જામનગર ડિસ્ટ્રીક્ટ કો.ઓ.બેંકના ચેરમેનપદે જીતુ લાલ

  • December 29, 2023 12:56 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

નવા સુકાનીઓનું સન્માન...
જામનગર ડિસ્ટ્રીક્ટ કો.ઓપ. બેંકના ચેરમેન સહિતના ત્રણ હોદ્દા માટે આજે ચૂંટણીની પ્રક્રિયા યોજાઈ હતી, આગાઉ કહ્યાં મુજબ પ્રદેશ તરફથી બંધ કવરમાં નામ મોકલવામાં આવ્યા હતાં. સેવા સદન ખાતે ચેરમેન, વા. ચેરમેન અને એમડીના નામની જાહેરાત કરાઈ હતી. આ તકે ઉપસ્થિત રહેલાં ગુજરાતના કૃષિ મંત્રી રાઘવજીભાઈ પટેલ અને વન પર્યાવરણ મંત્રી મુળૂભાઈ બેરા દ્વારા નવા સુકાનીઓને હાર પહેરાવીને સન્માનિત કરવામાં આવ્યા હતાં. અન્ય તમામ સભ્યો ઉપસ્થિત રહ્યાં હતાં જે તસવીરમાં નજરે પડે છે.

***
વાઈસ ચેરમેન બનતાં બળદેવસિંહ જાડેજા: એમડી પદે ધરમશીભાઈ ચનિયારાની નિમણૂંક: પ્રદેશ તરફથી વ્હીપ આવી ગયાં બાદ સત્તાવાર જાહેરાત કરવામાં આવી: મંત્રીઓ રાઘવજીભાઈ પટેલ, મુળૂભાઈ બેરા સહિતના જિલ્લા બેંકના સભ્યો ઉપસ્થિત રહ્યાં

જામનગર ડિસ્ટ્રીક્ટ કો. ઓપ. બેંકના ચેરમેનપદે શિપિંગ ક્ષેત્રના મહારથી, જાણીતા વેપારી આગેવાન અને લોહાણા સમાજના અધ્યક્ષ જીતુ લાલની તાજપોશી કરવામાં આવી છે, વાઈસ ચેરમેન તરીકે બળદેવસિંહ જાડેજાને જવાબદારી સોંપવામાં આવી છે જ્યારે એમડી પદે જિલ્લા પંચાયતના પૂર્વ અધ્યક્ષ ધરમશી ચનિયારાની વરણી કરવામાં આવી છે, અત્રે નોંધનિય છે કે ભારતીય જનતા પાર્ટી તરફથી બંધ કવરમાં નવા હોદ્દેદારોના નામ મોકલવામાં આવ્યા હતાં અને બે મંત્રીઓની ઉપસ્થિતિમાં વિધિવત્ રીતે નવા હોદ્દેદારોના નામ જાહેર કરવામાં આવ્યા હતાં.
આજે જામનગર જિલ્લા બેંકના નવા હોદ્દેદરોની વરણી પૂર્વે અહીંના સર્કીટ હાઉસ ખાતે બે કેબિનેટ મંત્રીઓ રાઘવજીભાઈ પટેલ, મુળૂભાઈ બેરા સહિતના જિલ્લા બેંકના સભ્યો ઉપસ્થિત રહ્યાં હતાં. સંકલન સમિતિની બેઠક મળી હતી અને તેમાં નક્કી થયાં મુજબ પ્રદેશ તરફથી બંધ કવરમાં આવેલા હોદ્દેદારોના નામ ખોલવામાં આવ્યા હતાં, ત્યારબાદ આખો કાફલો સરુસેકશન રોડ ખાતે આવેલ સેવા સદન પહોંચ્યો હતો અને ત્યાં ડિસ્ટ્રીક્ટ બેંકના નવા હોદ્દેદારોના નામની જાહેરાત કરવામાં આવી હતી.
ચેરમેનના તાજ માટે જાણવા મળ્યાં મુજબ ઉદ્યોગપતિ જીતુ લાલ અને ધરમશી ચનિયારાનું નામ ચાલતું હતું, આ બન્ને વચ્ચે રેસ હોવાનું માનવામાં આવતું હતું અને ભાજપના હાઈકમાન્ડ કોના પર પસંદગીનો કળશ ઢોળશે? તેનો ઈન્તેઝાર હતો ત્યારે બંધ કવરમાં ચેરમેન તરીકે જીતુ લાલનું નામ આવ્યું હતું, વા. ચેરમેન પદે બળદેવસિંહ જાડેજાને જવાબદારી સોંપવામાં આવી હતી અને એમડીનું પદ ધરમશી ચનિયારાને આપવામાં આવ્યું હતું, આ ત્રણ હોદ્ા ઉપરાંત જિલ્લા બેંકના ચોથા એવા જીએસી બેંકના સભ્ય તરીકે હાલના કૅબિનેટ મંત્રી મુળૂભાઈ બેરા નિમાયેલાં છે અને આ પદ માટે પાંચ વર્ષે નિમણૂંક થતી હોવાથી તેના પર કેબિનેટ મંત્રી યથાવત્ છે.
આજે સેવા સદન ખાતે જિલ્લા ભાજપના મહામંત્રી દીલિપભાઈ ભોજાણી બંધ કવર  લઈને આવ્યા હતાં. આ તકે ડિસ્ટ્રીક્ટ બેંકના તમામ સભ્યો, બન્ને મંત્રીઓ ઉપરાંત પૂર્વ ચેરમેન પી.એસ. જાડેજા, લુણાભા સુંભણિયા, રાજુભાઈ વાદી, પ્રવિણસિંહ ઝાલા સહિતના ભાજપના તમામ દસેદસ સભ્ય હાજર રહ્યાં હતાં અને ચેરમેન સહિતના હોદ્દાઓના નામની જાહેરાત કરવામાં આવી હતી.
જામનગર ડિસ્ટ્રીક્ટ કો.ઓપ. બેંક દ્વારા ચાલુ વર્ષમાં જ ૮૮૮ કરોડનું ધીરાણ આપવામાં આવ્યું છે, બેંકની આર્થિક સ્થિતિમાં પણ સારો એવો સુધારો આવ્યો છે. આ બેંકમાં જામનગર જિલ્લા તથા દેવભૂમિ દ્વારકા જિલ્લાના આગેવાનો સભ્ય તરીકે છે. બન્ને જિલ્લા અલગ હોવા છતાં ડીસ્ટ્રીક્ટ બેંક હાલારના આ બન્ને જિલ્લા સાથે જોડાયેલી હોવાથી સહકારી ક્ષેત્રની આ બેંક રાજકીય દૃષ્ટિકોણથી પણ મહત્વની માનવામાં આવે છે.
જિલ્લા બેંક પર પ્રભુત્વ મેળવવા માટે ભૂતકાળમાં કોંગ્રેસ દ્વારા પણ ખૂબ તાકાત લગાડવામાં આવતી હતી, પરંતુ કેસરિયા બ્રીગેડ જ્યારથી આ બેંક પર આવી ત્યારથી બીજા કોઈ પક્ષને સ્થાન રહ્યું નથી.
આ ઉપરાંત હાલાર આખાના ગ્રામ્ય વિસ્તાર પર પક્કડ સ્થાપવા માટે જિલ્લા બેંકનું સુકાન મહત્વનું માનવામાં આવે છે, અધૂરામાં પુ‚ં લોકસભાની ચૂંટણી પણ નજીક આવી રહી છે... આવા સંજોગોમાં ભાજપ દ્વારા ચેરમેન પદનો તાજ જીતુ લાલને આપીને મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે જે આગામી લોકસભાની ચૂંટણીમાં પણ લાભદાયી રહેવાની સંભાવના છે.
જીતુ લાલ જાણીતા ઉદ્યોગપતિ અને શિપિંગ ક્ષેત્રના મહારથી હોવા ઉપરાંત વર્ષોથી વેપારીઓનું પ્રતિનિધિત્વ કરી રહ્યાં છે, અગાઉ વર્ષો સુધી ચેમ્બર ઑફ કોમર્સના પ્રમુખ રહી ચૂક્યા છે, હાલમાં લોહાણા મહાજનના અધ્યક્ષ અને શ્રી બાલા હનુમાનજી મંદિરમાં પણ પ્રમુખપદ  ધરાવે છે. આ સિવાય પણ  ઘણીબધી સંસ્થાઓમાં એમનું યોગદાન મહત્વનું રહ્યું છે ત્યારે જિલ્લા બેંકના ચેરમેનપદનો તાજ પણ મળતાં એમની જવાબદારીમાં વધારો થયો છે. મિત્ર વર્તુળ દ્વારા નવા ચેરમેન, વાઈસ ચેરમેન અને એમડીને જિલ્લાભરમાંથી અભિનંદન આપવામાં આવ્યા છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application