સોના-ચાંદીના જથ્થા સાથે ત્રણ શખ્સને પકડી લેતું જામનગર કસ્ટમ

  • October 06, 2023 12:03 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

મુંબઇથી રાજકોટ ડીલીવરી દેવા આવતા વાંકાનેર પાસે ટુકડી ત્રાટકી : ત્રણેયની ઘનિષ્ઠ પુછપરછ


મુંબઇથી રાજકોટ ટ્રેનમાં 3 શખ્સો સોના-ચાંદીનો જથ્થો લઇને ડીલીવરી દેવા આવી રહયા છે એવી બાતમી મળતા જામનગર કસ્ટમ વિભાગની ટુકડીએ વાંકાનેર પાસે ત્રણેયને મુદામાલ સાથે સકંજામાં લીધા હતા અને આ બાબતે બીલ માંગવામાં આવ્યા હતા, ત્રણેય શકમંદની ઘનિષ્ઠ પુછપરછ માટે જામનગર કસ્ટમ ઓફીસ ખાતે લાવીને તપાસ આગળ ધપાવી છે.


જાણવા મળતી વિગત મુજબ સોના-ચાંદી સહિતનો જથ્થો ટ્રેનમાં અમુક શખ્સો હેરફેર કરી રહયા છે એવી કસ્ટમ વિભાગને માહિતી મળી હતી જેના આધારે જામનગર કસ્ટમની ટુકડીએ આ અંગે ઓપરેશન હાથ ધર્યુ હતું.


મુંબઇથી રાજકોટ ટ્રેનમાં 3 શખ્સો સોનુ અને ચાંદીનો મોટો જથ્થો લઇને ડીલીવરી દેવા માટે આવી રહયા છે, જેના આધારે જામનગર કસ્ટમ પ્રિવેન્ટીવ વિભાગે વાંકાનેર રેલ્વે સ્ટેશન પરથી ત્રણેય શખ્સોને દબોચી લીધા હતા અને તેના કબ્જામાંથી સોના-ચાંદીનો જથ્થો મળી આવતા બિલ સહિતની પ્રાથમિક પુછપરછ કરી હતી, જે અંગે સંતોષકારક જવાબ નહીં મળતા ત્રણેય શખ્સોને જામનગર કસ્ટમ કચેરી ખાતે લાવવા ત્યાંથી ટુકડી રવાના થઇ હતી.


ત્રણેય પાસેથી આશરે 8 થી 10 કીલો જેટલુ સોનુ અને 25 કીલો જેટલી ચાંદી હોવાની આશંકા દશર્વિવામાં આવી છે, સત્તાવાર આંકડો કસ્ટમ વિભાગની તપાસના અંતે જાહેર કરાશે, આ સમગ્ર મામલે કસ્ટમ વિભાગ દ્વારા સઘન તપાસ ચલાવવામાં આવી રહી છે.


લાંબા સમય બાદ જામનગર કસ્ટમ પ્રિવેન્ટીવ વિભાગે ઓપરેશન પાર પાડયું છે, ત્રણેયની પ્રાથમિક પુછપરછમાં સૌરાષ્ટ્ર મેલમાં રાજકોટ આવી રહયા હતા, જો કે આ સોના-ચાંદીનો જથ્થો કોને આપવાનો હતો એ બાબતે ઘનિષ્ઠ તપાસ હાથ ધરવામાં આવી છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application