બ્રહ્મલીન સ્વામી નિર્દોષાનંદ સરસ્વતીજી મહારાજની છઠ્ઠી નિર્વાણતિથિ નિમિતે ધાર્મિક કાર્યક્રમોનું આયોજન

  • December 10, 2023 02:47 PM 

ભાવનગર નજીક આવેલા તરસમિયા ખાતે બ્રહ્મલીન સ્વામી નિર્દોષાનંદ સરસ્વતીજી મહારાજની છઠ્ઠી નિર્વાણતિથિ નિમિતે ધાર્મિક અને સેવાકીય કાર્યક્રમોનું આયોજન કરાયું છે. જેમાં ગુરુ પૂજન-અર્ચન, સમૂહ મહા આરતી, સ્વામી સદાનંદ સરસ્વતી મહારાજનું પ્રવચન, મહા પ્રસાદ, મહારક્તદાન કેમ્પ, નેત્રયજ્ઞ, દંતયજ્ઞ તથા વિનામૂલ્યે સર્વરોગ નિદાન અને સારવાર કેમ્પ યોજાશે. સૌરાષ્ટ્રની ધરતી સદાય સંતોની સાધનાથી ચેતનવતી રહી છે. મહાપુરુષોનું અવતરણ અનેકો જીવોને પ્રભુ પ્રાપ્તિનાં પંથ પર અગ્રેસર કરવા માટે થતું હોય છે. ત્યાગ- વૈરાગ્ય વિભૂષિત, સંન્યાસ ધર્મને ખરા અર્થમાં સ્વજીવનમાં આચરી બતાવનાર, માનવસેવા એ જ પ્રભુસેવા- મંત્રના ઉદ્દઘોષક સ્વામી નિર્દોષાનંદ સરસ્વતીજી મહારાજ વર્તમાન સમયનાં મહાપુરુષોમાં અગ્રગણ્ય શિવયોગી સંત હતા. સ્ત્રી અને ધનનાં સંપૂર્ણ ત્યાગી, પદયાત્રી, પરિવ્રાજક પૂજ્ય સ્વામીજીએ સૌરાષ્ટ્ર પ્રાંતમાં ગામડે-ગામડે પરિભ્રમણ કરી-કરીને જનસમાજમાં માનવતાનાં, સનાતનધર્મનાં, દિન-દુઃખીની સેવાનાં સંસ્કારોનું સિંચન કર્યું હતું.


ઉમરાળા તાલુકાનાં ટીંબી મુકામે ચાલતી 'સ્વામી નિર્દોષાનંદજી માનવસેવા હોસ્પિટલ' સ્વામીની માનવસેવાની ભાવનાનું જ મૂર્તિમંત સ્વરૂપ છે, જ્યાં 13-13 વર્ષોથી અખંડ અવિરત તદ્દન વિનામૂલ્યે દર્દીનારાયણોની તમામ પ્રકારની આરોગ્ય સેવા થઇ રહી છે. એ જ પૂજ્યપાદ સ્વામીની આવિર્ભાવભૂમિ એવા તરસમીયા ગામે આગામી તા.16.12.2023 ને શનિવારનાં રોજ પૂજ્ય સ્વામીજીની છઠ્ઠી નિર્વાણતિથિ મહોત્સવનું ભવ્ય આયોજન કરવામાં આવેલ છે.


આ મહોત્સવનાં પાવન દિને સવારે 8.30 કલાકે થી ગુરુ વંદના, ધૂન- સંકીર્તન થશે. 9.00 કલાકે ગુરુ પૂજન-અર્ચન અને સમૂહ મહા આરતી થશે. 10.00 કલાકે સ્વામી સદાનંદ સરસ્વતી મહારાજનું પ્રવચન થશે. 10.30 કલાકે સ્વામી ભોલાનંદ સરસ્વતી મહારાજ પ્રસંગોચિત પ્રવચન કરશે. બપોરે 12.00 કલાકે પધારેલ તમામ ધર્મપ્રેમીજનો સમૂહમાં ભોજન-પ્રસાદ ગ્રહણ કરશે. સર્વે ધર્મપ્રેમીજનોને આ મહોત્સવમાં પધારવા ભાવભર્યું આમંત્રણ પાઠવવામાં આવે છે.


આ પ્રસંગે સ્વામી નિર્દોષાનંદજી માનવ સેવા હોસ્પિટલ ટીંબીનાં લાભાર્થે મહારક્તદાન કેમ્પનું ભવ્ય આયોજન કરવામાં આવેલ છે. જેમાં રક્તદાન કરવા માટે પધારવા યુવા રક્તદાતા ભાઈઓ-બહેનોને સહૃદય નિમંત્રણ છે. ઉપરાંત રાષ્ટ્રીય અંધજન મંડળ - ભાવનગર જિલ્લા શાખા તથા PNR હોસ્પિટલ - ભાવનગરના સહયોગથી તદ્દન વિનામૂલ્યે નેત્ર નિદાન અને સારવાર કેમ્પ ગોઠવવામાં આવ્યો છે, જેમાં આંખની તપાસ કરી, મોતિયાના તેમજ અન્ય ઓપરેશનો કરી, ચશ્મા પણ આપવામાં આવશે.


દંતયજ્ઞ કેમ્પમાં ભારતની પ્રાચીન દતવિદ્યા જાલંધર બંધ પદ્ધતિથી કોઈ પણ જાતની પીડા વગર દાંત કાઢી આપવામાં આવશે તેમજ દાંતના અન્ય રોગોની સારવાર કરી દવાઓ પણ આપવામાં આવશે. આ ઉપરાંત તદ્દન નિઃશુલ્ક સર્વરોગ નિદાન કેમ્પમાં તાપીબાઈ સરકારી આયુર્વેદિક હોસ્પિટલ- ભાવનગર તથા સરકારી આયુર્વેદિક દવાખાનું - પસવી (તળાજા)નાં સહયોગથી આયુર્વેદ પદ્ધતિથી તમામ રોગોનું નિદાન કરી દવાઓ પણ આપવામાં આવશે, સ્વામી નિર્દોષાનંદજી સત્સંગ મંડળ - તરસમીયા ગામ સમસ્ત સર્વે ધર્મપ્રેમીજનોને આ પ્રસંગે પધારવા હ્રદયપૂર્વક નિમંત્રણ પાઠવવામાં આવ્યું હતું. અને આશ્રમ ખાતે યોજાનાર ધાર્મિક કાર્યક્રમોમાં મોટી સંખ્યામાં ભાવિકભક્તોને દર્શનનો લાભ લેવા અનુરોધ કરાયો હતો. 



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application