સદર બજારમાં લઘુમતી અગ્રણીના ઘર પર પથ્થરમારો,મહિલાને ઇજા

  • February 26, 2025 03:05 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

શહેરના સદર બજાર વિસ્તારમાં આવેલા લઘુમતી અગ્રણી હબીબભાઈ કટારીયાના ઘર પર અહીં સામે બાલાજી એપાર્ટમેન્ટમાં રહેતા કુખ્યાત સમીર ઉર્ફે રાજાબાબાખાન પઠાણે પથ્થરમારો કર્યો હતો. જેમાં મહિલાને ઈજા પહોંચી હતી. પથ્થરમારાની આ ઘટનાના પગલે અહીં પોલીસનો કાફલો દોડી આવ્યો હતો. બાલાજી એપાર્ટમેન્ટમાં લોહાણા વૃદ્ધાનો ફ્લેટ લઘુમતી અગ્રણીના બહેને ખરીદ્યો હોય જે ફ્લેટ પર રાજાને કબજો કરવો હોય જેથી આ બાબતનો ખાર રાખી છેલ્લા ઘણા સમયથી તે ત્રાસ આપતો હતો. દરમિયાન આજરોજ તેણે આ એપાર્ટમેન્ટનો ગેટ તોડી નાખ્યો હતો. જે બાબતે પૂછતા બોલાચાલી કરી આ કૃત્ય આચર્યું હતું. આ મામલે મહિલાની ફરિયાદના આધારે પોલીસે ગુનો નોંધવા તજવીજ હાથ ધરી છે. બીજી તરફ અહીં સ્થિતિ વધુને બગડે તે માટે ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે.


જાણવા મળતી વિગતો મુજબ, આજરોજ સદર બજાર વિસ્તારમાં રહેતા લઘુમતી અગ્રણી હબીબભાઈ ગનીભાઈ કટારીયાના ઘર પર અહીં સામે જ બાલાજી એપાર્ટમેન્ટમાં રહેતા સમીર ઉર્ફે રાજા બાબાખાન પઠાણે પથ્થરમારો કર્યો હતો. પથ્થરમરાની આ ઘટનાના પગલે એસીપી રાધિકા ભારાઇ,પ્ર.નગર પોલીસ મથકના પીઆઈ પી.આર. ડોબરીયા, સહિતનો પોલીસ કાફલો બનાવસ્થળે દોડી ગયો હતો.


બનાવની વધુમાં જાણવા મળતી વિગતો મુજબ, બાલાજી એપાર્ટમેન્ટમાં રહેતો સમીર ઉર્ફે રાજા છેલ્લા ઘણા સમયથી અહીં એપાર્ટમેન્ટમાં રહેતા લોકોને હેરાન પરેશાન કરતો હોય તેના ત્રાસથી મોટાભાગના ફલેટ ધારકો ફ્લેટ ખાલી કરીને ચાલ્યા ગયા છે. દરમિયાન અહીં એક લોહાણા વૃદ્ધા રહેતા હોય જેમના પતિનું અવસાન થયા બાદ રાજાની નજર તેમના ફ્લેટ પર પડી હતી અને તે યેનકેન પ્રકારે આ ફ્લેટ પર કબજો કરવા માંગતો હતો અને ત્રાસ આપવા લાગ્યો હતો. જેથી વૃદ્ધા તેમની દીકરીઓ સાથે રહેવા જતા રહ્યા હતા અને તેમણે પોતાનો આ ફલેટ વેચવા માટે હબીબભાઈનો સંપર્ક કર્યો હતો. બાદમાં હબીબભાઈએ મધ્યસ્થીમાં રહી આ ફ્લેટ તેમના સગા બેન મુમતાઝબેન સમાને લેવડાવ્યો હતો જે પેટે મુમતાઝબેને રૂપિયા ૧૨.૫૦ લાખ ચૂકવ્યા હતા.


મુમતાઝબેને આ ફ્લેટ લીધા બાદ રાજાને તે વાત પસંદ પડી ન હતી તેને આ ફ્લેટ કબજે કરવો હોય પરંતુ તે હવે મુમતાઝબેને ખરીદી લીધો હોય જેથી તે તેના પર ત્રાસ સુધારવા લાગ્યો હતો. દરમિયાન આજરોજ ફ્લેટના મુખ્ય ગેટને સમીર ઉર્ફે રાજાએ તોડી નાખ્યો હતો જેથી આ બાબતે મુમતાજબેને પૂછતા તે ઝઘડો કરવા લાગ્યો હતો બાદમાં તેણે પોતાના ફ્લેટ પર જઇ ત્યાંથી પથ્થરમારો શરૂ કર્યો હતો. જેમાં મુમતાઝબેનના સગા બેહન ઝરીનાબેનને પથ્થર વાગી જતા ઈજા પહોંચી હતી. પથ્થરમરાની આ ઘટનાના પગલે તાકીદે પોલીસ કાફલો અહીં દોડી આવ્યો હતો.


સંવેદનશીલ એવા આ સદર વિસ્તારમાં સ્થિતિ વધુ ન બગડે તે માટે પોલીસ દ્વારા અહીં ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. બીજી તરફ આ મામલે મુમતાઝબેન સમા દ્વારા પ્ર.નગર પોલીસ સ્ટેશનમાં સમીર ઉર્ફે રાજા બાબાખાન પઠાણ વિરુદ્ધ ફરિયાદ નોંધાવવામાં આવી રહી હોવાનું જાણવા મળ્યું છે.


પઠાણ પરિવારનો ગુનાહિત ભૂતકાળ

લઘુમતી અગ્રણી હબીબભાઈ કટારીયાના ઘર પર પથ્થરમારો કરનાર સમીર ઉર્ફે રાજા બાબા ખાન પઠાણ સામે 10 વર્ષ પૂર્વે હત્યાનો ગુનો નોંધાયો હતો. સદર બજારમાં ફટાકડાની થેલી બાબતે થયેલી માથાકૂટ બાદ પઠાણ પરિવાર હથિયારો સાથે રામનાથપરા વિસ્તારમાં સામેના જૂથ પર હુમલો કરવા પહોંચ્યું હતું તે સમયે મોહસીન આરબભાઈ તાલબ (ઉ.વ 28) ની હત્યા કરી હતી. સામા પક્ષે સમીરના ભાઈ ઇમરાન બાબાખાન પઠાણની પણ હત્યા થઈ હતી. આ ઉપરાંત બાબાખાન પઠાણ પણ અગાઉ પોલીસ ચોપડે ચડી ચૂક્યો હોવાનું જાણવા મળ્યું છે.


સમીર ઉર્ફે રાજાના ત્રાસથી અગાઉ કેટલાક ધારકો હિજરત કરી ગયા

સદર બજારમાં બાલાજી એપાર્ટમેન્ટમાં રહેતા કુખ્યાત સમીર ઉર્ફે રાજા અહીં પાડોશમાં રહેતા લોકોને સતત ત્રાસ આપતો હોય જેનાથી ફ્લેટ ધારકો ત્રાહિમામ થઈ ગયા હતા. એટલું જ નહીં કેટલાક ફલેટ ધારકોએ સમીર ઉર્ફે રાજાના ત્રાસથી અહીંથી હિજરત પણ કરી ચૂક્યા હોવાનો જાણવા મળ્યું છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application