મહા નિષ્ફળ પાલિકાના પાપે રાજકોટ પાણી પાણી

  • July 17, 2024 03:03 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


રાજકોટ શહેરમાં ગત સાંજે બે કલાકમાં અઢી ઇંચ વરસાદ વરસતા સમગ્ર શહેરમાં રાજમાર્ગો અને મુખ્ય ચોક સહિત સર્વત્ર પાણી પાણી થઇ ગયું હતુ અને લગભગ બે કલાક સુધી પાણી ભરાયેલા રહ્યા હતા ત્યારબાદ ડ્રેનેજ લાઇનના ઢાંકણા ખોલીને તેનો નિકાલ કરવામાં આવ્યો હતો ! બીઆરટીએસ રૂટ ઉપર પાણી ભરાતાં સિટી બસ અને બીઆરટીએસ બસ સેવા ઠપ્પ ગઇ હતી. રાજકોટની મહા-નિષ્ફળ-પાલિકાની ઘોર બેદરકારીને કારણે આવું બન્યું હતું.
ફક્ત અઢી ઇંચ વરસાદમાં જો શહેરની આવી હાલત થઇ જતી હોય તો 20 ઇંચ વરસાદ વરસે શું હાલત થાય ? તેની કલ્પ્ના કરવી પણ મુશ્કેલ છે. વરસાદી પાણીના નિકાલની કોઇ વ્યવસ્થા જ નથી એવા કહેવાતા સ્માર્ટ સિટી રાજકોટમાં દર વર્ષે વોંકળાઓ બુરાતાં જાય છે જેના લીધે રાજમાર્ગો ઉપર નદીઓ વહે છે. મવડી, નાના મવા અને રૈયાના વોંકળા બુરીને બનાવેલા બીઆરટીએસ રૂટ ઉપર તો બોટ ચલાવી શકાય તેટલું પાણી ભરાયું હતું.
વિશેષમાં મ્યુનિ.સુત્રોમાંથી પ્રાપ્ત વિગતો મુજબ ગત સાંજે પશ્ચિમ ઝોનમાં સૌથી વધુ 66 મીમી (અઢી ઇંચ) વરસાદ વરસ્યો હતો અને આ સાથે પશ્ચિમ ઝોનનો મોસમનો કુલ વરસાદ 271 મીમી (11 ઇંચ) થયો છે. જ્યારે મધ્ય ઝોનમાં 52 મીમી (બે ઇંચ) વરસાદ વરસ્યો હતો અને મોસમનો કુલ વરસાદ 276 મીમી (11 ઇંચ) થયો છે. પૂર્વ ઝોનમાં 36 મીમી (દોઢ ઇંચ) વરસાદ વરસ્યો હતો અને આ સાથે મોસમનો કુલ વરસાદ 218 મીમી (9.5 ઇંચ) થયો છે.


આજી, ન્યારી અને ભાદર ડેમમાં રાજકોટને 40 દિવસ ચાલે તેટલું પાણી ઠલવાઇ ગયું
રાજકોટ શહેરને પીવાનું પાણી પુરૂ પાડતા મુખ્ય ત્રણેય જળસ્ત્રોત જેમાં આજી-1માં એક ફૂટ, ન્યારી-1માં એક ફૂટ અને ભાદર-1માં અઢી ફૂટ વરસાદી પાણીની આવક થઈ છે, આ સાથે મેઘરાજાએ રાજકોટને 40 દિવસ ચાલે તેટલું પાણી ફક્ત એક દિવસમાં ઠાલવી દીધું છે અને આ લખાય છે ત્યારે આજે બપોરે પણ ધીમી ગતિએ નવા નીરની આવક સતત ચાલુ હોવાનું જાણવા મળે છે.


મહાપાલિકામાં અઢી, કલેકટર તંત્ર મુજબ બે, હવામાન ખાતા મુજબ સવા બે ઇંચ વરસાદ !

વરસાદી પાણીના નિકાલમાં નિષ્ફળ તંત્રવાહકો વરસાદ માપવામાં પણ નિષ્ફળ રહ્યા છે ! મહાનગરપાલિકાના ફાયર બ્રિગેડ ક્ધટ્રોલરૂમ મુજબ શહેરમાં અઢી ઇંચ વરસાદ વરસ્યો છે તો હવામાન વિભાગ મુજબ શહેરમાં સવા બે ઇંચ પાણી વરસ્યું છે અને કલેકટર તંત્ર એ જાહેર કરેલી વિગતો મુજબ બાવન મીમી મતલબ કે બે ઇંચ પાણી વરસ્યું છે. કેટલો વરસાદ વરસ્યો તેની સાચી વિગત જાણવા હવે તો મેઘરાજાને જ પૂછવું પડે તેવી સ્થિતિ છે.


શહેરમાં 20 સ્થળોએ વરસાદ માપવાની વ્યવસ્થા પણ મપાય છે ત્રણ સ્થળોએ
રાજકોટમાં કરોડોના ખર્ચે આઇ વે પ્રોજેક્ટ હેઠળ મુકાયેલા 1000 સીસી ટીવી કેમેરા નેટવર્કમાં રાજમાર્ગો ઉપરના 20 મુખ્ય ચોકમાં હાઇ ફ્રિકવન્સી કેમેરા મુકાયા છે જેમાં વેધર ઇન્ફોર્મેશનનું કલેક્શન થાય છે અને ઇનસેટ આધારિત વેધર એલર્ટ મળતું રહે તેવા સોફ્ટવેર પણ ઇન્સ્ટોલ કરાયેલા છે પરંતુ તંત્રવાહકો તેનો સદઉપયોગ કરવામાં નિષ્ફળ રહ્યા છે. આ કેમેરામાંથી વરસાદની માહિતી મેળવવામાં આવે તો એરિયાવાઇઝ વરસાદની વિગતો મળી શકે છે. જો કે હાલ ત્રણેય ઝોનના ફાયર સ્ટેશનમાં વરસાદ મપાય છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application