રાજકોટ ઇન્ટરનેશનલ એરપોર્ટ થી સૌરાષ્ટ્રના 5000થી વધુ વેપાર-ઉદ્યોગને મળશે ‘પાંખો

  • July 25, 2023 09:40 PM 

રાજકોટ સૌરાષ્ટ્રનું ગ્રોથ એન્જીન રહ્યું છે અને નાના-મોટા અનેક ઉદ્યોગો (સ્મોલ એન્ડ મીડિયમ સ્કેલ ઈન્ડસ્ટ્રી) અહીં વર્ષોથી ધમધમી રહ્યા છે. હિરાસર પાસે નિર્મિત રાજકોટ ઈન્ટરનેશનલ એરપોર્ટનું વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે તા.૨૭ જુલાઈના રોજ લોકાર્પણ થવા જઈ રહ્યું છે, ત્યારે રાજકોટ-સૌરાષ્ટ્રના ૫૦૦૦થી વધુ ઉદ્યોગ-ધંધાનો વિકાસ ''સ્કાય ઈઝ ધ લિમિટ'' ની ઉક્તિ સાર્થક કરતા આસમાની ઊડાન ભરશે, તેવું રાજકોટ સહિત સૌરષ્ટ્રના વ્યવસાયકારોનું દ્રઢપણે માનવું છે. 

મોરબી સિરામિક ઈન્ડસ્ટ્રીઝના અગ્રણી નિલેશભાઈ જણાવે છે કે, વિદેશગમન માટે કનેક્ટિંગ ફ્લાઈટ અમદાવાદથી મોડી રાત્રે જતી હોઈ રાજકોટ, મોરબી સહિતના જિલ્લાના વેપારીઓ, પેસેન્જરોને પહોંચવા આખો દિવસ ટ્રાવેલિંગ કરવું પડે છે. રાજકોટથી આ સુવિધા મળતા લોકોનો સમય બચશે. વળી વિદેશથી આવતા વેપારી, ડેલિગેટ્સ સમયના અભાવે અમદાવાદથી રાજકોટ આવવાનું ટાળતા. જેની વેપાર-ધંધા પર અસર થતી. જે હવે દૂર થશે. 

રાજકોથી દુબઈ, સિંગાપુર, વિયેતનામની કનેક્ટિવિટી મળવાનું શરૂ થતાં વિશ્વના મુખ્ય દેશોમાં વેપાર કરવો સરળ બનશે. વળી, કાર્ગો સેવા શરૂ થશે ત્યારે રાજકોટથી વિવિધ પ્રોડક્ટ્સના સેમ્પલ મોકલવા પણ સરળ બનશે ,મોરબી રાજકોટથી નજીક હોવાથી ૫૦૦  કરતાં પણ વધુ સિરામિક ઈન્ડસ્ટ્રીઝને તેનો સીધો લાભ મળશે.

રાજકોટ ચેમ્બર ઓફ  કોમર્સના પ્રમુખ  વી. પી.વૈષ્ણવે ખૂબ ઉત્સાહ સાથે જણાવ્યું હતું કે, રાજકોટને ઈન્ટરનેશનલ એરપોર્ટ મળતા વર્ષો પહેલાની જરૂરિયાત પૂર્ણ થઈ છે. આંતરરાષ્ટ્રીય હવાઈ સેવાના પ્રારંભ સાથે રાજકોટ સહિત મોરબી, જામનગર, પોરબંદર સહિતના જિલ્લાઓના વેપાર ધંધાને બુસ્ટ મળશે. સાથોસાથ પર્યટનની નવી ક્ષિતિજો જોવા મળશે. જેનો સીધો ફાયદો હોટેલ્સ અને ટ્રાન્સપોર્ટેશન ઉદ્યોગને મળશે. આ સાથે રાજકોટ ચેમ્બર ઓફ કોમર્સ સાથે જોડાયેલા ૧૦૮ જેટલા વેપાર-ઉદ્યોગ સંગઠનોને ફાયદો થશે. 

શાપર વેરાવળ ઇન્ડસ્ટ્રીઝ એસોસિએશનના પ્રમુખ કિશોરભાઈ ટીલાળા જણાવે છે કે, રાજકોટ એમ.એસ.એમ.ઈ.ઉદ્યોગનું હબ છે. ઇન્વેસ્ટમેન્ટ કાસ્ટિંગની ૨૦૦ જેટલી ફેકટરીઓમાં થતાં પ્રોડક્શનના ૭૫ % વિદેશમાં એક્સપોર્ટ થાય છે. ઓટો ઇન્ડસ્ટ્રીઝ તેના સેમ્પલ પર ચાલે છે. નવા એરપોર્ટથી વિદેશમાં સેમ્પલ મોકલવા સરળ બનશે. પરિણામે મેક ઈન ઇન્ડિયા પ્રોડક્ટ્સનો એક્સ્પોર્ટ રેશિયો વધશે.

જયારે હડમતાળા ઇન્ડસ્ટ્રીઝ એસોસિએશનના પ્રમુખ પ્રવીણભાઈ જસાણી કાર્ગો સેવાને વધાવતા જણાવે છે કે, નાના તેમજ મધ્યમ કક્ષાના પાર્ટ્સ એક્સપોર્ટ કરવા સરળ બનશે. રાજકોટથી અમદાવાદ કે મુંબઈ પાર્ટ્સ મોકલવામાં જે ટ્રાન્સપોર્ટેશન ખર્ચ થતો. તેમાં હવે બચત થશે. જેના પરિણામે ફાઈનલ કોસ્ટ પણ ઘટશે.      

રાજકોટમાં હોટેલ બિઝનેસ સાથે સંકળાયેલા નેમીભાઈ ખખ્ખર જણાવે છે કે, વિદેશી વેપારીઓ રાજકોટ સાથે વેપાર માટે સીધા જ રાજકોટ આવશે. જેના પરિણામે હોટેલ વ્યવસાય અનેક ગણો વધી જશે. અમદાવાદની જેમ હવે રાજકોટમાં કોર્પોરેટ ઓફિસ સ્થપાશે. અન્ય જિલ્લાઓમાંથી રાજકોટ એરપોર્ટ ખાતે આવતા પેસેન્જરને ભોજન માટે રાજકોટની રેસ્ટોરાં, હોટેલ્સની જરૂરિયાત રહેશે. પરિણામે હોટેલ અને ફૂડ ઈન્ડસ્ટ્રીઝ ખૂબ વિસ્તરશે. 

બહારથી આવતા પેસેન્જરો તેમજ ડેલિગેટ્સને રાજકોટ સહિત સૌરાષ્ટ્રના અન્ય શહેરમાં પરિવહન માટે પેસેન્જર ટેક્સીની જરૂર પડશે. જેના કારણે ટેક્સી તેમજ ટ્રાન્સપોર્ટેશનની માગ વધશે તેમ ટ્રાન્સપોર્ટ વ્યવસાય સાથે સંકળાયેલા હસુ ભાઈ ભગદેવ જણાવે છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application