રૂમ ખાલી કરવાના મામલે કુંભારવાડામાં થયેલી મહિલાની હત્યા કેસમાં એકને ૧૦ વર્ષની સજા

  • December 20, 2023 05:47 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


કુંભારવાડા વિસ્તારમાં રૂમ ખાલી કરી દેવાના મામલે થયેલી બોલાચાલી દરમ્યાન શખ્સે કરેલા + હૂમલામાં મહિલાનું મોત નિપજ્યું હતું. જે અંગેનો કેસ ડિસ્ટ્રીક્ટ એન્ડ સેશન્સ કોર્ટમાં ચાલી જતા કોર્ટે શખ્સને ૧૦ વર્ષની સજા ફટકારી હતી.



કેસ અંગેની ટૂંકી વિગત મુજબ બોટાદ શહેરનાં ગાયત્રીનગર, લાતી પાછળ, ખોડીયાર મંદીર નજીક, અળવ રોડ પર રહેતા ઝરીનાબેન ઈસુબભાઈ જુણેજા ભાવનગર શહેરના કુંભારવાડા વિસ્તારમાં આવેલા મોતીતળાવ, શેરી નં. ૩માં રહેતા પોતાના જમાઈ નૌશાદભાઈને ત્યાં આવ્યા હતા અને નૌશાદભાઈના નાનાએ આપેલા રૂમમાં તેણી રહેતી હતી. જે સોહીલ ઉર્ફે સવો અતુલભાઈ રાવમાને પસંદ ન હોય ગઈ તા. ૨૭-૨-૨૦૨૨ના રોજ સોહીલ ઉર્ફે સવો અતુલભાઈ અને અન્ય બે સગીરોએ આવીને ઝરીનાબેન અને નૌશાદભાઈને કહેલ કે આ રૂમ મારા દાદાનો છે માટે રૂમ ખાલી કરી આપજો, દરમિયાનમાં નૌશાદભાઈએ પોતાના નાનાએ રૂમ આપ્યો હોય ખાલી કરવાની ના કહેતા સોહીલ ઉર્ફે સવો સહીત ત્રણેય શખ્સોએ રૂમમાં રહેલ સામાન બહાર ફેંકી દઈ બોલાચાલી કરી હતી. જે દરમ્યાન સોહીલ ઉર્ફે સવો રાવમાએ ઉશ્કેરાઈ જઈ પોતાની પાસે રહેલી છરી વડે નૌશાદભાઈ પર હૂમલો કરતા ઝરીનાબેન વચ્ચે પડ્યા હતા. જેમાં સોહીલે ઝરીનાબેનને પણ છરી વડે ગંભીર ઈજા પહોંચાડી હતી. ગંભીર ઈજા પામેલા ઝરીનાબેનને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડાયા હતા. અને હોસ્પિટલના બીછાનેથી તેણીએ ડી ડીવીઝન પોલીસ મથકમાં સોહીલ ઉર્ફે સવો અતુલભાઈ રાવમા અને અન્ય બે શખ્સ સામે ફરીયાદ નોંધાવી હતી. સારવારમાં રહેલા ઝરીનાબેનનું તા. ૧-૩-૨૦૨૨ના રોજ મોત નિપજ્યુ હતું. જે અંગેનો કેસ અત્રેની ડીસ્ટ્રીકટ એન્ડ સેશન્સ કોર્ટમાં ચાલી જતા સરકારી વકીલ મનોજ જોષીની અસરકારક દલીલો ગ્રાહ્ય રાખવા ઉપરાંત લેખીત અને મૌખીક પૂરાવાઓ અને સાક્ષીઓની જૂબાની ધ્યાને લઈ ન્યાયમૂર્તિ એલ.એસ.પીરજાદાએ સોહીલ ઉર્ફે સવો અતુલભાઈ રાવમાને આઈપીસીની કલમ ૩૦૪ (૧) હેઠળ કસુરવાન ઠરાવી ૧૦ વર્ષની સજા ફટકારી હતી, અને રૂા. ૨૦,૦૦૦નો દંડ ભરવા હૂકમ કર્યો હતો.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application