સુરજકરાડી-આરંભડામાં અઠવાડીયાથી વીજ પૂરવઠો ઠપ્પ થતાં ચકકાજામ

  • June 22, 2023 11:22 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

આગેવાનોની સમજાવટના અંતે મામલો થાળે પડ્યો: ગ્રામજનોમાં રોષ

દેવભૂમિ દ્વારકામાં બિપોર જોય વાવાઝોડાના કહેર બાદ હજુ ઓખા નગર પાલિકાના સુરજકરાડી-આરંભડાના લગભગ અડધા વિસ્તારો હજુ વિજળી વિહોણા રહયા હોવાનો આક્રોશ સ્થાનિક લોકોમાં જોવા મળે છે.સપ્તાહથી વિજળી ગુલ રહેતા આક્રોશિત લગભગ ૩૦૦થી ૪૦૦ લોકોએ બપોરે હાઇવે પર ચકકા જામ કરતા મામલો ગરમાયો હતો.જોકે,સમજાવટના અંતે કામ શરૂ થતા હાલ પુરતો મામલો થાળે પડયો હતો. દેવભૂમિના સુરજકરાડી-આરંભડા વિસ્તારમાં વાવાઝોડા બાદ વિજ તંત્ર દ્વારા હજુ સુધી વિજ પુરવઠો આપવાની કામગીરી પુર્ણ ન થતા સ્થાનિક લોકો, વેપારીઓ સહિતના અકળાઇ ઉઠયા છે.
ખાસ કરી લોટ, પાણી અને ઘર વપરાશની ચીજ વસ્તુઓના ફાંફાં પડી રહ્યા છે. વીજ પુરવઠો ન હોવાથી અનાજની ઘંટીઓ બંધ હોવાથી અનાજનો લોટ, દૂધ-છાશ ઉપરાંત અનેક ચીજ વસ્તુઓની તંગી હોવાથી ખાસ કરીને ગૃહિણીઓ મુસીબતમાં મુકાયેલી છે.બુધવારે સુરજકરાડી આરંભડા વિસ્તારની ગૃહિણીઓ,નાગરિકોનો ધીરજ ખૂટતા સુરજકરાડી હાઇવે રોડ પર આવી ૩૦૦ થી ૪૦૦ લોકોએ હાઇવે ઉપર ચકાજામ કર્યો હતો.જેને પગલે પોલીસ પણ દોડી ગઇ હતી અને આ ચકાજામને દૂર કરવા માટે મીઠાપુર પોલીસે તમામને રોડ ઉપરથી એક તરફ હંકાર્યા હતા.જોકે,આ મામલે સમજાવટ બાદ આગેવાનોએ વિદ્યુત પુરવઠો વહેલો ચાલુ કરવાની શરતે મહિલાઓ અને પુરુષોએ રોડનો ચકા જામ દૂર કર્યો હતો.
બુધવારે બપોર સુધીમાં આરંભડા અને સુરજકરાડીનાં અમુક વિસ્તારોમાં વીજ પુરવઠો ચાલુ થયેલ છે પરંતુ હજુ ૫૦% વિસ્તારમાં લાઈટ આવી નથી.જેના પગલે લગભગ અડધા વિસ્તારોમાં વિજ પુરવઠો ન આવતા સંબંધિત વિસ્તારના લોકોમાં આક્રોશ જોવા મળ્યો હતો.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application