અપહરણ કરવા આવેલા સુરતના પાંચ કુખ્યાત  શખ્સોને પોલીસે ઝડપી લીધા 

  • January 01, 2024 03:27 PM 

ભાવનગર જિલ્લાના વલ્લભીપુર તાલુકાના કલ્યાણપરના રહીશનું પૈસા પડાવવાની મુરાદ સાથે વલ્લભીપુર આવી રહેલા ઉમરાળા પંથકના ૩ મળી તમામ પાસેથી પોલીસે કાર અને મોબાઈલ કુલ રૂપિયા ૩,૩૫૦૦૦નો મુદ્દામાલ કબ્જે કર્યો.


વલ્લભીપુરના કલ્યાણપર ગામના રહીશનું પૈસા પડાવવાના ઇરાદે અપહરણ કરવા સુરતથી આવેલા ૫શખ્સોને વલ્લભીપુર પોલીસે ઝડપી લઈ કાર તેમજ મોબાઈલ મળી કુલ રૂપિયા ૩,૩૫૦૦૦નો મુદ્દામાલ કબ્જે કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી.


વલ્લભીપુર તાલુકાના કલ્યાણપર ગામેથી પોલીસ અધિકારી પી.ડી.ઝાલાને માહિતી મળી હતી કે કે ગત તા.૨૮મી ના રોજ બપોરે આશરે ૩ વાગ્યે સુરતથી આયોજન બધ્ધ રીતે એક સ્વીફટ કારમાં કેટલાક શખ્સો કલ્યાણપર ગામે આવી ગામના રહીશ સંજયકુમાર સુરેશભાઇ ભલાણી પાસેથી નાણાંની મોટી રકમ પડાવવાના ઇરાદે અપહરણ કરવા આવી પોતે પોલીસ હોવાની ખોટી ઓળખ આપી અપહરણ કરવાની કોશીષ કરી નાસી છૂટ્યા છે. અને ભોગબનનાર ગભરાઇ જવાથી પોલીસને જાણ કરી ન હતી.એટલું જ નહીં આ શખ્સો વલ્લભીપુર,બરવાળા તેમજ ગઢડાની આજુબાજુમાં રહી ભોગ બનનારની રેકી કરી રહ્યા છે. આથી પોલીસ અધિકારી પી.ડી.ઝાલા અને પો.સ્ટાફ પેટ્રોલીંગમાં હતા તે દરમ્યાન હેડ કોન્સ. જગદીશભાઇ સાંગા તથા હેડ કોન્સ.દિગ્વિજયસિંહ ગોહીલ અને પો.કોન્સ.કલ્પેશભાઇ છેલાણા ને બાતમી હકિકત મળેલ કે સુરતથી અહીં અપહરણ કરવા માટે આવેલા શખ્સો સફેદ કલરની મારૂતિ સ્વીફટ કાર નંબર જી.જે.૦૫ સી.ઇ.૫૫૨૭ માં કાનપર બાજુથી વલ્લભીપુર તરફ આવી રહ્યા છે. એથી વલ્લભીપુર પોલીસ દ્વારા હાઇ-વે પર કલ્યાણપર ચોકડી ખાતે વોચ ગોઠવી કાર નીકળતા તેને અટકાવી તેમાંથી નીતીન કરમશી કાકલોતર (ઉ.વ.૨૯ ધંધો હીરા રહે.હાલ વ્રજભુમી રો-હાઉસ બંગલા નંબર-૬, ગોવિંદજી હોલની પાછળ ડભોલી, કતારગામ સુરત, મુળ ડુંગર, તા.રાજુલા જી.અમરેલી), અજય ઉર્ફે ભુદેવ અશ્વીન ભટ્ટ (ઉ.વ.૩૦ ધંધો હિરા રહે.હાલ સુમનસાગર આવાસ વિંગ, એસ રૂમ નંબર ૮૦૨ ગ્રીન સિંગનેચર પાછળ, વેસુ સુરત, મુળ બોટાદ અંબાજી ચોક, હીરા બજારની પાછળ, તા.જી.બોટાદ), રવિરાજ ઉર્ફે ભોલો પરવાળા ચંદુ ઉંમટ (ઉ.વ.૨૧ ધંધો ડ્રાઇવીંગ રહે.હાલ તેજેન્દ્રપાર્ક સોસાયટી મકા નં ૨૨, ખોડીયારનગર, નાના વરાછા, સુરત, મુળ પરવાળા,


તા. ઉમરાળા જી.ભાવનગર), દિપુલ ઉર્ફે સિંઘમ ધીરુ માણીયા (પટેલ) (ઉ.વ.૩૨ ધંધો હિરા રહે.હાલ રોયલ રેસીડન્સી ફલેટ નં.સી.૧૦૨ વરીયાવ, ન્યુ કતારગામ સુરત મુળ જાળીયા તા.ઉમરાળા જી.ભાવનગર) અને યોગેશ રાણા ડાંગર (ઉ.વ.૨૭ ધંધો હીરા રહે. શકિત સોસાયટી મકાન નં ૨૮ પુર્ણા ગામ, વરાછા, સુરત મુળ લીમડા(હનુભાના) તા.ઉમરાળા જી.ભાવનગર)ને ઝડપી લઈ તમામ પાસેથી ઓપો કંપનીનો A-1મોર્ડલ મોબાઇલ કિમંત રૂ.૨૫૦૦, સેમસંગ કંપનીનો 5-10 મોર્ડલ મોબાઇલ કિમંત રૂ।.૨૫૦૦, એમ આઇ કંપનીનો રેડમી ૧૦ પ્રાઇમ મોબાઇલ કિમંત રૂ।.૨૫૦૦, સેમસંગ કંપનીનો મોબાઇલ ફોન કિમંત રૂા.૨૫૦૦,

આઇફોન કંપનીનો ૧૩ પ્રો મેકસ મોડલ ફોન કી.રૂ.૨૫૦૦૦ તેમજ મારૂતિ સ્વીફટ કાર નંબર જી. જે.૦૫ સીઈ ૫૫૨૭ કિમંત રૂા. ૩,૦૦,૦૦૦ મળી કુલ

 રૂા.૩,૩૫,૦૦૦નો મુદ્દામાલ કબ્જે કરી પૂછતાછ હાથ ધરતા તમામે આપેલી કબૂલાત મુજબ મોડસ ઓપરેન્ડીમાં ભોગ બનનાર અને આરોપી નિતિન મીત્ર હોય જેથી ભોગ બનનાર પાસે મોટી રકમના નાણા હોવાની આરોપી નિતિન હકીકત જાણતો હોય નિતીને ભોગ બનનાર પાસેથી બળજબરીથી પૈસા કઢાવવા સુરતના ખુન,ખુનનની કોશીશ,ધાડ,અને,ગે.કા.હથીયારના ગુન્હામા અગાઉ ઝડપાયેલા દિપુલ ઉર્ફે સિંધમનો સંપર્ક કરી વાત કરતા ઉપરોકત પાંચેયે સુરત આંબા તલાવડી કતારગામ ખાતે મીટીંગ કરી ભોગ બનનારનુ અપહરણ કરી મારમારી પંદરથી વિસ લાખ જેટલા નાણા બળજબરીથી કઢાવાની યોજના બનાવી હતી.


 બાદમાં પાંચ પૈકી અજય ભટ્ટ સુરતથી સેલ્ફ ડ્રાઇવીંગમા ભાડેથી ગાડી લઇ ગાડીમા ભોગ બનનારના ઘરે તા.૨૮મીની સવારે આવેલા બાદ આરોપી દિપુલ,અજય, રવિરાજ ગાડી લઇ ફરીથી ભોગ બનનારના ઘરે આવી પોતે સુરત પોલીસ વિજીલન્સમાંથી આવતા હોવાની ખોટી ઓળખ આપી અપહરણની કોશીશ કરી હતી. પરંતુ યોજના ના કામિયાબ રહેતા ત્યાંથી નાસી ગયા બાદ પાંચેય વલ્લભીપુર બરવાળા,ગઢડા અને બોટાદ વિગેરે સ્થળોએ રહીને ભોગ બનનારનુ અપહરણ કરવા માટે રેકી કરેલી. આરોપીઓએ ભોગ બનાનારનુ અપહરણ કરી તેને માર મારી તેની પાસેથી મોટી રકમ મેળવવાના હેતુથી યોજના બનાવેલ હતી. 





લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application