કાલાવડ રોડ ઉપર ગંદકી ફેલાવતી બે દુકાન સીલ

  • October 31, 2023 02:56 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


રાજકોટમાં કાલાવડ રોડ ઉપરના એ.જી. ચોકમાં આવેલી આશાપુરા પાન એન્ડ કોલ્ડ્રીંક્સ અને હરિ યોગી લાઇફ પફ શોપ દ્વારા જાહેરમાં ગંદકી કરીને ન્યુસન્સ ફેલાવવામાં આવતું હોવાથી મ્યુનિસિપલ કમિશનર આનંદ પટેલના આદેશથી આ બન્ને દુકાનો સીલ કરવામાં આવી હતી.મહાપાલિકાના અધિકારી સૂત્રોએ જણાવ્યું હતું કે ઉપરોક્ત બન્ને દુકાનો દ્વારા જાહેર ગંદકી ફેલાવી કચરો કરવામાં આવતો હોય આ બાબતે નોટીસ આપી વહીવટી ચાર્જની વસુલાત કરવામાં આવી હતી. તદ્દઉપરાંત સંચાલકોને જાહેરમાં ગંદકી ન કરવા તેમજ સ્વચ્છતા જાળવવા અવાર-નવાર સુચના આપવામાં આવી હતી તેમ છતાં જાહેર સ્વચ્છતા ન જાળવતા ગઇકાલે સ્થળ તપાસ કરવામાં આવી હતી જેમાં દુકાન આજુબાજુ ખુબ જ ગંદકી તેમજ કચરો જોવા મળ્યો હતો. જેથી ગત સાંજે બને શોપ આશાપુરા પાન એન્ડ કોલ્ડ્રીંક્સ અને હરિ યોગી લાઇફ પફના સંચાલકોને નોટીસ આપીને સીલ કરવાની કાર્યવાહી કરવામાં આવી હતી.


વિશેષમાં આ અંગે મ્યુનિ.કમિશનર આનંદ પટેલે જણાવ્યું હતું કે, રાજકોટ મહાનગરપાલિકા દ્વારા શહેરને સ્વચ્છ રાખવા જહેમત ઉઠાવવામાં આવી રહી છે ત્યારે આ અભિયાનમાં લોકો પણ નાગરિકો ફરજ બજાવે તે અપેક્ષિત છે. જાહેરમાં ગંદકી કરતા લોકો સામે આ અગાઉ અનેક વખત પગલાં લેવાયા છે, આમ છતાં ક્યાંક કેટલાક લોકો હજુ પણ ભૂલ કરતા રહે છે. લોકોમાં સ્વયં જાગૃતિ આવે તે ઈચ્છનિય છે, પરંતુ જયારે આવું સંભવ ન બને ત્યારે વહીવટી તંત્ર કડક પગલાં લેવા મજબુર બને છે. જાહેરમાં સ્વચ્છતાને નજર અંદાજ કરી ગંદકી કરનારા લોકો અને વ્યવસાયી સંકુલો સામે વહીવાટી ચાર્જ અને સીલીંગ સહિતના પગલાં લેવાશે. જાહેરમાં ગંદકી કરતા આસામીઓ સામે ધી જીપીએમસી એક્ટ- 1949ની કલમ-376 એ હેઠળ કડક કાર્યવાહી કરવામાં આવશે.



ઉપરોક્ત કાર્યવાહી ધી જીપીએમસી એક્ટ-1949ની કલમ-376 એ હેઠળ મ્યુનિ.કમિશનર આનંદ પટેલ તથા નાયબ કમિશનર અનિલ ધામેલીયાના માર્ગદર્શન હેઠળ સીલ કરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. હાલ સરકારના સ્વચ્છતા હી સેવા કાર્યક્રમ અંતર્ગત શહેરને તેમજ શહેરની બહારના વિસ્તારો, શહેરને જોડતા હાઇ-વે વિગેરેને સ્વચ્છ કરવા માટે સઘન કાર્યવાહી કરવામાં આવી રહેલ હોય, જાહેરમાં ગંદકી ફેલાવતાં આસામીઓ તેમજ ધંધાર્થીઓને નોટીસ આપી વહીવટી ચાર્જ વસુલવા તેમજ તેમાં સુધારો ન જણાતા આવા ધંધાર્થીઓ સામે તેની દુકાન અને ધંધાનું એકમ સીલ કરવા સુધીના આકરા પગલાં લેવામાં આવશે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application