રામાનંદ સાગરે રામાયણ શ્રેણીની મંજૂરી માટે ખાધા હતા બે વર્ષ સુધી મંત્રાલયના ધક્કા

  • May 02, 2023 10:29 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


  • સફળતાના ઝંડા ગાડનારી સીરિલયલને પહેલાં તો દૂરદર્શન અને સરકારે નકારી કાઢી હતી
  • નાના પડદાની સૌથી સફળ સીરિયલ પૈકીની એક રામાયણ આડે આવી હતી અડચણો


80ના દાયકાની ધાર્મિક સીરિયલ રામાયણને લોકડાઉનમાં જ્યારે દૂરદર્શન  પર પ્રસારિત કરાઇ તો રામાનંદ સાગરની મહેનતે ફરી નવા રેકોર્ડ સર્જ્યા હતા. પરંતુ આ સફળ શોને બનાવવા માટે રામાનંદ સાગરે કરેલી મહેનત વિશે લોકો વાકેફ નહીં હોય. આશ્ચર્યની વાત એ છે કે  આ સીરિયલ બનાવવા અને દર્શાવવાની મંજૂરી માટે રામાનંદને 2 વર્ષ સુધી સરકારી ઓફિસોના ચક્કર લગાવવા પડ્યા હતા. 


રામાનંદ સાગરની રામાયણની સફળતાને વર્ણવવા માટે કોઇ શબ્દો નથી. 80ના દાયકામાં બનેલ પૌરાણિક શો રામાયણ આજે પણ દર્શકોમાં ખૂબ પ્રિય છે. આ શોને વર્ષ 1987માં એવી લોકપ્રિયતા મળે કે તેના પાત્રોને પણ સીતા-રામ તરીકે લોકો પૂજવા લાગ્યા. આજે પણ સીતારામનું પાત્ર નિભાવનારા કલાકારોને તેમનો ઓન સ્ક્રિન રોલથી જ ઓળખવામાં આવે છે.


પરંતુ રામાનંદ સાગરને જે શોએ દેશભરમાં લોક ચાહના અપાવી, તેને દૂરદર્શને પહેલાં રીજેક્ટ કરી દીધો હતો. રામાનંદ સાગરના પુત્ર પ્રેમ સાગરે પોતાના પુસ્તક એન એપિક લાઇફઃ રામનંદ સાગર ફ્રોમ બરસાત ટૂ રામાયણમાં લખ્યું છે કે,રામાનંદ સાગર માટે દૂરદર્શન પર રામાયણને પ્રસારિત કરવી કોઇ સરળ કાર્ય નહોતું. સરકારથી લઇને દૂરદર્શનના ખેરખા સુધી બધાએ રામાયણનું ટેલિકાસ્ટ રોકવા પૂરતા પ્રયાસો કર્યા હતા. રામાનંદ સાગરનો રામાયણ બનાવવાનો વિચાર કોઇને પસંદ નહોતો આવ્યો. રામાનંદે બનાવેલા રામાયણના 3 પાઇલોટ એપિસોડને રીજેક્ટ કરી દેવામાં આવ્યા હતા.


રામાનંદ સાગરના પૈસા અને સમય બંને વેડફાઇ રહ્યા હતા, આ દરમિયાન તેઓ ખૂબ જ ચિંતામાં હતા. પરંતુ રામાનંદે હાર માનવાની જગ્યાએ આ પ્રોજેક્ટને પાસ કરવા માટે ખૂબ અપમાન સહન કર્યું, લોકોએ રામાયણના ડાયલોગ્સની મજાક પણ ઉડાવી. કલાકો સુધી ઓફિસોની બહાર ઊભા રહ્યા, પરંતુ તેઓ પોતાના મનથી રામાયણ બનાવવાના નિર્ણય પ્રત્યે અડગ રહ્યા. તેમની મહેનત રંગ લાવી અને દૂરદર્શને આ પ્રોજેક્ટને લીલી ઝંડી આપી દીધી.


દૂરદર્શન તરફથી ગ્રીન સિગ્નલ મળ્યા બાદ રામાનંદ સાગર સામે સરકાર એક નવો પડકાર બની હતી. બે વર્ષ સુધી રામાનંદે સરકાર અને દૂરદર્શનને મનાવવાના પ્રયાસો ચાલું રાખ્યા હતા. દૂરદર્શન તો રાજી થઇ ગયું, પછી રામાનંદ સરકારને સમજાવવા માટે લાગી ગયા. તેમના મજબૂત ઇરાદાને પાંખો મળી અને આખરે સરકાર પણ રામાયણને બનાવવા માટે માની હતી.

1986માં જ્યારે અજિત કુમાર પાંજા સૂચના અને પ્રસારણ મંત્રી બન્યા ત્યારે તેમણે રામાનંદ સાગરના પ્રોજેક્ટને લીલી ઝંડી આપી હતી અને ત્યારબાદ 1987માં તેનું પ્રસારણ શરૂ કરવામાં આવ્યું હતું. ત્યારે રામાયણએ સફળતાના તમામ રેકોર્ડ તોડી નાંખ્યા. ઘરમાં નિયત સમયે લોકો તમામ કામ છોડીને ટીવી પર રામાયણ જોવા બેસી જતા હતા. જેમની પાસે ટીવી ન હતું તેઓ બીજાના ઘરે બેસીને આ શો નિહાળતા હતા.



વર્ષ 2020 માં લોકડાઉન દરમિયાન પણ રામાયણનું પ્રસારણ કરવામાં આવ્યું હતું અને તે સમયે આ શોને સૌથી વધુ જોવાતા પૌરાણિક શોની લિસ્ટમાં પણ શામેલ કરવામાં આવ્યો હતો.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application