સૌરાષ્ટ્ર યુનિવર્સિટી સંલગ્ન કોલેજો સોમવારથી શરૂ થઈ, ગુરૂવારથી પરીક્ષા

  • June 26, 2024 03:01 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


યુનિવર્સિટીના સલગ્ન કોલેજોમાં ગયા સોમવારથી નવું શૈક્ષણિક સત્ર શરૂ થયું છે. ગઈકાલે રાજકોટ બંધના એલાનના કારણે લગભગ તમામ કોલેજોમાં રજા હતી અને આજે આમ જોવા જઈએ તો સત્રનો બીજો દિવસ છે અને તે સાથે જ યુનિવર્સિટીના સત્તાવાળાઓએ પરીક્ષાનો શેડ્યુલ જાહેર કરી દીધો છે.
કોલેજોમાં બીજા અને ત્રીજા વર્ષના વિદ્યાર્થીઓનો અભ્યાસ ચાલુ કરવા માટેની વ્યવસ્થા થઈ રહી છે. પ્રથમ વર્ષના વિદ્યાર્થીઓને ભણાવવાનું ક્યારે શરૂ થશે તે હજુ નક્કી નથી. તેવા વાતાવરણમાં અગાઉ એક યા બીજા કારણોસર નહીં લઈ શકાયેલી સેમેસ્ટર 2 ની પરીક્ષાનું શેડ્યુલ યુનિવર્સિટી એ જાહેર કર્યો છે. આ શેડ્યુલ મુજબ આવતીકાલ તારીખ 27 થી જુદી જુદી 15 પરીક્ષાઓ શરૂ થઈ રહી છે અને તેમાં 43281 પરીક્ષાર્થીઓ નોંધાયા છે.
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના પૂર્વ કુલપતિ ગીરીશભાઈ ભીમાણીના કાર્યકાળ દરમિયાન 8 કોલેજોમાં એલએલએમ માટે મંજૂરી આપવામાં આવી હતી. ખાનગી કોલેજમાં 198 વિદ્યાર્થીઓએ પ્રવેશ લઈ લીધા બાદ કોલેજોમાં એલએલએમના અભ્યાસક્રમને બાર કાઉન્સિલ ઓફ ઇન્ડિયા તરફથી મંજૂરી ન મળતા આ તમામ વિદ્યાર્થીઓને યુનિવર્સિટી કેમ્પસ પર આવેલા લો ડીપાર્ટમેન્ટમાં એડમિશન અપાયા છે. આવા વિદ્યાર્થીઓની સેમેસ્ટર એકની પરીક્ષા પણ કાલથી શરૂ થઈ રહી છે.
આ ઉપરાંત બીએ રેગ્યુલર અને એક્સટર્નલ, બીએ આઇડી, બીએસડબલ્યુ, બીબીએ, બીકોમ રેગ્યુલર અને એક્સટર્નલ, બીસીએ બીએસસી આઈટી બીએ બીએડ અને એમ.એ એજ્યુકેશન સેમેસ્ટર 2 ની પરીક્ષાઓ શરૂ થઈ રહી છે. સૌથી વધુ પરીક્ષાર્થીઓ બીકોમ સેમેસ્ટર 2 માં 12500 છે જ્યારે સૌથી ઓછા બીએસસી એમએસસી એપ્લાઇડ ફિઝિક્સમાં માત્ર બે છે.
યુનિવર્સિટી દ્વારા પરીક્ષાર્થીઓને ઓનલાઈન પેપર મોકલવામાં આવશે ચોરી અને ગેરરીતિ અટકાવવા માટે ઓબ્ઝર્વર ટીમની નિમણૂક કરવામાં આવી છે. આ ઉપરાંત જ્યાં સીસીટીવી કેમેરાની વ્યવસ્થા છે તેવી કોલેજોને જ પરીક્ષાના સેન્ટર તરીકે મંજૂરી આપવામાં આવી છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application