મહિલાની હત્યા કરનાર શખ્સને સાત વર્ષની સખત કેદ

  • December 27, 2023 07:29 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

ભાવનગર જિલ્લાના પાલીતાણા પંથકના એક ગામમાં રહેતા પરિવારની યુવાન પુત્રી પર આજ ગામના શખ્સે દુષ્કર્મ આચાર્યાની ફરીયાદ નોંધાવાઈ હતી. જેનાં પગલે પોલીસે શખ્સની ધરપકડ કરી હતી. અને જે કેસમાં શખ્સ જેલમાં પણ ગયો હતો. દરમિયાન શખ્સે આ બાબતનો રાગ-દ્વેષ રાખી યુવતિની માતાને મૂંઢ માર મારી તેની હત્યા નીપજાવવાના કેસમાં ડીસ્ટ્રીક્ટ એન્ડ સશન્સ કોર્ટએ શખ્સને ૭ વર્ષની કેદ ફટકારી હતી.


આ કેસ અંગેની વિગતો મુજબ પાલીતાણા પંથકના એક ગામમાં રહેતા પરિવારની યુવાન પુત્રી પર કુલદીપસિંહ નિર્મળસિંહ ગોહિલ નામના શખ્સએ દુષ્કર્મ આચાર્યું હોય જે અંગેની ફરિયાદ પરિવાર દ્વારા જે તે સમયે નોંધાવી હતી. જેને પગલે કુલદીપસિંહ ગોહિલે જેલ વાસ ભોગવ્યો હતો. દરમિયાન પોતાને ભોગવેલ જેલવાસ અને દુષ્કર્મ બાબતે પરિવાર દ્વારા કરેલી પોલીસ કાર્યવાહી સહિતની બાબતો પર રાગ્રેસ રાખી તારીખ ૨૪.૦૭.૨૦૨૨ ના રોજ બપોરના સમયે યુવતીની માતા બજારમાંથી પસાર થઈ રહ્યા હતા. ત્યારે કુલદીપસિંહ નિર્મળસિંહ ગોહિલે આવી મહિલાને આંતરિ તેને મૂંઢ માર મારી બેહોશ કરી નાસી છૂટ્યો હતો. ઘટનાની જાણ થતા મહિલાના પુત્ર સહિતના પરિવારજનોએ દોડી આવી મહિલાને પ્રથમ ગામના દવાખાને અને ત્યારબાદ વધુ સારવાર માટે પાલીતાણા સરકારી હોસ્પિટલ ખસેડાયા હતા. જ્યાં આગળ ફરજ પરના તબીબે તપાસી મહિલાને મૃત જાહેર કર્યા હતા.


 આ બનાવ અંગે મૃતક મહિલાના પુત્ર કુલદીપસિંહ નિર્મળસિંહ ગોહિલ વિરુદ્ધ ફરિયાદ નોંધાવતા પોલીસે જે તે સમયે કુલદીપસિંહ ગોહિલની ધરપકડ કરી જેલ હવાલે કર્યો હતો. જે કેસ અત્રેની ડિસ્ટ્રિક્ટ એન્ડ સેશન્સ કોર્ટમાં ચાલી જતા સરકારી ધારાશાસ્ત્રી મનોજ જોશીની અસરકારક દલીલો અને લેખિત તેમજ મૌખિક પુરાવા ઉપરાંત સાક્ષીઓની જુબાનીને ધ્યાને લઈ ન્યાયમૂર્તિ પીરજાદાએ કુલદીપસિંહ નિર્મળસિંહ ગોહિલને આઇપીસીની કલમ ૩૦૪(૨) હેઠળ તકસીરવાન ઠરાવી ૭ વર્ષની સખત કેદની સજા અને ૨૦ હજારનો દંડ અને જો દંડની રકમ ન ભરે તો વધુ એક વર્ષની સજા ભોગવવાનો હુકમ કર્યો હતો.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application