બેડી ગેઇટ નજીક મળી આવેલા નવજાત બાળકીના પ્રકરણમાં હત્યા થયાનો ધડાકો

  • July 24, 2023 10:44 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

બાળકીને માર મારી ઢીમ ઢાળી દીધાનું ખુલ્યું : પોલીસે અજ્ઞાત સ્ત્રી સામે અપરાધ નોંધ્યો : શકમંદની અટક

જામનગરમાં બેડીગેઇટ વિસ્તારમાંથી એક બાળકી મૃત હાલતમાં મળી આવી હતી, જે બાળકીનો પોલીસે કબજો સંભાળી પોસ્ટમોર્ટમ કરાવતાં તેણીને માર મારવામાં આવ્યો હોવાનો અને તે ઇજાના કારણે મૃત્યુ થયાનો પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં ખુલાસો થયો હતો, જેથી  પોલીસે અજ્ઞાત સ્ત્રી સામે હત્યાનો અપરાધ નોંધી સીસીટીવી કેમેરાઓની મદદથી અજ્ઞાત સ્ત્રીને શોધવાની કવાયત હાથ ધરી છે. દરમ્યાન એક શકમંદની પુછપરછ ચલાવવામાં આવી રહી છે.
જામનગરમાં ત્રણ દરવાજા રોડથી બેડી ગેઇટ નજીકના વિસ્તારમાંથી શનિવારે સવારે એક નવજાત બાળકીને ગટર પર ફેંકી દેવાયેલી હાલતમાં મળી આવી હતી. જેથી સૌપ્રથમ સીટી બી. ડિવિઝનના મહિલા પીએસઆઇ એસ.વી. સામાણી પોતાની ટીમ સાથે ઘટના સ્થળે પહોંચી ગયા હતા, અને બાળકીનો કબજો સંભાળી પોસ્ટ મોર્ટમ સહિતની કાર્યવાહી હાથ ધરી હતી.
 જામનગરના સીટી બી. ડિવિઝનના પોલીસ ઇન્સ્પેક્ટર એચ.પી. ઝાલા તેમજ સ્ટાફના મુકેશસિંહ રાણા, રઘુભા જાડેજા, સલીમભાઈ સહિતની ટીમ પણ આ પ્રકરણમાં તપાસમાં જોડાઈ હતી, અને બાળકીના શરીર પર પ્રાથમિક દ્રષ્ટિએ ઇજાના નિશાનો જોવા મળ્યા હતા, જેથી હોસ્પિટલના ફોરેન્સિક વિભાગમાં તબીબોની પેનલ મારફતે પોસ્ટમોર્ટમ કરાવ્યું હતું.
 જેના રિપોર્ટમાં પોલીસને સમર્થન મળ્યું હતું, અને બાળકીને માથાના ભાગે તેમજ શરીરના અન્ય ભાગોમાં માર મારવામાં આવ્યો હોવાના કારણે બાળકીનું મૃત્યુ હોવાનો ખુલાસો થયો હતો. જેથી બાળકીની હત્યા કરવામાં આવી હોવાનું પોલીસ દ્વારા તારણ કાઢવામાં આવ્યું હતું, અને મહિલા પીએસઆઇ એસ.વી.સામાણી સરકાર પક્ષે જાતે ફરિયાદી બન્યા હતા, અને અજ્ઞાત સામે હત્યા અંગેની કલમ ૩૦૨ મુજબ ફરિયાદ નોંધાવી હતી.
 જે ફરિયાદના અનુસંધાને પી.આઈ. એચ.પી. ઝાલા તેમજ તેમની ટીમ દ્વારા જે સ્થળેથી બાળકીનો મૃતદેહ મળ્યો હતો, તે અને આસપાસના વિસ્તારના સીસીટીવી કેમેરાઓ તપાસવાનું શરૂ કરી દીધું છે, તેમજ જામનગરની સરકારી હોસ્પિટલ ઉપરાંત બેડી ગેઇટ અને આસપાસના વિસ્તારના અન્ય મેટરનીટી હોમ વગેરેમાં પણ કોઈ સ્ત્રીએ બાળકીને જન્મ આપ્યો છે કે કેમ, તે અંગેની સઘળી માહીતી એકઠી કરવા માટેની તપાસ આદરી હતી દરમ્યાન એક શકમંદની પોલીસ દ્વારા પુછતાછ કરવામાં આવી રહી છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application