દ્વારકામાં સ્વચ્છતા અભિયાનનું સુરસુરીયું

  • December 06, 2023 12:21 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

રુક્ષ્મણી મંદિરે કચરાના ગંજ: ભાવિકોમાં રોષની લાગણી

યાત્રાધામ દ્વારકામાં દર વર્ષે લાખો લોકો દેશ વિદેશથી રણછોડદાસજીના દર્શનાથે આવે છે. અહીં શ્રઘ્ધાપૂર્વક દર્શનનો લાભ તો લ્યે જ છે, પરંતુ ત્યારે દ્વારકામાં ઠેર ઠેર ગંદકી, રખડતા ઢોર, આખલા વૃઘ્ધની કડવી સ્મૃતિઓ લઇને જાય છે, અહીં યાત્રાધામને સુઘડ, સ્વચ્છ રાખવા માટે ઠોસ પગલા લેવાતા ન હોવાથી શહેરમાં જ્યાં જુઓ ત્યાં ગંદકી અને કોહવાટ નજરે પડે છે. રુક્ષ્મણીજી મંદિર પાસે પણ આવી જ કપરી સ્થિતિ છે.
યાત્રાધામ દ્વારકામાં આવેલ ભગવાન દ્વારકાધીશના મુખ્ય પટરાણી રુક્ષ્મણી મંદિર આસપાસ ૧૦૦ મીટર ત્રિજીયામાં મુખ્ય રસ્તાની બન્ને સાઇડોમાં ઠેર ઠેર કચરાના ઢગલાઓથી ગંદકી ફેલાઇ છે. દુર્ગંધ ફેલાતા મંદિરે આવતા ભક્તોમાં રોષ ફેલાયો છે. રુક્ષ્મણી મંદિર આસપાસ ગંદકીના ગંજ હોવાથી મુખ્ય રસ્તાઓ પરથી દરરોજ હજારો વાહનોની અવર જવર થતી હોય ત્યારે દુર દુરથી આવતા ભાવિકો યાત્રાધામ દ્વારકાની સફાઇ પ્રત્યે ખરાબ છબી લઇને જતા હોય છે. દ્વારકા દર્શને જતી ટુરીસ્ટ બસ ઓનવિલ્સ દરરોજ આ રસ્તેથી પસાર થતી હોવાથી રસ્તા પરથી તેમજ મંદિર આસપાસના વિસ્તારોમાં નગરપાલિકા તંત્ર સફાઇ કરે તે જરુરી છે, છેલ્લા કેટલાંય સમયથી ગંદકી ફેલાઇ રહી છે. મચ્છર માખીઓ ઉપદ્વવ ફેલાઇ રહ્યો છે. રોગચારો ફેલાઇ રહ્યો છે. સરકાર યાત્રાધામોમાં સફાઇની મોટી મોટી વાતો કરી રહી છે. ત્યારે યાત્રાધામ દ્વારકામાં સફાઇના નામે નાટક થઇ રહ્યા છે. પાલિકા તંત્ર દ્વારા રુક્ષ્મણી મંદિર આસપાસ સફાઇ કરવામાં કોની લાજ કાઢી રહી છે. એ સવાલ પૂછાઇ રહ્યો છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application