ઇતિહાસમાં સૌપ્રથમ વખત આયુર્વેદ અને મિલેટ્સ આધારિત આયુર્વેદ સ્વાસ્થ્ય અને શ્રીધાન્ય મેળો-૨૦૨૩ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટીચિંગ એન્ડ રિસર્ચ ઇન આયુર્વેદ (આઇ.ટી.આર.એ.) દ્વારા આયોજન.. 

  • March 14, 2023 10:04 PM 

ઇતિહાસમાં સૌપ્રથમ વખત આયુર્વેદ અને મિલેટ્સ આધારિત આયુર્વેદ સ્વાસ્થ્ય અને શ્રીધાન્ય મેળો-૨૦૨૩ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટીચિંગ એન્ડ રિસર્ચ ઇન આયુર્વેદ (આઇ.ટી.આર.એ.) દ્વારા આયોજન.. 



જામનગર સ્થિત સૌપ્રથમ આયુર્વેદ ક્ષેત્રનું રાષ્ટ્રીય મહત્વનો દરજ્જો ધરાવતું સંસ્થાન ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટીચિંગ એન્ડ રિસર્ચ ઈન આયુર્વેદ દ્વારા આયુર્વેદ થકી લોક સ્વાસ્થ્ય ઉત્કર્ષ અને વૈશ્વિક પ્રવાહોથી લોકોને અવગત કરાવવાના આશયથી આયુર્વેદ "સ્વાસ્થ્ય અને શ્રીધાન્ય મેળો – ૨૦૨૩"નું આયોજન તા. ૧૮ થી ૨૧ માર્ચ સુધી ધન્વંતરિ ગ્રાઉન્ડ ખાતે કરવામાં આવ્યું છે. જેનો સમય સવારે ૧૦ વાગ્યા થી રાત્રીના ૯ વાગ્યા સુધી રહેશે 



આ એક્સ્પો વિશાળ અર્થમાં લોકોની વિવિધ જીવન શૈલીને આકાર આપવા અને આયુર્વેદ થકી સ્વાસ્થ્યને મજૂબત કરવા અર્થે આયોજિત કરવામાં આવ્યો છે. 



અહીં મુલાકાતીઓને વિનામૂલ્યે સ્વાસ્થ્ય પરીક્ષણ (સમય સવારે ૧૦ થી ૧ અને સાંજે ૪ થી ૭ રહેશે), પ્રકૃતિ પરીક્ષણ અને તદનુસાર જીવનશૈલી અંગેનું માર્ગદર્શન, યોગનું પ્રત્યક્ષ નિદર્શન અને માર્ગદર્શન, આયુર્વેદ અનુસાર પોષણ અને મિલેટસનું માર્ગદર્શન, ઓડિયો-વિડીયો નિદર્શન, સ્વાસ્થ્ય રક્ષણ અને સામાન્ય બીમારીઓના ઘરગથ્થુ ઉપચારો, ઔષધિના રોપાઓનું વિનામૂલ્યે નિદર્શન અને વિતરણ, ઘર આંગણાની ઔષધીઓનો પરિચય તથા તેનો ચિકિત્સાકીય ઉપયોગ, ઋતુ અનુસાર જીવનશૈલી અંગેનું માર્ગદર્શન, વિવિધ આયુર્વેદીય ચિકિત્સા પદ્ધતિ અંગેનું માર્ગદર્શન, વિવિધ ફાર્મસીઓની આયુર્વેદ દવાઓ, આયુર્વેદ ફૂડ ફેસ્ટિવલ અને ખાસ કરીને મિલેટ્સ-જાડા ધાન્ય અંગેનું વિશેષ આકર્ષણ તૈયાર કરવામાં આવ્યુ છે જે મુલાકાતીઓને પુષ્કળ ઉપયોગી સાબિત થશે. અત્રે ઉલ્લેખનીય છે કે અહીં ખાણીપીણીના સ્ટોલ સિવાયની તમામ સુવિધા વિનામૂલ્યે રહેશે. 



દેશના વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીજી દ્વારા મિલેટ્સના ઉપયોગ થકી સ્વાસ્થ્ય ઉત્થાન માટે સંયુક્ત રાષ્ટ્ર સંઘને પ્રસ્તાવ કરવામાં આવ્યો હતો તે સંદર્ભે સંયુક્ત રાષ્ટ્ર સંઘે વર્ષ ૨૦૨૩ને ઇન્ટરનેશલ યર ઓફ મિલેટ્સ જાહેર કર્યું છે અને સમગ્ર વિશ્વમાં હાલ તેની ઉજવણી થઇ રહી છે. 



આયુષ મંત્રાલય, ભારત સરકાર દ્વારા સંચાલિત ઇન્સ્ટિટ્યૂટ ઑફ ટીચિંગ એન્ડ રિસર્ચ ઈન આયુર્વેદ, જામનગર દ્વારા આ બાબતને અનુમોદન આપવા અર્થે "હેલ્થ એન્ડ મિલેટ્સ એક્સ્પો-૨૦૨૩”નું આયોજન કર્યું છે. હેલ્થ એન્ડ મિલેટ્સ એક્સ્પો-2023 એ આયુર્વેદ અને મિલેટ્સ થકી સ્વાસ્થ્ય સક્ષમ કરવાના નવીન દ્રષ્ટિકોણથી અત્યાર સુધીનું સૌપ્રથમ આયોજન થવા જઇ રહ્યું છે. આયુર્વેદ વર્તમાન સમયમાં સ્વાસ્થ્ય સંરક્ષણ અને રોગોના મૂળગામી ઉપચાર માટે મહત્વનો ફાળો આપે છે. સામાન્ય જનતાના હિતને ધ્યાનમાં રાખીને સુરક્ષિત, પ્રભાવી, સરળ, સસ્તા, ઘરગથ્થુ ઉપચારો, આયુર્વેદની વિવિધ ચિકિત્સા પદ્ધતિઓ અંગેનું માર્ગદર્શન તથા ખેડૂતો માટે લાભદાયક નીવડે એ હતુને ધ્યાનમાં રાખીને આ સમગ્ર મેળો આયોજિત કરવામાં આવ્યો છે. 



સામાન્ય રીતે આ એક્સ્પો સર્વે જનતા માટે વિશેષ કરીને ગૃહિણી, વિધાર્થીઓ, યુવાનો, ખેડૂતો, ઔષધિઓની વાવણી કરવા તથા આયુર્વેદ ક્ષેત્રમાં પોતાની કારકીર્દિ ઘવા માટે ઇચ્છુકો, વૈધો અને ફાર્માસીસ્ટ તેમજ આરોગ્ય પ્રત્યે સતત જાગરૂક રહેનાર લોકો માટે લાભકારી સાબિત થશે તેનું આઇ.ટી.આર.એ.ના ડાયરેક્ટર પ્રો. વૈદ અનૂપ ઠાકર ની યાદીમાં જણાવવામાં આવ્યું છે. 



આ એક્સ્પોમાં મિલેટ્સ આધારિત ખાણીપીણીની વૈવિધ્યસભર વાનગીઓને આકાર આપવામાં આવ્યો છે. 



મિલેટ્સ-જાડા ધાન્યના ઉપયોગથી સ્વાસ્થ્યને વધુ મજબૂત કરી શકાય છે તેને કેન્દ્રવર્તી બનાવી આઇ.ટી.આર.એ.ના ફાર્મસી કોલેજના વિધાર્થી દ્વારા પ્રાથમિક તબ્બકે કુલ ૫૦૦ જેટલી વાનગીઓની યાદી તૈયાર કરવામાં આવી હતી જેમાંથી ૨૦૦ જેટલી વાનગી છણાવટ કરી તેને લાઈવ તૈયાર કરવામાં આવી હતી બાદમાં તેમાંથી ૮૬ વાનગીને પસંદ કરી મુલાકતીઓને ઉપલબ્ધ બને તે હેતુ માટે તૈયાર કરવામાં આવી છે. ઉપરાંત ૮૦ જેટલી પેકેટ ફૂડ આઇટમ પણ મિલેટ્સ આધારિત બનાવી લોકોના સ્વાદ અને સ્વાસ્થ્ય સંગમ માટે વાનગીઓ બનાવવામાં આવી છે. 



આ તમામ વાનગીઓમાં આયુર્વેદ અને મિલેટ્સના ગુણોને જોવામાં આવ્યા છે. 



આ વાનગીઓમાં મિલેટ્સ આધારિત સૂપ, સ્ટાર્ટર, મેઇનકોર્ષ, સ્નેક્સ, સ્વીટ્સ, ડેઝર્ટ, હોટ-કોલ્ડ ડ્રિંક્સ અને આઈસ્ક્રીમ જેવી કેટેગરીમાં તૈયાર કરવામાં આવી છે. 


વિવિધ વાનગીઓમાં રાગી પાપડી ચાટ, મિલેટ્સ દહીંવડા, રાગી-જુવાર-બાજરા ખીચું, મિલેટ્સના ચિલ્લા, મિલેટ્સ પેન કેક, જૂવારના પીઝા, મલ્ટી મિલેટ્સ થેપલા, મિલેટ્સ નાચોઝ, મિલેટ્સની વિવિધ ખીચડી, સરગમના જાંબુ, મિલેટ્સ લાડુ, મિલેટ્સ ફાલુદા, મિલેટ્સ રખડી, મિલેટ્સના વિવિધ ડ્રિંક્સ અને સ્મૂધીઝ, ઉષીરાદી પાનક, અમૃત પાનક, ફેનુગ્રીક કોફી, કલિંગમ અદ્રક મોજીતો, સત્તુ સરબત, કોરિએન્ડર કોકટેલ, મેધ્ય મિલક શેક, કો-રા ડ્રિન્ક, ઠંડાઈ, રાગી- બનાના સ્મૂધીઝ, કોકમ પાનક, વૃક્ષામ્લ પાનક, લેમન વરિયાળી શિજી, સ્કિન ગ્લો શોટ્સ, મસાલા પફ, મોમોસ, આયુ પિઝા, રાગી ઇડલી, મિલેટ્સ પૂડલા, મિલેટ્સ થાળી, ભેળ, મિલેટ્સ ઉત્તપમ, મિલેટ્સ પાણીપૂરી, મિલેટ્સ ટિક્કી, મોરિંગા સૂપ, કોદર્દી ખીચડી, પ્રોટીન ચા, મિલેટ્સ આધારિત ગરમ અને ઠંડી ચા-કોફી, અને મિલેટ્સનો આઇસ્ક્રીમ પણ વિદ્યાર્થીઓ દ્વારા પૌરાણિક સંદર્ભો અને આધુનિક પાકશાસ્ત્રનું સંયોજન કરી બનાવવામાં આવ્યા છે. 



વધુમાં પેકેટ ફૂડ આઇટમ્સમાં ખાખરા, બિસ્કિટ, કૂકીઝ, બરફી, ફરસાણ સહિતની ૮૦ સ્વાદિષ્ટ અને સ્વાસ્થ્યસભર વાનગીને આકાર આપવામાં આવ્યો છે. અત્રે ઉલ્લેખનીય છે કે સૌપ્રથમ વખત આ પ્રકારનો હેલ્થ એન્ડ મિલેટ્સ એક્સ્પો થવા જય રહ્યો છે ત્યારે વાનગી પ્રત્યે દીવાનગી' ધરાવનારા લોકો માટે તથા સ્વાસ્થ્ય પ્રત્યે જાગૃતલોકો માટે અભૂતપૂર્વ લ્હાવો મળી રહેશે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application