શહેરમાં રસ્તા તુટશે તો જવાબદારો સામે કડક પગલા લેવાશે: મુખ્યમંત્રી

  • June 08, 2023 10:38 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

વિડીયો કોન્ફરન્સમાં આગામી ચોમાસાને ઘ્યાનમાં લઇને એકશન પ્લાન અંગે માર્ગદર્શન અપાયું: રાજ્યના ૮ મહાનગરોએ તૈયાર કરેલા પ્રિ-મોન્સુન એક્શન પ્લાન- ર૦ર૩ની સર્વગ્રાહી સમીક્ષા હાથ ધરતા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ: અધિકારીઓને લોકોના ફોન રિસીવ કરવા તાકીદ

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્યની ૮ મહાનગરપાલિકાઓના મ્યુનિસિપલ કમિશનરશ્રીઓ સાથે વિડીયો કોન્ફરન્સ યોજીને આગામી ચોમાસા પૂર્વે મહાનગરોમાં હાથ ધરાયેલા આગોતરા આયોજનની સર્વગ્રાહી સમીક્ષા હાથ ધરી હતી. અમદાવાદ, સુરત, વડોદરા, રાજકોટ, ભાવનગર, જામનગર, જૂનાગઢ અને ગાંધીનગર મહાનગરપાલિકાઓએ સિટી ડિઝાસ્ટર મેનેજમેન્ટ પ્લાન- ર૦ર૩ અન્વયે જે પ્રિ- મોન્સુન એક્શન પ્લાન તૈયાર કર્યા છે તે અંગે આ બેઠકમાં વિસ્તૃત ચર્ચા પરામર્શ કરીને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જરૂરી માર્ગદર્શન આપ્યું હતું.
મુખ્યમંત્રીએ સ્પષ્ટ દિશાનિર્દેશો આપ્યા હતા કે, બદલાયેલી વરસાદી પેટર્નને ધ્યાને રાખીને આ એક્શન પ્લાનમાં જરૂરી વ્યવસ્થાઓ મહાનગરોમાં ઊભી થવી જરૂરી છે. તેમણે માર્ગોની જાળવણી, પાણીની અને ડ્રેનેજ લાઇન્સમાં કોઇ વિક્ષેપ ન આવે તેની કામગીરી પર તાત્કાલિક ધ્યાન કેન્દ્રીત કરવા સૂચનાઓ આપી હતી.
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ખાસ કરીને માર્ગો- રસ્તાઓની કામગીરી સંદર્ભમાં કોઇ ઢિલાશ ચલાવી લેવાશે નહિં તેવી તાકીદ કરતાં કહ્યું કે, આ વર્ષે બનેલા રસ્તાઓમાં જો કોઇ ક્ષતિ ઊભી થાય તો સંબંધિતોર સામે પગલાં લેવામાં પણ ખચકાટ રાખવામાં નહિં આવે. ભૂપેન્દ્ર પટેલે મહાનગરોમાં લોકોની ચોમાસા દરમ્યાન નાની ફરિયાદો કે રજૂઆતોનો ત્વરિત પ્રતિસાદ મળે અને દરેક જવાબદાર અધિકારીનો ફોનથી પણ સંપર્ક થઇ શકે તે બાબત પર ભાર મૂક્યો હતો.
મુખ્યમંત્રીના મુખ્ય અગ્ર સચિવ કૈલાસનાથન, મુખ્ય સચિવ રાજકુમાર, અધિક મુખ્ય સચિવઓ તથા અગ્ર સચિવશ્રીઓની ઉપસ્થિતીમાં યોજાયેલી આ વિડીયો કોન્ફરન્સ બેઠકમાં મ્યુનિસિપલ કમિશનરોએ પોતાના મહાનગરોમાં કરેલા આયોજનોની વિસ્તૃત વિગતો આપી હતી.
તદ્દઅનુસાર, પ્રિ- મોન્સુન એક્શન પ્લાન સંદર્ભમાં મહાનગરોમાં મેન હોલ તથા વરસાદી પાણીના યોગ્ય નિકાલની વ્યવસ્થા, જર્જરીત અને ભયજનક ઇમારતો- મિલ્કતને દૂર કરવાની કામગીરી, ૨૪ કલાક સેન્ટ્રલ કંટ્રોલ રૂમ અને સી.સી.ટીવી નેટવર્ક સુદ્રઢીકરણ તથા ભારે વરસાદની સ્થિતી સર્જાય તો તેને પહોંચી વળવા જરૂરી અદ્યતન સાધન-સામગ્રીનું વ્યવસ્થાપન, આરોગ્ય સુવિધા, લોકોને ચેતવણી આપવા માટેની કોમ્યુનિકેશન સિસ્ટમ સહિતના માઇક્રો પ્લાનીંગથી મુખ્યમંત્રીને માહિતગાર કર્યા હતા.
મહાનગરોમાં આ કાર્યવાહી સંદર્ભે મોકડ્રીલ પણ યોજવામાં આવી છે તેની વિગતો બેઠકમાં આપવામાં આવી હતી. એટલું જ નહિ, ભારે વરસાદને કારણે નાગરિકો, પશુઓનું સ્થળાંતર કરવાની જરૂરિયાત ઊભી થાય તો રિહેબીલીટેશન ટીમ, સલામત સ્થળો નિર્દિષ્ટ કરવાની કામગીરી અંગે પણ બેઠકમાં જાણકારી આપવામાં આવી હતી. મુખ્ય સચિવ રાજકુમારે મહાનગરપાલિકાઓ દ્વારા હાથ ધરાયેલી આ આગોતરી કામગીરીની સરાહના કરતાં કહ્યું કે, અન્ય નાની નગરપાલિકાઓ કે નગરોમાં વરસાદની વિકટ સ્થિતી સર્જાય તો મહાનગરો પોતાની સાધન-સામગ્રી ત્યાં મદદ માટે પહોંચાડવાનો સંવેદનાપૂર્ણ અભિગમ દાખવે.
શહેરી વિકાસ અગ્ર સચિવ સંજીવકુમારે પ્રિ- મોન્સુન એક્શન પ્લાન અંગે ઝિણવટપૂર્ણ માર્ગદર્શન આપતું પ્રેઝન્ટેશન પ્રસ્તુત કર્યુ હતું. આ મીટીંગમાં જામનગરના કમિશ્નર દિનેશ મોદીએ પણ ભાગ લીધો હતો.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application