ખેતી કાર્યો દરમિયાન રાજ્યના ખેડૂતોએ હીટવેવ સામે રક્ષણ મેળવવા સાવચેતી રાખવા અનુરોધ

  • April 24, 2024 10:58 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

ખેતી નિયામકની કચેરી-ગાંધીનગર દ્વારા હીટવેવ (લૂ) સામે સાવચેતી રાખવા માટે એડવાઈઝરી જાહેર કરી: મગફળી, કેળ, ઉનાળુ મગ, ડાંગર, શાકભાજી, બાજરી પકવતા ખેડૂતોને યોગ્ય કાળજી લેવા સુચના


ઉનાળાના બળબળતા તાપ વચ્ચે ખેતી કાર્યોમાં રાજ્યના ખેડૂતો હીટવેવ (લૂ)થી બચી શકે તે માટે ખેતી નિયામકની કચેરી દ્વારા હીટવેવ સામે લેવાના સાવચેતીના પગલાઓ અંગે સામાન્ય એડવાઈઝરી જાહેર કરવામાં આવી છે. આ એડવાઈઝરીમાં સૌરાષ્ટ્ર, દક્ષિણ ગુજરાત, મધ્ય ગુજરાત, ઉત્તર ગુજરાતના મગફળી, કેળ, ઉનાળુ મગ,  ડાંગર, શાકભાજી, બાજરી પકવતા ખેડૂતોને ખેતી કાર્યોમાં યોગ્ય કાળજી લેવા અનુરોધ કરાયો છે.


આ એડવાઈઝરીમાં જણાવાયું છે કે, હીટવેવ દરમિયાન ખેતરમાં ઉભા પાકને હળવું તેમજ વારંવાર પિયત આપવું. મગફળી, મગ, અડદ, બાજરી, જુવાર, તલ વગેરે પાકમા વહેલી સવારે અને સાંજના સમયે પિયત આપવું. ખેતરની જમીનમાં ભેજનું પ્રમાણ જાળવી રાખવાં માટે પાકનાં અવશેષો, પોલીથીન તેમજ માટી વડે આચ્છાદન કરવું. પિયત માટે બની શકે તો ફુવારા પદ્ધતિનો ઉપયોગ કરવો. પાકને ઊંચા તાપમાનથી બચાવવા શાકભાજીના ખેતરમાં નીંદણ ન કરવું. બપોરના કલાકો દરમ્યાન ખેતીની પ્રવૃતિઓ બંધ રાખવી. શાકભાજી અને બાગાયતી પાકોને શણના કંતાનથી અથવા જુવાર-બાજરી જેવા પાકોની કડબની આડશ કરવી.


વધુમાં જણાવાયું છે કે, વાવણી કરેલ પાકોમાં આંતરખેડ તથા નિંદામણ કરવું, આગામી દિવસોમાં દિવસના તાપમાનમાં સામાન્ય વધારો થવાની સંભાવના હોઈ તથા જમીનના પ્રત ધ્યાનમાં લઈ જરૂરીયાત મુજબ પિયત આપવુ. રોગ કે જિવાતનો ઉપદ્રવ જણાય તો, ખુલ્લા હવામાન દરમ્યાન ભલામણ મુજબના પાક સંરક્ષણના પગલા લેવા. તાપમાનમાં વધારો થવાથી ભીંડામાં પાન કથિરીના નિયંત્રણ માટે ફેનાઝાક્વીન 10 ઇસી 10 મિલી અથવા સ્પાયરોમેસીફેન 22.9 એસ.સી. 8 મિલી પ્રતિ 10 લીટર પાણીમાં ભેળવીને પાક પર હવામાન ચોખ્ખુ હોય ત્યારે છંટકાવ કરવો.

આ ઉપરાંત તાપમાનમાં વધારો થવાથી રીંગણમાં પાન કથિરીના નિયંત્રણ માટે પ્રોપાગર્ઇિટ 57 ઇસી 20  મિલી અથવા ફેનાઝાક્વીન 10 ઇસી 10 મિલી અથવા ઇટોક્ષા સોઝેલ 10 એસ સી 8 મિલી અથવા સ્પાયરોમેસીફેન 22.9 એસ.સી. 8 મિલી પ્રતિ 10 લીટર પાણીમાં ભેળવીને પાક પર હવામાન ચોખ્ખુ હોય ત્યારે છંટકાવ કરવો. કેળા, દાડમ, લીંબુ, આંબાના બગીચામા યોગ્ય ભેજ જાળવવા તથા તાપની અસર ના થાય તે માટે સાંજ અથવા સવારના સમયે ટૂંકા અંતરે હળવું પિયત આપવું તથા પાક અવશેષોનું આવરણ કરવુ, તેમ વધુમાં જણાવાયું છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application