આરંભડાની સગીરા પર દુષ્કર્મ આચર્યાની શખ્સ સામે ફરીયાદ

  • June 08, 2023 01:28 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

ગર્ભપાત કરાવવા અલગ અલગ હોસ્પીટલે લઇ જઇ ધમકીઓ દીધી : આરોપીના અન્ય ત્રણ પરિજનોની સંડોવણી પણ ખુલી

ઓખા મંડળના આરંભડા વિસ્તારમાં રહેતા એક પરિવારની સગીર પુત્રી પર આ જ ગામના શખ્સ દ્વારા અવારનવાર દુષ્કર્મ ગુજારી, તેણીને ગર્ભ રાખી દઈ, મારી નાખવાની ધમકી આપવા સબબ આરોપી શખ્સ તથા તેના પરિવારજનો સામે જુદી-જુદી કલમ મુજબ ગુનો નોંધવામાં આવ્યો છે.
આ પ્રકરણની પોલીસ દફતરે જાહેર થયેલી વિગત મુજબ મીઠાપુર તાબેના આરંભડા વિસ્તારમાં રહેતા એક પરિવારની સગીર વયની પુત્રીને આ જ વિસ્તારમાં રહેતા આસિફ સતાર બેતારા નામના શખ્સ દ્વારા પોતાના ઘરે અવારનવાર બળજબરીથી તેણીની મરજી વિરુદ્ધ દુષ્કર્મ આચારવામાં આવ્યું હતું. આ કુકર્મથી સગીરાને સાત માસનો ગર્ભ રહી ચૂક્યો હતો. જે અંગે જો તેણી કોઈને જાણ કરશે તો તેને તથા તેના ભાઈને મારી નાખવાની ધમકી પણ આરોપી દ્વારા ઉચ્ચારવામાં આવી હતી.
આટલું જ નહીં, આરોપી પરિવારના સત્તાર વલીમામદ બેતારા, નૂરજહાંબેન સતાર બેતારા અને ફાતિમાબેન નામના અન્ય પરિવારજનોએ પણ ગુનો છુપાવવા અને ગર્ભ પડાવવા માટે અવાર-નવાર ભોગ બનનારને અલગ-અલગ હોસ્પિટલે લઈ જઈ, અને આ અંગે જો કોઈને જાણ કરશે તો તેને તથા તેણીના ભાઈને જાનથી મારી નાખવાની ધમકી પણ આપી હોવાનું વધુમાં જાહેર થયું છે.
ભોગ બનનાર સગીરાને જામનગરની જી.જી. હોસ્પિટલમાં સારવાર અપાઈ હતી. આ સમગ્ર બનાવ અંગે સગીરાના મોટા બહેનની ફરિયાદ પરથી મીઠાપુર પોલીસે આરોપી આશીફ સતાર બેતારા સહિત તમામ ચાર શખ્સો સામે આઈ.પી.સી. કલમ ૩૭૬, ૫૦૬ (૨), ૧૧૪ તથા જી.પી. એક્ટની જુદી જુદી કલમ મુજબ ગુનો નોંધી, આગળની તપાસ ઇન્ચાર્જ પી.આઈ. એમ.ડી. મકવાણા દ્વારા હાથ ધરવામાં આવી છે.
**
જોડિયામાં વધુ એક શખ્સ સામે નિર્લજજ વર્તનની રાવ
જોડિયા બજારમાં શર્ટના બટનો ખુલ્લા રાખી નિર્લજજ વર્તન કરનારાઓ સામે અગાઉ ત્રણથી ચાર ફરીયાદો થઇ ચુકી છે દરમ્યાન વધુ એક શખ્સ સામે આ પ્રકારની ફરીયાદ કરવામાં આવી છે.
જોડીયાના મોટાવાસમાં રહેતા અક્રમ જુસબ શીઠાર નામનો વાઘેર શખ્સ ગઇકાલે જોડીયા મેઇનબજાર માંડવીચોક પાસે લોકોની અવર જવર વિસ્તારમાં પોતાના શર્ટના તમામ બટનો ખુલ્લા રાખી નિર્લજજ વર્તન કરી બુમ બરાડા પાડતો હોય આથી સ્થાનીક પોલીસે તેની સામે કાયદેસરની કાર્યવાહી કરી હતી.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application