ફલ્લા પંથકમાં વાવાઝોડાના ભય સાથે વરસાદી ઝાપટા

  • June 14, 2023 11:22 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

જામનગર તાલુકાનાં ફલ્લા તથા નજીકનાં ગામોમાં બિપરજોય વાવાઝોડાની ભારે અસર છેલ્લા ત્રણ દિવસથી જોઇ શકાય છે, પવનના જોરદાર સુસવાટા સાથે ગઇકાલે દિવસભર તથા રાત્રીના અને સાંજે સવારે પણ વરસાદના જોરદાર ઝાપટા વરસી રહ્યા છે. દરેક ગામોમાં ઝાડવાનો સોથ વળી ગયો છે, ગામડાઓમાં કર્ફયુ જેવું વાતાવરણ જોવા મળી રહ્યું છે, શાળાઓમાં ચાર દિવસ થયા રજા જાહેર થઇ છે, જનજીવન અસ્તવ્યસ્ત થઇ ગયું છે, ખેડુતોમાં ઉચાટ છે, તો આમ જનતામાં વાવાઝોડાનો ભય સતાવી રહ્યો છે.
**
સંભવિત વાવાઝોડા પૂર્વે દ્વારકા જિલ્લામાં વંટોળિયા પવન સાથે ચાર ઈંચ સુધી વરસાદ
હવામાન વિભાગની આગાહી મુજબ હાલ ત્રણ દિવસ દરમિયાન દેવભૂમિ દ્વારકા જિલ્લામાં વાતાવરણમાં નોંધપાત્ર પલટા સાથે પવનનું જોર વધવા તથા ભારે વરસાદ વરસવાની સંભાવના છે. જેના પગલે છેલ્લા બે દિવસથી જિલ્લાના વાતાવરણમાં ભારે ફેરફાર આવ્યો છે. ખંભાળિયા સહિત જિલ્લાના તમામ વિસ્તારોમાં પવનનું જોર વધ્યું છે અને મીની વાવાઝોડા જેવા ફુકાતા પવન વચ્ચે મુશળધાર વરસાદ પણ વરસ્યો હતો.
ખંભાળિયા પંથકમાં છેલ્લા ૨૪ કલાક દરમિયાન હળવા તથા ભારે ઝાપટા રૂપે ત્રણ ઈંચ (૭૩ મીલીમીટર) વરસાદ વરસી ચુક્યો છે. હાલ ભારે પવન સાથે વરસાદની સીધી અસર જનજીવન પર જોવા મળી રહી છે. ગઈકાલે રાત્રે અવારનવાર વીજ પુરવઠો ખોવાઈ જતા લોકો ભારે હાલાકીમાં મુકાઈ ગયા હતા. જોકે આજે સવારથી પવનની ગતિ થોડી ધીમી પડી છે અને સૂર્યનારાયણના દર્શન સાથે વાતાવરણ ચોખ્ખું રહ્યું હતું.
આ સાથે છેલ્લા ૨૪ કલાક દરમિયાન ભાણવડ તાલુકામાં ચાર ઈંચ (૯૭ મીલીમીટર), દ્વારકા તાલુકામાં ત્રણ ઈંચ (૭૮ મિલિમિટર) અને કલ્યાણપુર તાલુકામાં પણ ત્રણ ઈંચ (૭૨ મિલીમીટર) વરસાદ વરસ્યાનું નોંધાયું છે.
પવન સાથે વરસાદના પગલે જુદા-જુદા અનેક વિસ્તારોમાં તોતિંગ વૃક્ષો ધરાશાયી થયાના બનાવો બનવા પામ્યા છે. આ ઉપરાંત ખંભાળિયા તાલુકાના લાલપરડા તથા ભંડારીયા ગામે વીજપોલ પડી જતા આ વિસ્તારોમાં અંધાર પર છવાઈ ગયો હતો. જેને દુરસ્ત કરવા તંત્ર દ્વારા જહેમત ઉઠાવવામાં આવી હતી.ખંભાળિયા - દ્વારકા માર્ગ પર તેમજ સલાયામાં વિશાળ વૃક્ષો જમીનદોસ્ત થતા પોલીસ તંત્ર દ્વારા જેસીબી જેવા સાધનોની મદદથી રસ્તો ખુલ્લો કરાવવામાં આવ્યો હતો.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application