આખરે જેઠાલાલ દિલીપ જોશીના દિલની વાત જીભે પણ આવી ગઇ

  • February 16, 2023 04:40 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


  • જેઠાલાલે તારક મહેતા કો ઉલ્ટા ચશ્મામાં દયાને મિસ કરવાની વાત સ્વીકારી
  • નિર્માતા અસિત મોદીએ દયાબેનની વાપસી અંગે દર્શકો માટે આપી ખુશખબર


ટીવી સિરિયલ 'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા' છેલ્લાં 15 વર્ષથી ચાહકોનું મનોરંજન કરી રહી છે. આ દરમિયાન અનેક લોકોએ આ શો છોડ્યો છે અને નવા કલાકારની એન્ટ્રી થઇ છે, પરંતુ છેલ્લા ઘણા સમયથી 'હે મા... માતાજી...' સાંભળવા મળ્યું નથી, એટલે કે દયા ભાભીના રોલ વિશે હજુ કોઈપણ માહિતી નથી. '

તારક મહેતા..' સિરિયલ વર્ષ 2008માં શરૂ થઈ હતી. આ સિરિયલને 14 વર્ષ કરતાં વધુ સમય થયો છે અને 3600થી વધુ એપિસોડ આવી ચૂક્યા છે. તેની લોકપ્રિયતા એટલી વધી ગઇ છે કે આ શો મરાઠીમાં  'ગોકુલધામચી દુનિયાદારી' તથા તેલુગુમાં 'તારક મામા અય્યો રામા'ના નામે ટીવી પર જોવાય છે.


ટીવી-એક્ટર નીતીશ ભલુની ટપુનો રોલ પ્લે કરશે. નીતીશે સિરિયલનું શૂટિંગ શરૂ કરી દીધું છે અને ટૂંક સમયમાં જ તેને નવા ટપુ તરીકે ઇન્ટ્રોડ્યુસ કરવામાં આવશે. એક ઇન્ટરવ્યૂ દરમિયાન નીતીશે તેમના ઓનસ્ક્રીન ફાધર જેઠાલાલનો પરિચય કરાવ્યો હતો, જેમાં બંને એકબીજાને સવાલ-જવાબ કરવામાં આવી રહ્યા હતા. એ સમયે જ જેઠાલાલને દયાભાભીની યાદ આવી ગઈ હતી. નોંધનીય છે કે આ સિરિયલ જુલાઈ, 2008થી ટીવી પર આવી રહી છે.

એક ઇન્ટરવ્યૂ દરમિયાન જેઠાલાલ વાત કરતી વખતે દયાભાભીને કારણે ભાવુક થઇ ગયા હતા. જ્યારે દિલીપજોશીને પૂછવામાં આવ્યું કે આ શોમાં દયાભાભી ક્યારે કમબેક કરશે? જેના જવાબમાં દિલીપ જોશીએ જણાવ્યું હતું કે ' આ બાબતે મને કોઈ આઈડિયા નથી, એ સંપૂર્ણપણે નિર્માતાઓ પર આધારિત છે. મેકર્સ નક્કી કરશે કે તે શોમાં નવો ચહેરો લાવવા માગે છે કે નહીં, પરંતુ એક કલાકાર તરીકે મને દયાનો રોલ બહુ જ યાદ આવે છે.

લાંબા સમયથી દર્શકોએ દયા અને જેઠાનાં રમૂજી દૃશ્યોનો આનંદ લીધો છે. જ્યારથી દિશા આ સિરિયલમાંથી આઉટ થઇ છે ત્યારથી એ ભાગ, એ એન્ગલ, રમૂજી ભાગ ક્યાંક ગાયબ થઈ ગયો છે, પરંતુ હું હંમેશાં પોઝિટિવ છું, અસિત પણ પોઝિટિવ રહે છે, તેથી જ કાલે શું થશે, ક્યારે થશે એ કોઈને ખબર નથી.

શોમાં દયાબેનની પરત ફરવા પર અસિત મોદીએ જણાવ્યું હતું કે દિશા પરત ફરે તો બહુ સારું, પરંતુ હવે તેની પાસે પારિવારિક જીવન છે. તે તેના પારિવારિક જીવનને પ્રાથમિકતા આપી રહી છે, તેનું આવવું થોડું મુશ્કેલ લાગી રહ્યું છે, પણ હવે ટપુ આવી ગયો એટલે દયાબેન પણ જલદી આવશે. દયા ભાભીના જ ગરબા, દાંડિયા, બધા ગોકુલધામ સોસાયટીમાં શરૂ થશે. થોડીવાર રાહ જુઓ. હવે બહુ મોડું નથી થયું. દયા ભાભી ટૂંક સમયમાં જોવા મળશે.

આ પહેલાં સિરિયલને દિશા વાકાણી (દયાભાભી), ઝીલ મહેતા (સોનુ), નિધિ ભાનુશાલી (સોનુ), ભવ્ય ગાંધી (ટપુ), મોનિકા ભદોરિયા (બાંવરી), ગુરુચરણ સિંહ (સોઢી), લાલ સિંહ માન (સોઢી), દિલખુશ રિપોર્ટર (રોશન સોઢી), નેહા મહેતા (અંજલિભાભી) અને રાજ અનડકટ (ટપુ-2)એ અલવિદા કહ્યું છે. કવિ કુમાર આઝાદ (ડૉ. હાથી)નું વર્ષ 2018માં કાર્ડિયાક અરેસ્ટને કારણે અવસાન થયું હતું. ગયા વર્ષે ઘનશ્યામ નાયક (નટુકાકા)નું નિધન થયું હતું.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application