મોટા ભરુડીયા ગામ પાસે ખાનગી કંપનીના સિકયુરીટી ઇન્ચાર્જને ધમકી

  • June 21, 2023 12:24 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

પગાર કેમ નથી કરતા તેમ કહી ચાંદીગઢ ગામના બે શખ્સ વિફર્યા

લાલપુરના મોટા ભરુડીયા ગામ પાસે પવનચકકીના ટાવરનું મેઇન્ટેનન્સ વર્ક જોવા ગયેલા ખાનગી કંપનીના સિકયુરીટી ઇન્ચાર્જને ચાંદીગઢના બે શખ્સોએ મારી નાખવાની ધમકી દીધી હતી.
લાલપુરના એસવીએસ સ્કુલ પાછળ રહેતા અને ગ્રીનકો એનર્જી પ્રા.લી.ના સિકયુરીટી ઇન્ચાર્જ જીતેન્દ્રસિંહ ગંભીરસિંહ જાડેજા (ઉ.વ.૩૯)એ ગઇકાલે લાલપુર પોલીસ સ્ટેશનમાં અલીમામદ ઉર્ફે લાખા રાઉમા તથા ગફુર કરીમ રાઉમા રહે. બંને ચાંદીગઢ ગામની વિરુઘ્ધ આઇપીસી કલમ ૫૦૪, ૫૦૬(૨), ૧૧૪ મુજબ ફરીયાદ નોંધાવી હતી.
ફરીયાદી જીતેન્દ્રસિંહ લાલપુર તાલુકાના મોટા ભરુડીયા ગામ પાસે આવેલ કાજી સાઇડમાં પવનચકકીના ટાવર નં. ૧૦, પોલ નં. ૪૦૦૯ના ટાવરમાં મેઇન્ટેનન્સ વર્ક કરવા ગયા હતા ત્યાં અલીમામદ અને ગફુર ફરીયાદીને કહેવા લાગેલ કે અમારો પગાર કેમ નથી કરતો અમો તને આ સાઇડ પર કામ કરવા નહીં દઇએ તેમ કહયુ હતું.
આથી ફરીયાદી બંનેને સમજાવવા જતા બંને શખ્સોએ અપશબ્દો બોલી ફરીયાદીને જાનથી મારી નાખવાની ધમકી આપીને એકબીજાને મદદગારી કરી હતી, ફરીયાદના આધારે લાલપુર પોલીસ દ્વારા તપાસ ચલાવવામાં આવી રહી છે.
**
વાડીનારમાં જમાઈ દ્વારા સસરા પર હુમલો
ખંભાળિયા તાલુકાના વાડીનાર ગામે રહેતા ઈકબાલભાઈ તાલબભાઈ સુંભણીયાના વાડીનાર ખાતે રહેતા જમાઈ ઈબ્રાહિમ ઉમરભાઈ ભાયાને પોતાના પત્ની સાથે ઝઘડો થયો હોય, જેથી ફરિયાદી ઈકબાલભાઈ ઈબ્રાહિમને સમજાવવા જતા આ બાબતનું મનદુ:ખ રાખી, આરોપી દ્વારા જ્યારે ફરિયાદી ઈકબાલભાઈ આશાબા પીરની દરગાહના કમ્પાઉન્ડમાં હતા, ત્યારે આરોપી ઈબ્રાહીમ ભાયા તથા તેની સાથે આવેલા હુસેન તાલબ ભાયા નામના બે શખ્સોએ એકસંપ કરી અને ફરિયાદી ઈકબાલભાઈ ઉપર લોખંડના પાઇપ તથા છરી વડે હુમલો કરીને તેમની સાથે રહેલા સાહેદ ઈમરાનને પણ લોખંડના પાઇપનો ઘા મારી, ઈજાઓ કરવા સબબ વાડીનાર મરીન પોલીસ મથકમાં ધોરણસર ફરિયાદ નોંધાવવામાં આવી છે. જે અંગે પોલીસે આઈપીસી કલમ ૩૨૩, ૩૨૪, ૫૦૪, ૫૦૬ (૨), ૧૧૪ તથા જી.પી. એક્ટની કલમ મુજબ ગુનો નોંધી, આગળની કાર્યવાહી હાથ ધરી છે.
**
ઓખામાં જમીન પચાવી પાડી પિતા પુત્રનો વેપારી પર હુમલો
ઓખાની મેઈન બજાર ખાતે ટાઉનશિપ વિસ્તારમાં પ્રકાશ ચત્રભુજ રાઠોડ તથા આદર્શ પ્રકાશ રાઠોડ નામના બે શખ્સો દ્વારા આ વિસ્તારમાં દુકાન ધરાવતા વેપારી યુવાન નિલેશભાઈ ભગવાનદાસ વિઠલાણીની દુકાનની આગળ સરકારી ફૂટપાથ ઉપર નાસ્તાની રેંકડી રાખી, આ બંને શખ્સો દ્વારા આ વિસ્તારમાં આવતા-જતા રાહદારી લોકોને અવરોધરૂપ થાય તેમજ જાહેર માર્ગ પર ટ્રાફિકને અડચણરૂપ રાખી અને અહીં કોમન ચાલનો ગેટ તથા દિવાલ તોડી પાડવામાં આવી હતી.
આરોપી શખ્સોએ આ સ્થળે અપપ્રવેશ કરી અને કેબિન મૂકી, ફરિયાદી નિલેશભાઈ વિઠલાણીની માલિકીની જગ્યા તેમજ દુકાનોના સંકુલની કોમન ચાલની જગ્યા પચાવી પાડી, આ અંગે ફરિયાદી નિલેશભાઈ તથા અન્ય સાહેદોને બિભત્સ ગાળો કાઢી, ફડાકા ઝીંકીને જો તેઓ કાયદેસરની કાર્યવાહી કરશે તો જાનથી મારી નાખવાની ધમકી પણ ઉચ્ચારી હોવાની ધોરણસર ફરિયાદ ઓખા મરીન પોલીસ મથકમાં નોંધાવવામાં આવી છે.
આ સમગ્ર બનાવ અંગે પોલીસે ગુજરાત જમીન પચાવી પાડવા પર (પ્રતિબંધ) અધિનિયમની કલમ તેમજ આઈ.પી.સી. કલમ ૨૮૩, ૩૨૩, ૫૦૪, ૫૦૬ (૨), ૪૨૭, ૪૪૭ તથા ૩૪૧ મુજબ ગુનો નોંધી, આગળની તપાસ ડીવાયએસપી સમીર સારડા દ્વારા હાથ ધરવામાં આવી છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application