આખરે પોલીસે હાજર વરરાજા-કન્યાના લગ્ન કરવાનું બીડું ઝડપ્યું, રાજકોટમાં 28 જાન માંડવે પહોંચી ને સમૂહલગ્નના આયોજકો રફુચક્કર થયા

  • February 22, 2025 12:39 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

રાજકોટની  માધાપર ચોકડીથી બેડી ચોકડી વચ્ચે એક હોટલની સામે રેલનગરમાં મેરીગોલ્ડ એપાર્ટમેન્ટ પાસે ઋષિવંશી સમાજ દ્વારા આયોજિત આજે સર્વ જ્ઞાતિ સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં 28 યુગલના લગ્ન થવાના હતા. 28 વરરાજા જાન લઈને પણ પહોંચી ગયા હતા. પરંતુ છેલ્લી ઘડીએ આયોજકો ફરાર થઈ જતા લગ્ન અટકી પડ્યા હતા. બાદમાં જાનૈયાઓ અને કન્યા પક્ષના લોકોએ ભારે હોબાળો મચાવ્યો હતો. બાદમાં પોલીસ દોડી જઈ મામલો થાળે પાડ્યો છે. હાલ પોલીસે આ હાજર યુગલના લગ્ન કરાવવાનું બીડું ઝડપ્યું હતું અને લગ્ન કરાવ્યા હતા. પોલીસ અને ભૂદેવોની હાજરીમાં તમામે તમામ યુગલના લગ્ન કરાવવામાં આવ્યા છે. આવું કદાચ રાજકોટમાં પહેલીવાર બન્યું હશે.


આયોજક હોસ્પિટલના બિછાને હોવાના સ્ટેટ્સ મુક્યા
રાજકોટ ચંદ્રેશ છત્રોલા હોસ્પિટલમાં એડમીટ હોવાના સ્ટેટ્સ મૂક્યા છે. જેમાં લખવામાં આવ્યું છે કે, આજના સમૂહલગ્નમાં જે સંતવાણી કાર્યક્રમ હતો એ કેન્સલ રાખેલ છે. હોસ્પિટલમાં દાખલ થવાથી.


આવા લુખ્ખાઓ સામે કડક કાર્યવાહી કરો
વર પક્ષ અને કન્યા પક્ષના લોકોએ આક્રોશ ઠાલવતા જણાવ્યું હતું કે, ક્યારના હેરાન થઈ રહ્યા છે. કલેક્ટર અને સીપીને જવાબ આપવા જ પડશે. આવા લુખ્ખાઓ સામે કડક કાર્યવાહી કરવાની જરૂર છે. કોઈ પાસેથી 30 હજાર તો કોઈ પાસેથી 40 હજાર રૂપિયા પડાવવામાં આવ્યા છે.


મેયર દોડી ગયા, તેમની ગાડીને ઘેરી
ઘટનાની જાણ થતા જ રાજકોટના મેયર નયનાબેન પેઢડિયા પણ દોડી ગયા છે. જોકે, મેયર લોકોની રજૂઆત સાંભળ્યા વગર જ જતા જોવા મળ્યા હતા. આથી લોકોએ તેની કારને રોકવાનો પ્રયાસ કર્યો હતો. લોકોએ આયોજકો હાય હાય અને કાર્યકરો હાય હાયના સુત્રોચ્ચાર કર્યા હતા. જાનૈયાઓએ જણાવ્યું હતું કે, અમે અહીં વહેલી સવારના પાંચ વાગ્યાના આવી ગયા છીએ. અમને કહેવામાં આવ્યું હતું કે, તમે સવારે પાંચ વાગ્યે આવી જાવ. તમને બધાને બપોરે એક વાગ્યે છૂટા કરી દઈશું. પણ સવારે 7 વાગ્યે તેઓ ફરાર થઈ ગયા છે.


દરેક વરરાજાના 50 હજાર અને દરેક કન્યાદીઠ 50 હજાર રૂપિયા લીધા
લોકોએ વધુમાં જણાવ્યું હતું કે, આયોજકોએ દરેક વરરાજાના 50 હજાર અને દરેક કન્યાદીઠ 50 હજાર રૂપિયા લીધા છે. આયોજકોમાં ચંદ્રેશભાઈ છત્રોલા, દિલીપભાઈ ગોહેલ, દિપકભાઈ છે. દોઢેક કરોડનું કૌભાંડ કર્યું છે. 


તો 5 હજાર રૂપિયાનો દંડ લેવામાં આવશે
એક દુલ્હને જણાવ્યું હતું કે, સદ્ધર હોય એ કોઈ દિવસ સમૂહલગ્ન કરતા નથી. એટલી તો આ આયોજકોને દયા આવવી જોઈને. દીકરીઓની હાય લાગવાની છે. એ લોકોએ જે પાનેતર આપ્યું એ જ પાનેતર પહેરીને આવ્યા છીએ. તેઓ કહેતા કે અમે આપેલું પાનેતર નહીં પહેરો તો 5 હજાર રૂપિયાનો દંડ લેવામાં આવશે.  



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application