગ્રહથી રાજ્ય પારિતોષિકમાં એન્ટ્રી મોકલી હતી. શિક્ષણ ક્ષેત્ર ઉપરાંત સમાજસેવા ક્ષેત્રે મને ખૂબ જ રસ છે. ઇન્ડિયન લાયન્સ ક્લબ, રાજપૂત મહિલા મંડળ, બોલબાલા ટ્રસ્ટ સહિત અનેક સંસ્થાઓ સાથે જોડાયેલી છું. સાહિત્યક્ષેત્રે રુચિ હોવાથી સાહિત્ય સભા કે કવિ સંમેલનમાં ભાગ લેવો મને ગમે છે.


શિલ્પાબેને સ્વચ્છતા અભિયાન વખતે લોકોમાં સ્વચ્છતા પ્રત્યે જાગૃતિ આવે, તે માટે શાળાની આસપાસના વિસ્તારોમાં ઘરે-ઘરે જઈ લોકસંપર્ક કર્યો હતો અને શેરીનાટક કર્યાં હતાં. શાળામાં બાળકોને મ્યુઝિયમની મુલાકાતનો આનંદ મળે, તે હેતુથી શાળામાં પ્રદર્શન ગોઠવી, મ્યુઝિયમ જેવો માહોલ ઊભો કર્યો હતો. તેમણે શિક્ષણને અસરકા૨ક બનાવવા સિક્કા, સ્ટેમ્પ ટિકિટ, પોકેટ બુક, સ્વામી વિવેકાનંદના જીવનકવનનું સાહિત્ય અને સ્વચ્છતા કિટના પ્રદર્શન યોજ્યાં છે. તેમજ શાળા કક્ષાએ યોજેલા 'સેટરડે સ્પેશિયલ', 'સ્કીલ ડેવલપમેન્ટ ઈન ગર્લ્સ' જેવા પ્રોજેક્ટસની નોંધ રાષ્ટ્રીય કક્ષાએ લેવાઈ છે.

નોંધનીય છે કે, શિલ્પાબેને શાળામાં અભ્યાસની સમસ્યાઓના નિદાન, ઉપચાર અંગે ક્રિયાત્મક સંશોધન કરેલું છે, જે માટે જિલ્લા કક્ષાએથી તેમને ગ્રાન્ટરૂપે નાણાકીય સહાય મળી હતી.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application