ભાજપમાં અનેક પડકારો વચ્ચે સબ સલામતના દાવા

  • April 01, 2024 11:39 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

1996,2009 અને 2012 જેવી સ્થિતિ ?: કોંગ્રેસનું ગોત્ર ધરાવનારાઓને ટિકિટ અને આયાતી ઉમેદવારના કોંગ્રેસને મળી ગયેલા હાથવગા હથિયાર: અમરેલીમાં ભાજપના જ બે જૂથ વચ્ચે મારામારી અને રાજકોટમાં રૂપાલાનો મુદ્દો રાજ્ય નહીં પરંતુ રાષ્ટ્રવ્યાપી બની ગયો


ભૂતકાળમાં ચૂંટણી સમયે જે દ્રશ્યો કોંગ્રેસમાં જોવા મળતા હતા તે છેલ્લા કેટલાક વર્ષોથી ભાજપમાં જોવા મળી રહ્યા છે. કેડર બેઇઝ અને શિસ્તબદ્ધ પાર્ટીની તેની છાપને અસર કરે તેવા આ દ્રશ્યો લોકસભાની આ વખતની 2024 ની ચૂંટણીમાં જ જોવા મળ્યા નથી. પરંતુ ભૂતકાળમાં પણ ઘણી વખત આવું બન્યું છે અને દરેક વખતે થોડા ઘણા નુકસાન સાથે ભાજપ ડેમેજ કંટ્રોલમાં સફળ રહ્યું છે. આ વખતની ચૂંટણીમાં ભાજપ સામે આયાતી ઉમેદવારો અને કોંગ્રેસમાંથી આવેલાઓને ટિકિટનો મુદ્દો ભારે વિવાદાસપદ બન્યો છે અને કોંગ્રેસને ચૂંટણીમાં હાથ વગા હથિયાર સમાન બની રહેશે તેવું લાગે છે. અધૂરામાં પૂરું રૂપાલાએ ક્ષત્રિય સમાજ બાબતે કરેલી ટિપ્પણીનો વિવાદ રાજકોટ, સૌરાષ્ટ્ર કચ્છ અને ગુજરાતના સીમાડા વટાવીને હવે રાષ્ટ્રવ્યાપી બની ગયો છે. અધૂરામાં પૂરું અમરેલીમાં ભાજપના જ બે જૂથ વચ્ચે મારામારીની ઘટના બની છે. ચૂંટણીને હજી ઘણી વાર છે ત્યારે ભાજપમાં હજુ કેટલા ખેલ ખેલાશે ? તે બાબત પ્રદેશ અને રાષ્ટ્રીય નેતાગીરીને મૂંઝવી રહી છે. કોંગ્રેસના ગોત્ર ધરાવનારાઓને ટિકિટનો મામલો ભારે વિરોધનું સ્વરૂપ ધારણ કરી ચૂક્યો હતો. બરાબર તેવા સમયે જ ભાજપની નેતાગીરીએ ગુજરાત વિધાનસભાની પાંચ બેઠકની પેટા ચૂંટણીમાં તમામ જગ્યાએ પક્ષપલટુઓને ટિકિટ આપીને બળતામાં ઘી હોમવા જેવું કર્યું છે.

ભાજપના આંતરિક બળવા અને અસંતોષના ઇતિહાસમાં સૌથી મોટું ચેપ્ટર 1996 માં શંકરસિંહ વાઘેલાએ ખજુરાહો કાંડ કર્યું હતું તે છે. ભાજપના અનેક દિગ્ગજ નેતાઓ તે વખતે શંકરસિંહ દ્વારા રચવામાં આવેલી પાર્ટીમાં જોડાઈ ગયા હતા અને થોડા સમયમાં પાછા પણ ફર્યા હતા. પરંતુ જે તે વખતે ભાજપને આ માટે ઘણું ભોગવવું પડ્યું હતું. આજે પણ ખજુરીયા -હજૂરીયાની વાતો સાંભળવા મળે છે.

ભૂતકાળમાં આ શિસ્તબદ્ધ પાર્ટીમાં થયેલા ડખા પર નજર નાખીએ તો 2009માં લોકસભાની ચૂંટણી વખતે પણ ભાજપમાં આવો જ અસંતોષ જોવા મળતો હતો. સુરતમાં તે વખતના દિગ્ગજ નેતા કાશીરામ રાણાની ટિકિટ કાપીને દર્શનાબેન જરદોશને ભાજપે ઉભા કર્યા હતા. કચ્છમાં પુષ્પદાન ગઢવી, વડોદરામાં જયાબેન ઠક્કર અને સુરેન્દ્રનગરમાં સોમાભાઈ ગાંડાભાઈ પટેલને ટિકિટ આપવામાં આવી ન હતી. જોકે સોમાભાઈ કોંગ્રેસની ટિકિટ પરથી ચૂંટણી લડ્યા હતા અને જીતીને પણ પોતાનું વર્ચસ્વ સાબિત કરી દીધું હતું.

બાદમાં ગોરધનભાઈ ઝડફિયાની આગેવાનીમાં મહાગુજરાત જનતા પાર્ટીની (એમજેપી)ની રચના કરવામાં આવી હતી. ભાવનગરથી ગોરધનભાઈ ઝડફિયા ચૂંટણી લડ્યા હતા અને તેને દોઢેક લાખ મત મળ્યા હતા. સુરતમાં કાશીરામભાઈ રાણાએ બળવો કર્યો ન હતો પરંતુ તેના પ્રખર સમર્થક પૂર્વ મેયર ફકીરભાઈ ચૌહાણ ચૂંટણી લડ્યા હતા.

2012માં કેશુભાઈ પટેલના નેતૃત્વમાં વિધાનસભાની ચૂંટણી વખતે ગુજરાત પરિવર્તન પાર્ટી (જીપીપી)ની રચના કરવામાં આવી હતી. આ પાર્ટીએ ધારી અને વિસાવદરમાં જીત પણ મેળવી હતી. બે બેઠક મેળવ્યા પછી આ પાર્ટીનું 2014માં ભાજપમાં વિલીનીકરણ કરી દેવામાં આવ્યું હતું.

અત્યારે 2024 ની આ ચૂંટણીમાં રાજકોટ,સુરેન્દ્રનગર અને પોરબંદરમાં આયાતી ઉમેદવારનો મુદ્દો મજબૂત બનીને બહાર આવી રહ્યો છે. અમરેલી, વડોદરા આણંદ બનાસકાંઠા સાબરકાંઠા વલસાડ અને જૂનાગઢમાં ભાજપના વર્તમાન ઉમેદવારો સામે ભારે વિરોધ થઈ રહ્યો છે. ભાજપના ઇતિહાસમાં પ્રથમ વખત વડોદરા અને સાબરકાંઠામાં ઉમેદવારો બદલવા પડ્યા છે. ઉમેદવારો બદલાયા પછી પણ સાબરકાંઠામાં વિરોધનો સૂર યથાવત છે. મુખ્યમંત્રીના બંગલે ભાજપના પ્રદેશ પ્રમુખ પાટીલની હાજરીમાં ડેમેજ કંટ્રોલની કામગીરી કરવી પડી હતી જોકે તેનું પણ કોઈ નક્કર પરિણામ આવ્યાનું જાણવા મળ્યું નથી. રાજકોટમાં ભાજપના ઉમેદવાર પુરુષોત્તમ રૂપાલાએ ક્ષત્રિય સમાજ માટે કરેલી ટિપ્પણી માત્ર રાજકોટ બેઠક પૂરતી સીમિત ન રહેતા સૌરાષ્ટ્રમાં તેની આગ લાગી છે. જો આ મામલે ડેમેજ કંટ્રોલ નહીં થાય તો રાજકોટ જામનગર સુરેન્દ્રનગર ભાવનગર અને કચ્છની ક્ષત્રિય સમાજના વધુ મતદારોવાળી બેઠકને અસર થવાની શક્યતા નકારાતી નથી.

પાંચ લાખની લીડનો ટાર્ગેટ પાટીલે ગુપચુપ વધારીને સાતથી આઠ લાખનો કરી દીધો

ગુજરાતની તમામ 26 બેઠક પર પાંચ લાખથી વધુ મતની લીડ મળવી જોઈએ તેવો ટાર્ગેટ ભાજપના પ્રદેશ પ્રમુખ પાટીલે સેટ કર્યો છે. થોડા સમય પહેલા તેમણે સમગ્ર રાજ્યના ધારાસભ્યો શહેર જિલ્લા કોંગ્રેસના પ્રમુખો સાથેની મિટિંગમાં પ્રત્યેક વિધાનસભા મત વિસ્તાર દીઠ એક લાખની લીડનો ટાર્ગેટ આપ્યો છે.

ચૂંટણીની કામગીરી સાથે સંકળાયેલા એક સિનિયર અધિકારીએ જણાવ્યું હતું કે આવું કેવી રીતે શક્ય બને? સાત થી આઠ વિધાનસભા મત વિસ્તારનો એક સંસદીય મતવિસ્તાર બનતો હોય છે અને દરેક સંસદીય મતવિસ્તારમાં સરેરાશ 22 થી 23 લાખ મતદારો હોય છે. મતદાનની સરેરાશ ટકાવારી ૬૦ થી ૬૫ ટકા રહેતી હોય છે. આ બધી આંકડાકીય માહિતી મુજબ 22 લાખ માંથી 60 ટકા મુજબ 12 લાખનું મતદાન થાય અને ભાજપના ઉમેદવારને દસ લાખથી વધુ મત મળે તો પાંચ લાખની લીડનો ટાર્ગેટ સિદ્ધ થાય તેમ છે.આ અધિકારીએ એવી પણ વાત કરી હતી કે પ્રત્યેક વિધાનસભા મતવિસ્તાર દીઠ એક લાખની લીડની વાત મુજબ તો સાતથી આઠ લાખનો લીડનો ટાર્ગેટ સેટ કરાયો છે. આ વાત સફળ થશે કે કેમ ?એ તો ભવિષ્ય બતાવશે.

ખુદ પાટીલ સંસદની ચૂંટણી અને એક વખત લડી ચૂક્યા છે અને તેથી આ પ્રકારની આંકડાકીય માહિતીથી તે અજાણ ન હોઈ શકે. વિધાનસભા મતવિસ્તાર દીઠ એક એક લાખની લીડ ની ગણતરી એ 8,00,000 ની લીડ થવી જોઈએ. પાટીલથી આ ભૂલથી બોલાઈ ગયું હશે કે લીડનો ટાર્ગેટ વધારી દેવાયો છે ? તેવા સવાલો ભાજપમાં પુછાય રહ્યા છે. જોકે પાંચ લાખ મતની લીડની વાત હતી ત્યારે પણ ઉપલેટાના ધારાસભ્ય ડોક્ટર મહેન્દ્રભાઈ પાડલીયાએ 'આ તો સાલુ મુશ્કેલ છે. પાટીલે ટાર્ગેટ આપ્યા પછી ટેન્શન વધી ગયું છે' તેવા ઉચ્ચારણો જાહેરમાં કર્યા હતા અને તેનો વિડીયો સોશિયલ મીડિયામાં ભારે વાયરલ પણ થયો હતો. જો કે છેલ્લે મુખ્યમંત્રીની હાજરીમાં મળેલી બેઠકમાં જ્યારે ધારાસભ્યોને લીડ બાબતે કોઈને કાંઈ શંકા છે ?તેવો સવાલ જ્યારે પાટીલે કર્યો ત્યારે કોઈએ એક હરફસુધા ઉચ્ચાર્યો ન હતો. આ બાબતે એક ધારાસભ્યને પૂછતા તેમણે જણાવ્યું હતું કે આ શક્ય જણાતું નથી. પરંતુ જાહેરમાં બોલવાનો કોઈ મતલબ નથી. જે કાંઈ 'સૌનું થશે તે વહુનું થશે'.


ભરતી મેળા અને ઉમેદવારો બદલવાના મામલે પાટીલે કેન્દ્રીય નેતાગીરી પર ઠીકરૂ ફોડ્યું
ગયા ગુરુવારે રાજકોટની મુલાકાતે આવેલા ભાજપના પ્રદેશ પ્રમુખ સી. આર. પાટીલે અલગ અલગ બે બાબતોમાં આડકતરી રીતે રાષ્ટ્રીય નેતાગીરી પર ઠીકરું ફોડતા આ બાબત રાજકારણમાં ભારે ચર્ચાનો મુદ્દો બનેલ છે.કોંગ્રેસીઓ માટે ભાજપના દરવાજા બંધ છે તેવા ચાર વર્ષ પૂર્વેના પાટીલના નિવેદન બાબતે જ્યારે પત્રકારોએ તેમનું ધ્યાન દોર્યું ત્યારે તેમણે એવો જવાબ આપ્યો હતો કે આ બધું રાષ્ટ્રીય નેતાગીરી નક્કી કરતું હોય છે.વડોદરા અને સાબરકાંઠામાં ઉમેદવારોની ટિકિટ પાછી લઈ લેવાના મામલે પાટીલે પત્રકારો સાથેની વાતચીતમાં એવો જવાબ આપ્યો હતો કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી એ કોઈના દબાણમાં આવીને આ નિર્ણય લીધો નથી.


રૂપાલાને દિલ્હી બોલાવ્યાની વાતો

રાજકોટ બેઠકમાં ભાજપના ઉમેદવાર રૂપાલા સામે ક્ષત્રિય સમાજના વિરોધ પછી તેને દિલ્હી બોલાવવામાં આવ્યા હોવાનું રાજકારણમાં ચર્ચા રહ્યું છે. મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ આજે દિલ્હીમાં છે અને ભાજપની આંતરિક ડખાવાળી સીટ અને ડેમેજ કંટ્રોલની કામગીરી બાબતે દિલ્હીમાં ચર્ચા કરશે. જોકે આજે ઇલેક્શન મેનિફેસ્ટો કમિટીની બેઠક હોવાથી ભૂપેન્દ્રભાઈ પટેલ દિલ્હી ગયા હોવાની વાતો થાય છે. પરંતુ બીજી બાજુ ડેમેજ કંટ્રોલનો રિપોર્ટ આપવા મુખ્યમંત્રી દિલ્હી ગયા હોવાનું બોલાઈ રહ્યું છે. દરમિયાનમાં રૂપાલાના કોઈ સંબંધીનું અવસાન થયું હોવાથી રવિવારથી સોમવાર બપોર સુધીના તેમના તમામ શેડ્યુલ રદ કરવામાં આવ્યા છે.




લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application