ખંભાળિયાની વૃજધામ સોસાયટી વિસ્તારમાં વરસાદી પાણી ભરાતા અનેક પરિવારો હાલાકીમાં

  • July 22, 2023 01:15 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

કથિત દબાણથી અનેક વ્યાપક હાલાકી
ખંભાળિયા શહેરને સંલગ્ન આવેલી ધરમપુર ગ્રામ પંચાયત વિસ્તારમાં યોગેશ્વરનગર સ્થિત વૃજધામ સોસાયટી ખાતે વરસાદી પાણીના લીધે આ સોસાયટીમાં રહેતા પરિવારો ભારે હાલાકીનો સામનો કરી રહ્યા છે. કથિત દબાણના કારણે ઘરમાં ભરાતા પાણીથી લોકો ત્રસ્ત થઈ ગયા છે અને તંત્રને અવાર-નવાર લેખિત તેમજ મૌખિક રજૂઆતો કરી છે.
ખંભાળિયાના યોગેશ્વરનગર વિસ્તારમાં આવેલી વૃજધામ સોસાયટી ૧ તથા વૃજધામ સોસાયટી ૨ ખાતે આશરે ૧૦૦ જેટલા પરિવારો રહે છે. જ્યાં આ વિસ્તારમાંથી એક વોંકળો પસાર થાય છે. આશરે ૨૧ ફૂટ જેટલા પહોળા આ વોંકળોમાં અગાઉ વરસાદી પાણીનો વ્યવસ્થિત રીતે નિકાલ થઈ જતો હતો. પરંતુ છેલ્લા કેટલાક વર્ષોથી આ વોંકળો પર કરવામાં આવેલા દબાણથી વરસાદની પાણી ઝડપી અને પૂરતા પ્રમાણમાં નીકળી શકતું નથી.
જેના પરિણામ સ્વરૂપે આ વિસ્તારના રહેણાંક મકાનોમાં વરસાદી પાણી ઘૂસી જાય છે. ગઈકાલે શુક્રવારે ખંભાળિયામાં વરસેલા ભારે વરસાદના કારણે અનેક પરિવારોના રહેણાંક મકાનમાં ચાર ફૂટ સુધી પાણી ભરાઈ ગયા હતા. જેના કારણે આ મકાનમાં રહેતા લોકોને તેમની ઘરવખરી બચાવવા માટે કવાયત કરવી પડી હતી. જ્યારે પણ આ વિસ્તારમાં પાણી ભરાય છે ત્યારે ચાર-પાંચ કલાક સુધી પાણી ઉતરતું નથી અને લોકો હેરાન પરેશાન થઈ જતાં હોવાની વ્યાપક ફરિયાદો ઉઠવા પામી છે.
આ ગંભીર પ્રશ્નો સ્થાનિક રહીશો દ્વારા ગ્રામ પંચાયત, તાલુકા પંચાયત તેમજ સત્તાધીશોને લેખિત તથા મૌખિક રજૂઆત કરવામાં આવી છે. પરંતુ આ અંગે કોઈ નક્કર કાર્યવાહી કરવામાં આવી નથી. ગઈકાલે વરસાદી પાણી ભરાતા અહીંના પ્રાંત અધિકારી, મામલતદાર, ટીડીઓ વિગેરેને ઘટના સ્થળે બોલાવવામાં આવ્યા હતા અને તેઓએ પરિસ્થિતિનું નિરીક્ષણ કર્યું હતું. વૃજધામ સોસાયટીમાં દબાણ દૂર કરવા માટે સ્થાનિક રહેશો દ્વારા રજૂઆત કરવામાં આવી છે ત્યારે તાકીદે તંત્ર દ્વારા કડક કામગીરી કરવામાં આવે તેવી આ વિસ્તારના લોકોની માંગ છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application