જામનગર નજીક સુવરડા ગામે જામનગર એરફોર્સનું જગુઆર ફાઈટર પ્લેન ક્રેશ થતા એક પાઇલોટનું મોત, જ્યારે એક પાયલોટનો બચાવ.

  • April 03, 2025 10:28 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

વાયુસેનાના પાયલોટે પોતાના જીવને જોખમમાં મૂકી સુવરડા ગામ અને જામનગર શહેર પરથી મોટી દુર્ઘટના થતા અટકાવી...


જામનગર શહેર નજીક સુવરડા ગામમાં બુધવારે રાત્રિના દસેક વાગ્યાના સમયમાં જામનગર વાયુસેનાનું તાલિમી જગુઆર ફાઈટર પ્લેન ક્રેશ થયું હતું, અને પ્લેન આગના ગોળામાં ફેરવાયું હતું. જે સળગતું પ્લેન સુવરડા ગામની સીમ વિસ્તારમાં પડયું હતું, જે સળગતા પ્લેનમાંથી બે પાયલોટ કૂદી ગયા હતા. પરંતુ એક પાયલોટનું સ્થળ પર જ મોત થયું છે, જ્યારે બીજા ઇજાગ્રસ્ત પાયાલોટને તાત્કાલિક સારવાર માટે જીજી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.



જામનગર એરફોર્સનું ગજુઆર ફાઇટર પ્લેન ક્રેશ થવાની ઘટના નજરે નિહાળનાર જામનગર શહેરના નગરસેવક અલ્તાફભાઈ ખફી અને ગ્રામજનો તાત્કાલિક ઘટના સ્થળે દોડી ગયા હતા. સૌપ્રથમ ઇજાગ્રસ્ત હાલતમાં રહેલા પાયલોટને પ્રાથમિક સારવાર આપવા માટેની વ્યવસ્થા ગ્રામજનો અને નગરસેવક અલ્તાફભાઇ ખફી દ્વારા કરવામાં આવી હતી.



જામનગર શહેરથી માત્ર 10 કિલોમીટરના અંતરે આવેલ સુવરડા ગામમાં વાડી વિસ્તારમાં સૂકા ઘાસના જથ્થામાં સળગતા પ્લેનનો કાટમાળ પડવાના કારણે આગ લાગી હતી, જેના કારણે ભારે અફડા તફાડીનો માહોલ સર્જાયો હતો, અને એરફોર્સના અધિકારીઓ તેમજ જામનગર જિલ્લાના પોલીસ અને વહીવટી શાસનના તમામ ઉચ્ચ અધિકારીઓ વગેરે દોડતા થયા હતા.



જામનગર ના જિલ્લા કલેકટર કેતન ઠક્કર, એસપી પ્રેમસુખ ડેલુ સહિતના અધિકારીઓએ પણ સમગ્ર મામલે ચિંતા વ્યક્ત કરી દોડધામ શરૂ કરી દીધી હતી. તેઓ તુરતજ બનાવના સ્થળે પહોંચી ગયા હતા, અને સમગ્ર રેસ્ક્યુ કામગીરી ગુજરાત ધોરણે શરૂ કરવામાં આવી હતી. જોકે જિલ્લા કલેકટર દ્વારા મીડિયાને આપેલ પ્રાથમિક વિગતોમાં એક પાયલોટનો આબાદ બચાવ થયો હોય અને બીજા પાયલોટની શોધખોણ હાથ ધરવામાં આવી હોવાનું જણાવ્યું હતું.



જયારે ફાઇટર પ્લેન ક્રેશ બાદ આગ લાગવાની ઘટના બનતાં જામનગર મહાનગપાલિકા ફાયર બ્રિગેડની ટુકડીને દોડતી કરાવવામાં આવી હતી, અને જામનગર મહાનગરપાલિકા ની ફાયર શાખાની ટીમ ઘટના સ્થળે તુરત જ પહોંચી ગઈ હતી. અને આગ બુજાવવાની કામગીરી હાથ ધરી હતી. આ ઘટના બાદ સુવરડા ગામ અને આસપાસના ગ્રામજનો મોટી સંખ્યામાં એકત્ર થઈ ગયા હતા, અને ભારે દેકારો બોલી ગયો હતો.



પોલીસ વિભાગની ટીમ તથા એરફોર્સ વગેરેની ટીમે દોડી જઇ સમગ્ર વિસ્તારને કોર્ડન કરી લીધો હતો. પ્લેન ક્રેશ થવાનું ચોક્કસ કારણ જાણી શકાયું નથી, જે મામલે એરફોર્સના ઉચ્ચ અધિકારીઓની ટીમ દ્વારા સ્થળ પર સમગ્ર મામલાની તપાસ ચલાવવામાં આવી રહી છે.



પ્રાથમિક જાણવા મળતી વિગતો મુજબ બે પાઇલટ ટ્રેનિંગ અર્થે જેગુઆર ફાઈટર પ્લેન લઈને નિકળ્યાં હતા ત્યારે અચાનક કોઈ કારણસર પ્લેન ક્રેશ થયું હતું. જેના પગલે સમગ્ર વિસ્તાર આગની લપેટમાં જોવા મળ્યો હતો. તો બીજી તરફ ફાઈટર પ્લેનના ટૂકડે ટૂકડા વિખેરેલા જોવા મળ્યાં હતા.



જામનગર એરફોર્સ સ્ટેશનના ઉચ્ચ અધિકારીઓ સહિતની ટીમ પણ રાત્રિના ઘટના ની સાથે જ ઘટના સ્થળે પહોંચી હતી અને પ્લેનના વિખરાયેલા કાટમાળને એકઠો કરવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી.



જ્યારે એક પાયલોટને તો સારવારમાં ખસેડાયો હતો, પરંતુ બીજો પાયલોટ કે જેની શોધખોળ હાથ ધરવામાં આવી હતી. જોકે ગ્રામજનો અને સમગ્ર ઘટનાને નજરે નિહારનારા લોકોનું કહેવુ છે કે બીજા પાયલોટનું આગની જ્વાળામાં મોત થયું છે પરંતુ એરફોર્સના અધિકારીઓ કે જામનગર વહીવટી તંત્ર દ્વારા આ મામલે કોઈ કેઝયુલિટીની જાહેરાત કરવામાં આવી નથી.



જોકે સૌથી મહત્વની બાબત એ છે કે ફાઈટર પ્લેનના પાયલોટની સજાગતા અને સૂઝબુઝથી સુવરડા ગામ અને જામનગર શહેર પરથી મોટી આફત ટળી હતી. જો આ ફાઈટર પ્લેન સુવરડા ગામ કે જામનગર શહેર ઉપર ક્રેશ થાત તો મોટી જાનહાની સર્જાઈ હોત, પરંતુ પાયલોટની કાબિલે દાદ સૂઝબુજ અને પોતાના જીવને જોખમમાં મૂકીને પણ તેના દ્વારા આ ફાઈટર પ્લેનને રણજીતસાગર ડેમ સુધી લઈ જવાના પ્રયત્ન કરવામાં આવી રહ્યા હતા, પરંતુ ત્યાં સુધી ન પહોંચી શકાતા આખરે સુવરડા વાડી વિસ્તારમાં પ્લેન ક્રેશ થયું હતું.

​​​​​​​



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application