રાજ્યમાં ૩૭ ખરીદ કેન્દ્રો ખાતે ૧ લી જૂનથી શરુ થશે

  • May 23, 2023 10:12 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

રાજ્ય સરકારનો વધુ એક ખેડૂતહિતલક્ષી નિર્ણય: ઉનાળુ મગની ટેકાના ભાવે ખરીદી: ટેકાના ભાવે ખરીદી માટે તંત્ર દ્વારા કરાયેલા આગોતરા આયોજનની કૃષિ મંત્રી રાઘવજી ભાઈ પટેલે સમીક્ષા કરી

રાજ્યના ખેડૂતોના હિત માટે ગુજરાત સરકાર હરહંમેશ પ્રયત્નશીલ રહી એક પછી એક મહત્વપૂર્ણ નિર્ણયો કરી રહી છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલ અને કૃષિ મંત્રી રાઘવજીભાઈ પટેલના માર્ગદર્શન હેઠળ રાજ્ય સરકાર દ્વારા ધરતીપુત્રોના હિતમાં વધુ એક મહત્વપૂર્ણ નિર્ણય લેવાયો છે. ખેડૂતોને આર્થિક રક્ષણ મળી રહે અને તેમના ઉત્પાદનોના પોષણક્ષમ ભાવ મળી રહે તે હેતુથી વર્ષ ૨૦૨૨-૨૩માં ઉનાળુ મગની ટેકાના ભાવથી ખરીદવાનું રાજ્ય સરકાર દ્વારા આયોજન કરવામાં આવ્યું છે. ઉનાળુ મગ પાકનો ટેકાનો ભાવ ૭૭૫૫ પ્રતિ કિવ. રહેશે, તેમ ખેતી નિયામકની યાદીમાં જણાવાયું છે.
વધુમાં જણાવ્યા અનુસાર રાજ્યના તમામ જિલ્લાઓમાં ઉનાળુ મગની ટેકાના ભાવે ખરીદી કરવા માટે તા. ૨૯.૫.૨૩થી ગ્રામ્ય કક્ષાએ વીસીઈ મારફતે ઓનલાઇન નોંધણી શરુ કરવામાં આવશે. આ ઉપરાંત વાવેતર વિસ્તાર અને ઉત્પાદનને ધ્યાને રાખીને રાજ્યમાં ઉનાળુ મગની ખરીદી માટે રાજ્યમાં ૩૭ ખરીદ કેન્દ્રો નક્કી કરવામાં આવ્યા છે. આ કેન્દ્રો ખાતે ટેકાના ભાવે ખરીદી તા.૧.૬.૨૩ના રોજથી શરુ કરવામાં આવશે. અને ઓનલાઈન નોંધણી પણ ચાલુ રહેશે.
રાજ્યના ખેડૂતો કોઈપણ તકલીફ વગર સરળતાથી પોતાના ઉત્પાદનો ટેકાના ભાવે વેચી શકે તે માટે કૃષિ વિભાગ દ્વારા આગોતરું આયોજન કરવામાં આવ્યું છે. કૃષિ મંત્રી રાઘવજીભાઈ પટેલે ઉનાળુ મગની ટેકાના ભાવે ખરીદી માટે આગોતરા આયોજન અને તમામ આનુશાંગીક તૈયારીની સમીક્ષા માટે બેઠક યોજી હતી અને રાજ્યના ખેડૂત ભાઈઓને ટેકાના ભાવે ખરીદીનો લાભ લેવા અનુરોધ કર્યો હતો.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application