તમાચણમાં ખુલ્લા બોરના કારણે બાળકીનો ભોગ લેનાર વાડી માલીક સામે મનુષ્ય વધનો ગુનો

  • June 05, 2023 10:23 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

આરોપીની અટકાયત : બાળાના મૃતદેહને ૨૧ કલાકની કવાયત બાદ બહાર કઢાયો : ફાયર બ્રિગેડ, આર્મી, એનડીઆરએફ સહિતની ટીમો જોડાઇ : આખરે રોશની જીંદગીનો જંગ હારી ગઇ

જામનગર તાલુકાના તમાચણ ગામમાં શનિવારે સવારે શ્રમિક પરિવારની અઢી વર્ષની બાળકી બોરમાં ફસાઈ ગઈ હતી, જેથી ભારે દોડધામ થઇ છે. ફાયર બ્રિગેડ, આર્મી એન. ડી. આર. એફ. ની ટીમ દ્વારા સંયુક્ત રીતે ઓપરેશન હાથ ધરાયું હતું, પરંતુ આખરે ૨૧ કલાક ની જહેમત પછી બાળકી નો મૃતદેહ જ હાથ લાગ્યો હતો, ત્યારે ઉપસ્થિત સૌ કોઈ ની આંખો માં આંસુ જોવા મળ્યા હતા. જયારે ખુલ્લો બોરવેલ મૂકી દેનાર વાડી માલિક સામે મનુષ્યવધ અંગેનો ગુનો નોંધવામાં આવ્યો હતો અને આરોપીની અટકાયત કરવામાં આવી હતી તેમજ બોર ખુલ્લા ન રહે તે માટે તકેદારીના પગલા રાખવા પોલીસ દ્વારા અપીલ કરવામાં આવી છે.
જામનગર તાલુકાના તમાચાણ ગામની એક વાડીનાં બોરવેલમાં ખેત મજૂર ની અઢી વર્ષ ની બાળકી રોશની શનિવારે સવારે પડી ગઈ હતી, આ  સમયે બાળકી ની માતા ને જાણ થતાં જ તેણીએ બુમાબુમ કરી હતી. આ પછી સબંધિત તંત્ર ને જાણ કરવામાં આવતાં ફાયર બ્રિગેડ- ૧૦૮ ની ટિમ પોલીસ સ્ટાફ વગેરે દોડી ગયા હતા. અને અઢી વર્ષની રોશની ને બોર માંથી બહાર કાઢવા માટે ના પ્રયત્નો શરૂ કરવામાં આવ્યા હતા. બોર માં કેમેરા પણ ઉતારવામાં આવ્યા હતા.જેથી બાળકી અંગે પળપળ ની જાણકારી મળતી રહે.પરંતુ કેમેરોમાં માત્ર બાળકી નો હાથ દેખાયો હતો. અન્ય કોઈ મુવમેન્ટ જોવા મળી ન હતી.
જેથી  સમાંતર ૩૦ ફૂટનો ખાડો કરીને બાળકીને બચાવવાના પ્રયત્નો શરૂ કરવામાં આવ્યા હતા. આ માટે હિટાચી - જે સી બી મશીન નો ઉપયોગ પણ કરાયો હતો.જ્યારે મોડે થી આર્મી, એન. ડી. આર. એફ.ની ટીમ પણ બચાવ કામગીરી મા જોડાઈ હતી. ૨૧ કલાકની જેમત બાદ આખરે બાળકીના મૃતદેહને બહાર કાઢી લેવાયો હતો, ત્યારે સૌ કોઈની આંખોમાં આંસુ જોવા મળ્યા હતા.
આ બનાવની વિગત એવી છે કે જામનગર તાલુકાના તમાચણ ગામમાં એક વાડીમાં રહીને ખેત મજૂરી કામ કરતા શ્રમિક પરિવારની અઢી વર્ષની બાળકી રોશની કે જેનું ખુલ્લા બોરમાં પડી જવાના કારણે મૃત્યુ નીપજ્યું હતું. જે ખુલ્લો બોલવેલ મૂકી દેના વાડી માલિક ચંદુભાઈ ગોવિંદભાઈ ગોહિલ સામે મનુષ્યવધ અંગેનો ગુનો નોંધવામાં આવ્યો છે.
તમાચણ ગામમાં ખેતીવાડી ધરાવતા ચંદુભાઈની વાડીમાં રહીને ખેત મજૂરી કામ કરતા મૂળ મધ્ય પ્રદેશ વતની લાલુભાઈ મલસીંગભાઈ વાસકેલા કે જેની અઢી વર્ષની પુત્રી રોશની રમતાં રમતાં પોતાની જ વાડીમાં ખુલ્લા બોરવેલમાં પડી ગઈ હતી, અને મૃત્યુ પામી હતી.
જે ખુલ્લો બોરવેલ મૂકી દઈ બેદરકારી દાખવનાર વાડી માલિક ચંદુભાઈ ગોવિંદભાઈ ગોહિલ સામે પંચકોશી એ. ડિવિઝન પોલીસમાં મૃતક બાળકીના પિતાએ મનુષ્યવધ અંગેની ફરિયાદ નોંધાવી છે, અને પોલીસે આઇપીસી કલમ ૩૦૪ અ મુજબ ગુનો નોંધ્યો છે, અને ખેડૂતની ધરપકડ કરવા માટેની કાર્યવાહી હાથ ધરી છે. જ્યારે મૃતક બાળકી નું પોસ્ટમોર્ટમ કરાવાયા પછી તેની અંતિમ વિધિ કરવા માટે વતનમાં લઈ જવામાં આવ્યો હતો.
ઉપરોકત જેવા બનાવ ન બને તે માટે બિનવપરાશી પાણીના બોર માટી ભરી બંધ કરી દેવા તેમજ આવા બિનવપરાશી બોર ખુલ્લા ન રહે તે માટે યોગ્ય તકેદારીના પગલા લેવા પંચ-એ પોલીસ દ્વારા જનતાને અપીલ કરવામાં આવી હતી. તમાચણમાં જુદી જુદી ટુકડીઓએ ૨૧ કલાક જહેમત ઉઠાવી હતી પરંતુ રોશની જીંદગીનો જંગ હારી જતા ભારે ગમગીની છવાઇ ગઇ હતી, સવારથી લઇને મોડી રાત્રી સુધીની આ કવાયતમાં આજુબાજુના ગ્રામજનો પણ મોટી સંખ્યામાં દોડી ગયા હતા અને પ્રાર્થનાઓ પણ કરવામાં આવી હતી રેસ્કયુ દરમ્યાન રોબોટની મદદ લેવામાં આવી હતી જેમાં ડીસ્પ્લે પર બાળકી બહાર આવી જશે એેવી આશા જન્મી હતી, ઉચ્ચ અધિકારીઓ અનુભવના આધારે માર્ગદર્શન આપતા હતા. અવીરત મહેનત અને સુઝબુઝથી રેસ્કયુ ઓપરેશન ચાલુ હતું આખરે બાળકીનો મૃતદેહ હાથ લાગતા શોકની લાગણી ફેલાઇ ગઇ હતી.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application