39.5 ડિગ્રી સાથે સમગ્ર દેશમાં રાજકોટ હોટ સિટી

  • October 31, 2024 11:38 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

દિવાળીના તહેવારો દરમિયાન વરસાદના કારણે છત્રી લઈને અથવા તો રેઈનકોટ પહેરીને બહાર નીકળવાના પ્રસંગો અનેક વખત બન્યા છે. અમુક વર્ષોમાં દિવાળી આસપાસ ઠંડીનો ચમકારો શરૂ થઈ જતો હોવાથી નૂતન વર્ષિભિનંદન કરવા માટે સ્વેટર મફલર પહેરીને પણ ઘણી વખત નીકળવું પડ્યું છે. પરંતુ આ વખતે ગરમીનું પ્રમાણ ઘણું વધારે છે અને ઉનાળા જેવી ગરમીનો અહેસાસ લોકો કરી રહ્યા છે.
દક્ષિણના રાજ્યોને બાદ કરતા દેશના મોટાભાગના રાજ્યોમાં ગરમીનું જોર વધી ગયું છે. હવામાન ખાતાના જણાવ્યા મુજબ નોર્થ ઈસ્ટના રાજ્યોમાં સામાન્ય કરતાં ત્રણથી સાત ડિગ્રી વધુ તાપમાન છે. જ્યારે મધ્ય ભારતમાં એવરેજ કરતા ત્રણ થી પાંચ ડિગ્રી વધુ તાપમાન છે. રાજકોટમાં બુધવારે મહત્તમ તાપમાન 39.5 ડિગ્રી નોંધાયું હતું જે સમગ્ર દેશમાં સૌથી વધુ છે. સૌથી ઊંચા તાપમાનના મામલે દેશમાં બીજા નંબરે રાજસ્થાનનું પોખરણ આવે છે અને ત્યાં 39.2 ડિગ્રી મહત્તમ તાપમાન નોંધાયું હતું.
રાજકોટમાં આજે સવારે 24.4 ડિગ્રી લઘુતમ તાપમાન સાથે દિવસનો પ્રારંભ થયો છે અને આજે પણ ગરમીમાં ખાસ કોઈ રાહત મળે તેવી શક્યતા નથી. ઉલટાનું હવામાન ખાતાના જણાવ્યા મુજબ એકાદ સપ્તાહ સુધી ગરમીનું પ્રમાણ વધુ રહેશે.
હવામાન ખાતાના જણાવ્યા મુજબ રાજકોટમાં સરેરાશ કરતા ચાર ડિગ્રી વધુ તાપમાન બુધવારે નોંધાયું છે. દરિયાકાંઠાના વિસ્તારોમાં પણ મહત્તમ તાપમાન રૂટીન કરતાં વધુ રહ્યું છે. અમરેલીમાં ત્રણ, ભુજમાં બે ડિગ્રી વધુ રહેવા પામ્યું છે.
અન્ય શહેરોના મહત્તમ તાપમાન ની વાત કરીએ તો અમરેલીમાં 37.5 અમદાવાદમાં 37.6 ભુજમાં 37.6 ડીસામાં 38.7 અને ગાંધીનગરમાં 37.2 ડિગ્રી મહત્તમ તાપમાન નોંધાયું હતું.
સવારે ભેજના પ્રમાણમાં ઘટાડો નોંધાયો છે પરંતુ પવનની ગતિ અતિ મંદ હોવાના કારણે ગરમીની સાથે બફારો પણ શરૂ થઈ ગયો છે.
આંધ્ર પ્રદેશ તરફના અરબી સમુદ્રના હિસ્સામાં સાયકલોનિક સર્ક્યુલેશન જોવા મળે છે અને તેના કારણે તામિલનાડુ કેરલા કણર્ટિક સહિતના દક્ષિણના રાજ્યોમાં આગામી તારીખ 2 નવેમ્બર સુધી ભારેથી અતિ ભારે વરસાદની ચેતવણી આપવામાં આવી છે. જોકે દેશના અન્ય રાજ્યોમાં વરસાદ બંધ થઈ ગયો છે અને ગરમી વધી છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application
Recent News