જૂનાગઢમાં અતિવૃષ્ટિ વચ્ચે તંત્ર દ્વારા રાહત બચાવ કામગીરી, 250થી વધુ લોકોનું કરાયું સ્થળાંતર

  • July 23, 2023 01:56 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

જૂનાગઢમાં ભારે વરસાદના સમાચાર મળતા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પોતાના તમામ કાર્યક્રમો ટૂંકાવીને તાત્કાલિક રાજકોટ જિલ્લા કલેકટર કચેરી ખાતે આવી પહોંચ્યા હતા. અહીં તેમણે કંટ્રોલરૂમ ખાતેથી જૂનાગઢના કલેક્ટર સાથે વાત કરીને, જૂનાગઢની તમામ સ્થિતિની માહિતી મેળવી હતી તથા અસરગ્રસ્ત લોકો માટે તાત્કાલિક રાહત બચાવ કામગીરી હાથ ધરીને તેમને સલામત સ્થળે ખસેડવાની સૂચના આપી હતી. ઉપરાંત તેમણે મુખ્ય સચિવ સાથે પણ આ અંગે ચર્ચા-વિચારણા કરી હતી. મુખ્યમંત્રીએ રાજકોટથી સીધા જૂનાગઢ જવા પ્રયાસ કર્યો હતો પરંતુ રસ્તા બંધ હોવાથી તેમજ વિઝીબિલિટીના પ્રશ્નો હોવાથી તેઓ જૂનાગઢ જઈ શક્યા નહોતા અને પોતાના કાર્યક્રમો રદ કરીને ગાંધીનગર પ્રસ્થાન કર્યું છે. તેઓ જૂનાગઢની પળેપળની વિગતો મેળવી રહ્યા છે. 


મળતી માહિતી પ્રમાણે જૂનાગઢમાં બપોરે ૧ વાગ્યાથી સાંજ સુધીમાં આશરે સાડા નવ ઇંચ તેમજ ગિરનાર પર તેના કરતાં પણ વધુ વરસાદ વરસ્યો છે. જ્યારે જૂનાગઢના છ તાલુકામાં પાંચ ઇંચથી વધુ વરસાદ વરસ્યો છે. જેના કારણે અનેક વિસ્તારોમાં પાણી ભરાયા હોવાની તેમજ નીચાણવાળા વિસ્તારોમાં પણ પાણી ભરાયા હોવાની માહિતી મળી રહી છે. તંત્ર દ્વારા લોકોને સલામત સ્થળે ખસેડવાની કામગીરી શરૂ કરી દેવામાં આવી છે. સાંજ સુધીમાં આશરે ૨૫૦ જેટલા લોકોનું સ્થળાંતર કરવામાં આવ્યું છે. આ લોકોના નિવાસ અને ભોજનની વ્યવસ્થા માટે પણ તંત્ર કામે લાગી ગયું છે.  જૂનાગઢની સ્થિતિ માટે એન.ડી.આર.એફ.ની બે કંપની ફાળવેલી છે જ્યારે ત્રીજી કંપની પણ રવાના કરાશે. એસ.ડી.આર.એફ.ની પણ બે ટીમ ફાળવેલી છે. 



જૂનાગઢમાં થયેલી અતિવૃષ્ટિ સામે હાલ રાજ્ય સરકાર અને જિલ્લા વહીવટી તંત્ર દ્વારા તમામ જરુરી પગલાં લેવામાં આવ્યા છે અને તંત્ર યુધ્ધના ધોરણે કામ કરી રહ્યું છે. અસરગ્રસ્ત લોકો માટે ફૂડ પેકેટ બનાવાઈ રહ્યા છે અને જલ્દીથી તેને જૂનાગઢ પહોંચાડાશે. જ્યારે જિલ્લા કલેકટર પ્રભવ જોશીએ મીડિયા સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, જૂનાગઢમાં ભારે વરસાદને પગલે અસરગ્રસ્ત લોકોને ભોજન પહોચાડવા માટે વિવિધ સામાજિક સંથાઓનો સહયોગ લઈને ૨૫ હજારથી વધુ ફૂડ પેકેટ બનાવાઈ રહ્યા છે અને મોકલવાની પણ વ્યવસ્થા ગોઠવી છે. ઉપરાંત રાજકોટ મહાનગરપાલિકા તથા ગોંડલ નગરપાલિકાની ફાયરની પાંચ ટીમો જૂનાગઢ ખાતે મોકલવામાં આવી છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application