રાજકોટઃ ઘેલા સોમનાથમાં પવિત્ર શ્રાવણ માસની થશે ભવ્ય ઉજવણી, રુદ્ર પૂજા, મહાપૂજાનો લઈ શકાશે લાભ

  • July 15, 2023 07:51 PM 

વિંછીયા તાલુકાના સોમ પીપળીયા ખાતે આવેલા ઘેલા સોમનાથ મહાદેવ મંદિરના સાનિધ્યમાં, પવિત્ર વતાવરણમાં આજે પાણી પુરવઠા મંત્રીશ્રી કુંવરજીભાઈ બાવળિયાના અધ્યક્ષસ્થાને મંદિરના વિકાસ કાર્યો અંગે બેઠક યોજાઈ હતી. જેમાં મંદિર ખાતે આગામી પવિત્ર શ્રાવણ માસની ભવ્ય ઉજવણી કરવા અંગે આયોજન કરવામાં આવ્યું હતું. 


    
આ બેઠકમાં મંત્રીશ્રી કુંવરજીભાઈએ ઉપસ્થિત પદાધિકારીઓ, અધિકારીઓને સંબોધતા કહ્યું હતું કે, જ્યાં દેશવિદેશના અનેક શ્રદ્ધાળુઓ મોટી સંખ્યામાં દર્શને આવે છે એવા ઘેલા સોમનાથ મંદિરને પવિત્ર યાત્રાધામ તરીકે વિકસાવવાનું સતત ચાલી રહ્યું છે. હાલમાં જ મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્ર પટેલે મંદિરના વિકાસ માટે રૂ. ૧૦ કરોડ ફાળવ્યા છે, જેનો મંદિરના વિકાસમાં વિનિયોગ કરવામાં આવશે. મંદિરમાં દર્શને આવતા શ્રદ્ધાળુઓને રહેવાની સગવડ મળી રહે તે માટે અતિથિગૃહ બનાવાશે. મંદિર પાસે દુકાનો વ્યવસ્થિત બનાવવા, પોલીસ ચોકી શરૂ કરવા, કાયમી પાર્કિંગ બનાવવા, નદી પાસે સ્નાનઘાટ બનાવવા, સંત્સંગ હોલનો વિકાસ કરવા, મંદિરના નવીનીકરણનું કાર્ય, તેમજ મીનળ દેવી મંદિરના પગથીયા પહોળા કરવા, ઉપર ગાર્ડન બનાવવા સહિતના અનેકવિધ કામો આયોજનમાં હોવાનું તેમણે જણાવ્યું હતું. 

    
મંત્રીશ્રી બાવળિયાએ કહ્યું હતું કે, આગામી ૧૭મી ઓગષ્ટથી પવિત્ર શ્રાવણ માસ શરૂ થઈ રહ્યો છે ત્યારે, અનેક શ્રદ્ધાળુઓ દર્શને આવવાના છે. અહીં બધા માટે બંને સમય નિશુલ્ક ભોજન-પ્રસાદની વ્યવસ્થા કરવામાં આવશે. ઉપરાંત શ્રાવણ માસ દરમિયાન વિવિધ ધાર્મિક કાર્યક્રમોનું પણ આયોજન કરવામાં આવ્યું છે. આ દરમિયાન વિવિધ વ્યવસ્થાઓ સંભાળવા માટે આસપાસના ગામોમાંથી રોજ વિવિધ સ્વયંસેવકો સેવા માટે આવવાના છે ત્યારે, બધાને વિભાગવાર જવાબદારી સોંપાય અને સુચારુ આયોજન થાય તે જોવા ખાસ જણાવ્યું હતું. 


    
પવિત્ર શ્રાવણ માસ દરમિયાન વિવિધ ધાર્મિક આયોજન અંગે જસદણ પ્રાંત અધિકારીશ્રી રાજેશ આલે જણાવ્યું હતું કે, શ્રાવણ માસના પ્રથમ દિવસથી જ મેળો યોજાશે, જેનું ૧૭મી ઓગષ્ટે ઉદઘાટન કરાશે. ઉપરાંત ભાવિકભક્તો ગર્ભગૃહમાં મહાદેવની રુદ્ર પૂજા, અન્ય મહાપુજા કરી શકે, ભક્તોને ધજા ચડાવવા સહિતનો લાભ મળે તેનું પણ આયોજન કરવામાં આવ્યું છે. જોકે તેના માટે નોંધણી કરાવવાની રહેશે. શ્રાવણ માસમાં સવારે ૬ વાગ્યાથી જ મહાદેવના દર્શન ખુલી જશે. બધા શ્રદ્ધાળુઓ વ્યવસ્થિત દર્શન કરી શકે તેવી વ્યવસ્થા ગોઠવવામાં આવશે. ઉપરાંત રાત્રે ભજન, કીર્તન, સંતવાણી, સાંસ્કૃતિક કાર્યક્રમો પણ યોજવામાં આવશે. જ્યારે સાતમ, આઠમના મુખ્ય તહેવારો દરમિયાન નામી કલાકારોનો લોકડાયરો પણ યોજવામાં આવશે.તેમણે કહ્યું હતું કે, ૨૭મી ઓગષ્ટથી ૧૦ દિવસ સુધી શિવકથાનું પણ આયોજન કરવામાં આવ્યું છે. શ્રાવણના દર સોમવારે મહાદેવની શોભાયાત્રા નીકળશે.દર્શને આવતા શ્રદ્ધાળુઓને તકલીફ ના પડે તે માટે અલગ પાર્કિંગ, વન-વે સહિતની વ્યવસ્થાઓ પણ ગોઠવવામાં આવશે. આ માટે આસપાસના ૩૦ ગામોના સરપંચો, યુવાનો, સ્વયંસેવકોનો સહયોગ લેવામાં આવશે.આ બેઠકમાં વિંછીયા તાલુકા મામલતદારશ્રી અંકિત પટેલ, જસદણ તાલુકા મામલતદારશ્રી સંજયસિંહ અસવાર, બંને તાલુકા પંચાયતના સભ્યો, પદાધિકારીઓ, આસપાસના ગામોના આગેવાનો વગેરે ઉપસ્થિત રહ્યા હતા.





લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application