જામનગર જીલ્લાના તાલુકાને જોડતા રસ્તાઓ બિસ્માર

  • May 17, 2023 12:30 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

ઠેર ઠેર ખાડાનું સામ્રાજય : ગ્રામજનો પરેશાન

જામનગર જીલ્લાના જામનગર તાલુકા સહિત છ એ છ તાલુકાના રસ્તાઓની હાલત તદ્ન બિસ્માર છે, ઠેર ઠેર ખાડાઓનું સામ્રાજય છવાયેલું છે, ખાસ કરીને નદી પરના પુલીયાઓ જર્જરીત હાલતમાં છે, જેનું પુન: નિર્માણ કરવું પડે તેવી સ્થીતીમાં છે, છતાં તંત્રના પેટનું પાણી પણ હલતું નથી.
જામનગર જીલ્લાના જામજોધપુર, જોડીયા, ધ્રોલ, લાલપુર, કાલાવડ તેમજ જામનગર તાલુકાના ગામડાઓના આંતરીક રસ્તાઓની હાલત તદ્ન કંગાળ છે, એક તરફ ડબલ એન્જીનની સરકાર વિકાસ.. વિકાસ.. વિકાસ.. વિકાસના નામ તળે રોડ-રસ્તાઓ ટનાટન બનાવે છે, પરંતુ આ રસ્તાઓ મોટાભાગે જીલ્લાના મુખ્ય મથકથી અન્ય જીલ્લા સુધીના તેમજ શહેરીજનોને વિકાસની વાંછટ વધારે પ્રમાણમાં આપવામાં આવે છે તેની સામે ગ્રામ્ય વિસ્તારોમાં આ વિકાસની વાછટ પુરા પ્રમાણમાં પહોચતી નથી.
જામનગર શહેરથી જામજોધપુર વાયા ધ્રાફા, સમાણા રોડ પરના પુલો તદન જર્જરીત હાલતમાં છે, રસ્તાના પણ વખાણ કરવા જેવા નથી, જયારે વાયા લાલપુર થઇને જામજોધપુર જઇએ તો હરીપર પાસેનો પુલ ખખડધજ હાલતમાં રેલીંગમાંથી સળીયા નીકળી ગયા છે, જયારે જામજોધપુર તાલુકાના ગામડાઓના આંતરીક રસ્તાઓ બદતર હાલતમાં છે.
જામનગરથી જોડીયા જઇએ તો જાંબુડાના પાટીયા સુધી રાજકોટને જોડતો હોવાથી માર્ગ ટનાટન છે પરંતુ જાંબુડાના પાટીયાથી જોડીયા સુધીનો રસ્તો ધુળની ડમરી ઉડે તેવો છે, અત્રે નોંધનીય છે કે જાંબુડાથી જતો આ રસ્તો આમરણ, મોરબી, કંડલા, ગાંધીધામ, કચ્છને જોડે છે જેને લીધે આ રસ્તા પર અસંખ્ય ટેન્કરોનું આવન જાવન રહેતું હોવા છતાં આ રસ્તા પર ઘ્યાન અપાતું નથી.
જામનગરથી ધ્રોલ રાજકોટને જોડતો હોવાથી રસ્તો તો ખુબ જ સારો છે પરંતુ ધ્રોલથી જોડીયા, ધ્રોલથી ટંકારા, ધ્રોલથી કાલાવડ, ધ્રોલથી બાલંભા વિગેરે રસ્તાઓમાં ધુળની ડમરી સિવાય કશું જોવા મળતું નથી, કારણ કે આ રસ્તા પર કોઇ વિઆઇપી અધિકારીઓ કે કોઇ રાજકીય વ્યકિતઓનું આવન જાવન થતું નથી તેથી તંત્ર દ્વારા ઘ્યાન અપાતું નથી.
તેવી જ રીતે જામનગરથી લાલપુરનો રસ્તો હરીપરના પુલને બાદ કરતા ઠીક ઠાક છે પરંતુ લાલપુર તાલુકાના આંતરીક ગામડાઓને જોડતા રસ્તાઓ લોટ પાણીને લાકડા જેવી સ્થીતી છે, ભણગોર, ધુનડા, મોટી ગોપ, ખોજાબેરાજા, મોડપર વગેરે ગામડાઓના રસ્તાઓની હાલત દયનીય છે. લાલપુર તાલુકાના ૨૬ રોડ જે સરકારના રીફ્રેશ કરવાના નિયમ થતા વધારે સમયથી ખરાબ હાલતમાં છે, છેલ્લા ઘણા વર્ષથી રીપેરીંગ કરવામાં નથી આવ્યા, લાલપુરથી પીપરટોડાને જોડતો માર્ગ મગરની પીઠ સમાન છે આ અંગે અસંખ્ય વખત રજુઆત કરી હોવા છતાં પરિણામ શુન્ય આવેલ છે.
જામનગરથી કાલાવડ ૫૦ કીમીનો રસ્તો પસાર કરવામાં એક કલાકનો સમય વાહનચાલકોને વ્યતીત થાય છે, બિનજરુરી સ્પીડ બ્રેકરો, ડબલપટ્ટીના રોડમાં કિનારા ઢંગધડા વીનાના જેને કારણે વાહનચાલકોને અકસ્માતનો પણ ભય રહે છે, કાલાવડ તાલુકાના ગામડાને જોડતા આંતરીક રસ્તાની વાત કરીએ તો ખરેડીથી નપાણીયા ખીજડીયાને જોડતો રસ્તો તદન ખરાબ સ્થીતીમાં છે. કાલાવડ તાલુકાના રોડના કામો નબળા થવા અંગે અનેક ફરીયાદો ઉઠી હોવા છતા સુતેલું તંત્ર જાગતુ નથી, લોકોની અનેક ફરીયાદો હોવા છતા માર્ગ મકાન વિભાગના અધિકારીઓ દાદ દેતા નથી.
સમગ્ર જીલ્લાના તાલુકા મથકોને જોડતા રસ્તા તેમજ તાલુકા મથકથી ગામડાને જોડતા આંતરીક રસ્તાઓ ટનાટન બને તો જ વિકાસ.. વિકાસ.. વિકાસ આ શબ્દ યર્થાથ થયો ગણાય, ગ્રામજનો ઇચ્છી રહયા છે કે સરકારના વિકાસનો લાભ અમોને પણ મળે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application