જામનગરની અક્ષરપ્રિત ફાર્મસી કોલેજને કોપી કેસમાં રુા.૧ લાખનો દંડ

  • November 25, 2023 12:33 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

જયવીન દવેની કોલેજના ૧૨ વિદ્યાર્થીઓને એક વર્ષ માટે ડીબાર્ડ કરાયા: કોલેજને એક વર્ષ કેન્દ્ર નહીં ફાળવાય: શા માટે કોેલેજની માન્યતા રદ નહીં ?: યુવક કોંગ્રેસ

જામનગરમાં આવેલી જયવીન દવેની કોલેજોમાં અવારનવાર વ્યાપક ફરિયાદો આવે છે, જીટીયુની સેમેસ્ટર પરીક્ષામાં ડી-ફાર્મના વિદ્યાર્થીઓના માસ કોપી કેસમાં હવે યુનિવર્સિટીએ નિર્ણય જાહેર કર્યો છે, અક્ષરપ્રિત ફાર્મસી કોલેજને રુા.૧ લાખનો દંડ, કોલેજને એક વર્ષ સુધી કેન્દ્ર નહીં ફાળવાય તેમજ ૧૨ વિદ્યાર્થીઓને એક વર્ષ માટે ડીબાર્ટ કરવામાં આવશે તેવી જાહેરાત સૌરાષ્ટ્ર યુનિવર્સિટીએ કરી છે.
જામનગરની અક્ષરપ્રિત કોેલેજમાં માસ કોપી કેસ થયા બાદ યુનિવર્સિટીના રજીસ્ટ્રાર બી.એન.ખેર પાસે આ સમગ્ર મામલો તપાસ માટે થયો હતો, લગભગ એકાદ માસ પહેલા ડો.તોસીફખાન પઠાણ સહિતના અગ્રણીઓએ આ કોલેજ સામે કાર્યકરો અને વિદ્યાર્થીઓને સાથે રાખી ધરણા કરી કોલેજ સામે કડક પગલા લેવા માંગણી પણ કરી હતી.
તાજેતરમાં જે ૧૨ વિદ્યાર્થીઓ સામે જીટીયુ દ્વારા કોપી કેસ કરવામાં આવ્યો હતો તે અંગેની સુનાવણી કરવામાં આવી હતી જેમાં આ કોલેજને રુા.૧ લાખનો દંડ ફટકારવામાં આવ્યો હતો, એટલું જ નહીં ૧૨ વિદ્યાર્થીઓને એક વર્ષ માટે ડીબાર્ટ પણ કરાયા હતાં અને અધુરામાં પુરુ હોય તેમ આ કોલેજને એક વર્ષ માટે કેન્દ્ર ન ફાળવવા નિર્ણય કરીને કોલેજના સ્ટાફનું મહેનતાણુ રદ કરવા આદેશ કરાયો હતો.
જીટીયુની ગત સેમેસ્ટરની પરીક્ષા ઓગષ્ટમાં લેવાઇ હતી અંતર્ગત ફાર્મસીની સેમેસ્ટર-૩ની પરીક્ષા તા.૯ ઓગષ્ટના રોજ જામનગર ખાતે લેવાઇ હતી જેમાં કોપી કેસની ઘટના બની હતી ત્યારબાદ કોેલેજના બી-ફાર્મ સેમેસ્ટર-૩ના કેટલાક વિદ્યાર્થીઓ કાપલીયોની આપ-લે કરતા અને ચોરી કરતા સીસી ટીવી કેમેરામાં કેદ થયા હતાં.
આ કોપી કેસ થયા બાદ યુનિવર્સિટીમાં રજીસ્ટ્રાર બી.એન.ખેર પાસે સુનાવણી રાખવામાં આવી હતી જેમાં ૧૨ વિદ્યાર્થીનું સમર સેમેસ્ટર ૨૦૨૩ની પરીક્ષાનું તમામ વિષયનું પરીણામ રદ કરી દેવામાં આવ્યું છે અને વિદ્યાર્થીઓ પર એક વર્ષનો પ્રતિબંધ મુકી દેવામાં આવ્યો હતો, જીટીયુ દ્વારા સિનીયર સુપરવાઇઝર, જુનિયર સુપરવાઇઝર, સેન્ટર ઇન્ચાર્જ અને કો-ઓર્ડીનેટર સ્ટાફ સહિતના લોકોનું મહેનતાણુ પણ રદ કરી દેવામાં આવ્યું છે. હવે કોલેજે પોતાના ખર્ચે વિદ્યાર્થીઓને અન્ય સેન્ટરમાં પરીક્ષા માટે લેવા-મુકવા માટે વ્યવસ્થા કરવી પડશે.
***
અક્ષરપ્રિત ફાર્મસી કોલેજની માન્યતા રદ કરો: ડો.તોસીફખાન પઠાણ
જામનગરની જયવીન દવે સંચાલીત અક્ષરપ્રિય ફાર્મસી કોલેજમાં કોપી કેસ થયા હતાં, જેમાં વિદ્યાર્થીઓનો પણ વાંક છે, અગાઉ લાખાબાવળમાં એક કોલેજમાં આ પ્રકારનો બનાવ બન્યા બાદ કોલેજનો કોર્ષ રદ કરી દેવામાં આવ્યો હતો, જયારે સમગ્ર કાંડમાં અક્ષરપ્રિય ફાર્મસીના સંચાલકો પણ દોષીત છે ત્યારે આ કોલેજનું પરીક્ષા કેન્દ્ર અને તેની માન્યતા રદ કરી દેવી જોઇએ, અમોએ આ કોલેજ સામે આ ઘટના બન્યા બાદ ધરણા પણ કર્યા હતાં અને આખરે યુનિવર્સિટીએ અમારી સતત રજૂઆત બાદ આકરા પગલા લીધા છે તેમ આજકાલ સાથેની વાતચીતમાં યુવક કોંગ્રેસના પ્રમુખ ડો.તોસીફખાન પઠાણે જણાવ્યું હતું.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application