કાર અકસ્માતમાં માલિકને ૮ ટકા વ્યાજ સાથે રૂ.૨૧.૫૦ લાખ ચૂકવવા વીમા કંપનીને આદેશ

  • October 27, 2023 11:53 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

સુરેન્દ્રનગર જિલ્લ ાના વાંટાવચ્છ ગામના મૂળ રહેવાસી અને હાલમાં સોજીત્રા મુકામે રહેતા દેવરાજભાઇ વાઘાભાઇ રબારી (લવતુકા)એ ફોર્ડ કંપનીની એક લકઝરી કાર ખરીદી હતી, જેની વીમા-પોલીસી મહેસાણા સ્થિત ધી ન્યુ ઇન્ડિયા એશ્યોરન્સ કંપની લીમીટેડ પાસેથી લીધેલ હતી. આ લકઝરી કાર લઇને કાર માલિક દેવરાજભાઇ રબારી અને તેમના અન્ય ત્રણ મિત્રો રાજસ્થાન રાજયના પ્રવાસે ગયેલ હતા, ત્યારે કુંભલગઢ નજીક કાર-ચાલકે સ્ટેરીંયગ પર કાબૂ ગુમાવતા કારને અકસ્માત થયેલ હતો, જેમાં કારમાં સવારી કરતા સૌને નાની-મોટી ઇજાઓ થયેલ હતી, પરંતુ ફોર્ડ કંપનીની આ લકઝરી કાર ભાંગીને ભુકો થઇ ગયેલ હતી. ત્યારબાદ કાર માલિકે વીમા-કંપનીને આ અંગે સમયસર જાણ કરી હતી પરંતુ વીમા કંપનીએ કરાવેલ સર્વેમાં, આ કારમાંથી બીયરનું એક ઢાંકણું મળી આવતાં, અકસ્માત સમયે કારચાલકે આલ્કોહોલનું સેવન કરીને અકસ્માત કરેલ હોવાનું અનુમાન કરીને, આ કારની વીમા-પોલીસીના નીતિ-નિયમોનું પાલન ન કરવા માટે, રૂપિયા ૨૧ લાખથી વધુ રકમની વીમા-કલેઇમની ચુકવણી કરવાની જવાબદારીમાંથી હાથ ઉંચા કરી દિધા હતાં.


કારના માલિક દેવરાજભાઇ વાઘાભાઇ રબારી (લવતુકા)એ ગુજરાત હાઇકોર્ટ-અમદાવાદના એડવોકટ ડો.ડીબી દેસાઇનો સંપર્ક સાધી, સઘળી હકીકત જણાવતાં, એડવોકટ ડો.ડીબી દેસાઇએ મહેસાણા સ્થિત ધી ન્યુ ઇન્ડિયા એશ્યોરન્સ કંપની લીમીટેડને, રૂપિયા ૨૧ લાખથી વધુ વીમા-કલેઇમની રકમ ચુકવી આપીને, પોતાની જવાબદારી નિભાવવા માટે લીગલ નોટીસ ઠપકારેલ હતી, તેમ છ્તાં આ વીમા-કંપનીને પેટનું પાણી ન હલતા, છેવટે જિલ્લ ા ગ્રાહક તકરાર નિવારણ કમિશન-મહેસાણા મુકામે ગ્રાહક સુરક્ષા અધિનિયમ મુજબ કેસ દાખલ કરેલ હતો.
આ કેસની કાર્યવાહી દરમ્યાન એડવોકટ ડો.ડીબી દેસાઇએ ગ્રાહક અદાલત-કમિશન સમક્ષ જણાવેલ કે પોતાના અસીલ પોતે કાયદાની માહિતીથી અજ્ઞાત હોઇ અને અંગ્રેજી ભાષાનું જ્ઞાન ન હોવાથી, વીમા-કંપની તરફથી આ લકઝરી કારની વીમા-પોલીસીના તમામ નીતિ-નિયમોથી વાકેફ કર્યા વગર જ સહીઓ લીધેલ છે. વળી, વીમા-કંપની તરફથી નામદાર અદાલત સમક્ષ રજૂ થયેલ દસ્તાવેજોમાં જ પાયાનો વિરોધાભાસ જણાઇ આવે છે. તદુપરાંત, આ કામે રજૂ રાખેલ મેડીકલ પેપર્સ પણ અકસ્માત સમયે કારચાલકે આલ્કોહોલનું સેવન કરેલ હોઇ, એ બાબતનું સમર્થન કરતાં નથી. વીમા-કંપની તરફથી રજૂ થયેલ જજમેન્ટ જ વીમા-કંપનીને સહાયરૂપ થતાં નથી. 
​​​​​​​
અંતે, બન્ને પક્ષકારો પૈકી એડવોકટ ડો.ડીબી દેસાઇ મારફતે થયેલ વિદ્વતાપૂર્ણ અને ટુ ધ પોઇન્ટ રજુઆતો-સહ-દલીલો તેમજ આધાર-દસ્તાવેજોને ગ્રાહ્ય રાખતાં, નામદાર ગ્રાહક અદાલતે સામાવાળા વીમા-કંપનીને, રૂપિયા ૨૧.૫૦  લાખ જેટલી માતબર વીમા-કલેઇમની રકમ, કેસની દાખલ તારીખથી ૮ ટકા વ્યાજ સાથે તેમજ માનસિક યાતના અને પીટીશન ખર્ચ અંગે પણ અલગથી રકમ ચૂકવી આપવા વીમા કંપનીને હુકમ ફરમાવેલ છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application