પ્રધાનમંત્રી આવાસ યોજનાનું લોકાર્પણ : રાજકોટ જિલ્લામાં રંગોળી, ગ્રહપ્રવેશ અને લાપસીનાં આંધણ સાથે 65 ઘરોમાં ઢબૂકશે ખુશીઓના ઢોલ

  • May 11, 2023 07:10 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

પ્રધાનમંત્રી આવાસ યોજનાનું લોકાર્પણ : રાજકોટ જિલ્લામાં રંગોળી, ગ્રહપ્રવેશ અને લાપસીનાં આંધણ સાથે 65 ઘરોમાં ઢબૂકશે ખુશીઓના ઢોલ

આવતી કાલે પ્રધાનમંત્રી આવાસ યોજનાના લોકાર્પણ પ્રસંગે રાજકોટ જિલ્લાના ૪૦ ગામોમાં દિવાળી જેવો માહોલ જામશે, ૬૫ જેટલા પરિવારોને આવાસ યોજના હેઠળ મળેલા પાકા ઘરના ઘરથી ઘરે ઘરે રંગોળી સજાવાશે. ગૃહ પ્રવેશ વખતે ઢોલ ઢબૂકશે અને લાપસીનાં આંધણ મુકાશે ત્યારે પરિવારજનો અને ગામવાસીઓ માટે ઉત્સવ જેવું વાતાવરણ સર્જાશે.


ગ્રામ્ય કક્ષાએ જે લોકોનું કાચું ઘર અને વાર્ષિક આવક દોઢ લાખથી ઓછી હોય તેવા લાભાર્થીઓના પરિવારને આ યોજનાનો લાભ મળે તે માટે સરકાર દ્વારા ખાસ સર્વેક્ષણ પ્રક્રિયા હાથ ધરાતી હોવાનું પ્રધાનમંત્રી આવાસ યોજનાના જિલ્લા કોઓર્ડિનેટર ઋષિત અગ્રાવત જણાવે છે.


રાજકોટ જિલ્લામાં આ યોજના હેઠળ તાલુકા વાઈઝ બનાવાયેલા આવાસો અંગે માહિતી આપતા ઋષિત અગ્રાવતે જણાવ્યું હતું કે, વર્ષ ૨૦૧૬-૧૭ થી વર્ષ ૨૦૨૨-૨૩ દરમ્યાન રાજકોટ જિલ્લામાં કુલ ૧૯૨૦ આવાસોને મંજૂરી આપવામાં આવી હતી, જેમાંથી ૧૩૨૨ આવાસનું કામ હાલ પૂર્ણ થઈ ચૂક્યું છે. 


તાલુકા મુજબ જોઈએ તો, ધોરાજી તાલુકામાં ૧૦૪ આવાસ મંજૂર કરવામાં આવ્યા હતા, જેમાંથી ૭૭ આવાસનું કામ પૂર્ણ થઈ ગયેલ છે. ગોંડલ તાલુકામાં ૩૪૪ આવાસ મંજૂર કરવામાં આવ્યા હતા, જેમાંથી ૨૦૯ આવાસનું કામ પૂર્ણ થઈ ગયેલ છે. જામકંડોરણા તાલુકામાં ૧૦૩ આવાસની મંજૂરી આપવામાં આવી હતી, જેમાંથી ૫૮ આવાસનું કામ પૂર્ણ થઈ ગયું છે. જસદણ તાલુકામાં ૨૦૪ આવાસની મંજૂરી સામે ૧૭૫ આવાસનું કામ પૂર્ણ થઈ ગયું છે. જેતપુર તાલુકામાં ૨૫૨ આવાસની મંજૂરી તથા ૧૪૯ આવાસનું કામ પૂર્ણ, કોટડા સાંગાણી તાલુકામાં ૧૫૪ આવાસની મંજૂરી તથા ૮૬ આવાસ પૂર્ણ, લોધિકામાં ૧૧૨ આવાસની મંજૂરી તથા ૬૧ આવાસ પૂર્ણ, પડધરી તાલુકામાં ૩૭ આવાસને મંજૂરી તથા ૩૪ આવાસનું કામ પૂર્ણ, રાજકોટ તાલુકામાં ૧૯૨ આવાસ ને મંજૂરી તથા ૧૩૫ આવાસનું કામ પૂર્ણ, ઉપલેટામાં ૨૫૪ આવાસને મંજૂરી તથા ૧૯૭ આવાસનું કામ પૂર્ણ થઈ ચૂક્યું છે. વિંછીયા તાલુકામાં ૧૬૪ આવાસને મંજૂરી આપેલી હતી, જેમાંથી ૧૪૧ આવાસનું કામ પૂર્ણ થઈ ગયું છે.


લાભાર્થી ગ્રામજનોને આવાસ બનાવવા રૂ.૧,૨૦,૦૦૦/-ની આર્થિક સહાય મળે છે. આ ઉપરાંત ટોયલેટના બાંધકામ માટે વધારાના રૂ. ૧૨,૦૦૦/-, બાથરૂમના બાંધકામ માટે વધારાના રૂ. ૫,૦૦૦/-, જેવી વધારાની સહાય અને જો મનરેગા હેઠળ કામ કરે તો વધારાની આવક પણ મળે તેવી બહુવિધ સહાય આપતી પ્રધાનમંત્રી આવાસ યોજના સાચા અર્થમાં ગ્રામીણ પરિવારોના ઉત્કર્ષની ભૂમિકા પુરી પાડે છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application