જામનગર પંથકમાં યમરાજનું કાળચક્ર : અપમૃત્યુના સાત બનાવ

  • May 15, 2023 11:28 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

ભગત ખીજડીયા અને નાની ભગેડીમાં ડુબી જવાથી બે વ્યકિતના ભોગ લેવાયા : નિકાવામાં હાર્ટએટેકથી પરિણીતાનું મૃત્યુ : ટીટોડી વાડીમાં બિમારી સબબ યુવતીનો ભોગ લેવાયો : લાખાબાવળ અને પીપળી ગામમાં બે યુવાનના આપઘાત : લાલપુરમાં ઝેરી જીવડો કરડી જતા વૃઘ્ધાનું મૃત્યુ

જામનગર શહેર, જીલ્લામાં અપમૃત્યુના સાત બનાવ પોલીસ ચોપડે જાહેર થયા છે જેમાં કાલાવડના ભગત ખીજડીયા અને નાની ભગેડીમાં ડુબી જવાથી બે વ્યકિતના ભોગ લેવાયા છે, નિકાવામાં હાર્ટએટેકથી પરિણીતાનું મૃત્યુ થયુ હતું, ટીટોડી વાડીમાં બિમારી સબબ શ્ર્વાસ ચડતા યુવતીનો ભોગ લેવાયો હતો, લાખાબાવળ અને પીપળી ગામમાં બે યુવાને આપઘાત કરી લીધા હતા અને લાલપુરમાં ઝેરી જીવડો કરડી જતા વૃઘ્ધાનું સારવારમાં મૃત્યુ નિપજયુ હતું.
કાલાવડના ભગત ખીજડીયામાં રહેતા પરસોતમ ગોવિંદભાઇ ફળદુ (ઉ.વ.૪૭) ગત તા. ૧૦ના ઘરેથી ચાલ્યા ગયા હતા, દરમ્યાન ગઇકાલે ગામના વાડી વિસ્તારમાં આવેલી મોહનભાઇની વાડીના કુવામાં કોઇ કારણસર પરસોતમભાઇનું ડુબી જતા મૃત્યુ નિપજયુ હતું, આ અંગે રતીલાલ ગોવિંદભાઇ દ્વારા ગ્રામ્ય પોલીસમાં જાણ કરાઇ હતી.
નિકાવામાં રહેતી સવીતાબેન પ્રેમજીભાઇ પુંધેરા (ઉ.વ.૪૮) ઘરે અચાનક પડી જતા પ્રથમ નિકાવા અને ત્યાંથી કાલાવડ સરકારી દવાખાને લઇ જવામાં આવેલ જયાં ફરજ પરના તબીબે તપાસીને હાર્ટએટેકથી મૃત્યુ થયાનું કહયુ હતું આ અંગે નિકાવામાં રહેતા વોચમેન પ્રેમજી દેવશીભાઇએ પોલીસમાં જાણ કરી હતી.
જામનગરના ખોજા નાકે ટીટોડી વાડીમાં રહેતા ખુશ્બુ કાસીમભાઇ દરજાદા (ઉ.વ.૧૯)ને છેલ્લા પાંચેક વર્ષથી ડાયાબીટીસ અને એકાદ મહીનાથી થાઇરોડની બિમારી હોય શ્ર્વાસની તકલીફ રહેતી હતી, દરમ્યાન ગઇકાલે શ્ર્વાસ ચડતા જી.જી. હોસ્પીટલમાં સારવાર દરમ્યાન તેનું મૃત્યુ થયુ હતું આ અંગે કાસીમ સુલેમાનભાઇ દરજાદાએ સીટી-એમાં જાણ કરી હતી.
અન્ય બનાવમાં કાલાવડના દાવલી ગામમાં રહેતા સંજય સંતારભાઇ વાઘેલા (ઉ.વ.૧૯) નામનો યુવાન ગત તા. ૧૩ના નાની ભગેડીના દુધાળા ડેમમાં માછીમારી કરવા જતા અકસ્માતે પાણીમાં ડુબી જતા મૃત્યુ નિપજયુ હતું આ અંગે ગીતાબેન વાઘેલા દ્વારા ગ્રામ્ય પોલીસને જાણ કરી હતી, જયારે લાખાબાવળ નવા પ્લોટ વિસ્તારમાં રહેતા પ્રવિણ ગોવિંદભાઇ વાઘેલા (ઉ.વ.૨૨) નામના યુવાન થોડા દિવસ પહેલા માનસીક તણાવમાં રહેતા હોય ગત તા. ૧૧ના રોજ ઝેરી દવા પી લેતા જી.જી. હોસ્પીટલ ખાતે સારવાર દરમ્યાન તેનું મૃત્યુ થયુ હતું આ અંગે અશ્ર્વીન ગોવિંદભાઇએ પંચ-બીમાં જાણ કરી હતી.
વધુ એક બનાવમાં લાલપુરના પીપળી ગામમાં રહેતા વિજય તેજાભાઇ મકવાણા (ઉ.વ.૨૩)ને વાલની બિમારી હોય જેનાથી કંટાળીને ગત તા. ૧૩ના રોજ સુતરની દોરી વડે ગળાફાંસો ખાઇ આપઘાત કરી લીધો હતો જે અંગેની જાણ અમરશીભાઇ દ્વારા કરવામાં આવી હતી, જયારે લાલપુરના દ્વારકાધીશ સોસાયટીમાં રહેતી તારાબા ખુમાનસિંહ જેઠવા (ઉ.વ.૬૪) નામના વૃઘ્ધા ગત તા. ૩ના રોજ ઘરના ફળીયામાં કચરો વાળતા હતા અને કચરો ભરતી વેળાએ ઝેરી જીવડું કરડી જતા હાથ સોજી જતા સારવાર દરમ્યાન તેણીનું મૃત્યુ થયુ હતું મહીપાલસિંહ પ્રભાતસિંહ જેઠવા દ્ગવારા લાલપુર પોલીસમાં જાણ કરાઇ હતી.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application