અમિનમાર્ગ પહોળો કરવાના નામે પેટ્રોલપંપનો ખેલ પાડી દેવાયો

  • November 10, 2023 02:47 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


રાજકોટ મહાપાલિકાના વેસ્ટ ઝોનના વોર્ડ નં.8માં અમિન માર્ગ ઉપર લાઇન ઓફ પબ્લિક સ્ટ્રીટ લાગુ કરી અમિન માર્ગને સાગર જેવો પહોળો કરવાની દરખાસ્ત સર્વાનુમતે મંજુર કરાયા બાદ રસ્તો પહોળો કરવાને બદલે એકાએક નીતિ બદલી ફાઇલ અભેરાઇએ ચડાવી દેવા પાછળનું અસલી કારણ હવે બહાર આવી રહ્યું છે. ભાજપ્ના એક ભારદાર નેતાના ભાગીદાર બીજા જીલ્લા કક્ષાના મોટા નેતાને પેટ્રોલ પંપ બનાવવાની મંજુરી મળી જાય તે માટે આ અખો કારસો ગોઠવવામાં આવ્યો હતો. અમિન માર્ગની જૂની પહોળાઈ મુજબ પેટ્રોલ પંપ મંજુર જ ન થાય એટલે તેને કાગળ પર પહોળો દેખાડી દેવાનું તરકટ ત્યાના વેપારીઓ માટે નુકસાનકારક સાબિત થાય તેમ છે. દરેક મિલ્કતધારકને કપાતની નોટિસની બજવણી પણ બાકી છે ત્યાં વગદાર નેતાએ નિર્ભયપણે પેટ્રોલ પમ્પનો પ્રોજેક્ટ આગળ ધપાવ્યો હોવાનું જાણવા મળે છે!

પોશ રહેણાંક વિસ્તાર અમિન માર્ગ ઉપર ટ્રાફિક સમસ્યા નહિવત છે અને તેનો સ્પષ્ટ પુરાવો એ છે કે જનકલ્યાણ સોસાયટીના રેલવે ફાટકથી શરૂ થતાં અને 150 ફૂટ રિંગ રોડને ટચ થતા અંદાજે ચાર કિલોમીટર લંબાઇના અમિનમાર્ગ ઉપર એક પણ ટ્રાફિક સિગ્નલ નથી. ક્યારેક સાંજના સમયે તેમજ વારે તહેવારે ટ્રાફિક વધે એટલું જ, બાકી અહીં કોઇ ગંભીર ટ્રાફિક સમસ્યા નથી. અમિનમાર્ગ ઉપર ફક્ત બે-ત્રણ સ્પીડ બ્રેકર્સ છે તે પણ ઉપરોક્ત વગદાર નેતાના આગ્રહવશ મુકાયાની ચર્ચા છે. અમિનમાર્ગ પહોળો કરવા માટે રહીશો તરફથી કોઇ પણ પ્રકારની રજુઆત, સુચન, ફરિયાદ કે માંગણી ક્યારેય ન હતી તેમ છતાં ભલામણના ભારથી મહાપાલિકાએ એકાએક પ્રક્રિયા શરૂ કરી અને એકાએક બંધ કરતા લોકમાનસમાં અનેક સવાલો ઉઠવા પામ્યા હતા.

મહાપાલિકાની ટાઉન પ્લાનિંગ બ્રાન્ચના સુત્રોના જણાવ્યા મુજબ અમિનમાર્ગ પહોળો કરવા માટે ઠરાવ થઇ ગયાને ઘણો સમય વિતી ગયો છે, અલબત્ત અસરકર્તા દરેક મિલકતધારકને હજુ કપાતની નોટિસો અપાઇ નથી. હાલ 15 મીટર પહોળાઇના અમિનમાર્ગ ઉપર બન્ને બાજુએ દોઢ-દોઢ મીટર ( અંદાજે પાંચ-પાંચ ફૂટ) જેટલી લાઈન ઓફ પબ્લિક સ્ટ્રીટ મુકવામાં આવી છે. લાઇન ઓફ પબ્લિક સ્ટ્રીટ અમલી થયેથી અમિન માર્ગ 18 મીટર પહોળાઇનો બનશે તેમ ટીપી બ્રાન્ચના સૂત્રોએ ઉમેર્યું હતું.

અમિનમાર્ગ પહોળો કરવા દરખાસ્ત કરાઇ, દરખાસ્ત સવર્નિુમતે મંજુર કરાઇ, લાઇન ઓફ પબ્લિક સ્ટ્રીટ હેઠળની કપાત માટેનો સર્વે, માપણી અને ડિમાર્કેશન જેવી પ્રક્રિયાઓ પૂર્ણ થયા બાદ અમિનમાર્ગ ઉપર ન કપાત થઇ કે ન રસ્તો પહોળો થયો. આવું કેમ થયું ? તે સવાલના જવાબમાં મહાપાલિકાના અધિકારીઓ અને ઇજનેરો એવું જણાવી રહ્યા છે કે હાલમાં ડિમોલિશન કરી રસ્તો પહોળો કરવાનો નથી પરંતુ જ્યારે નવા બિલ્ડીંગ પ્લાન મુકાય ત્યારે લાઈન ઓફ પબ્લિક સ્ટ્રીટની અમલવારી થશે.

બજારના વર્તુળોમાં તો એવી ચચર્િ છે કે અહીં નીતિ નિપુણ નેતાનો પેટ્રોલ પમ્પ મંજુર થાય તે માટે જ આ સમગ્ર કવાયત કરવામાં આવી હતી ! જો આવી કવાયત કરી રસ્તો પહોળો કરાય તો જ નોર્મ્સ મુજબ પેટ્રોલ પમ્પ્ને મંજુરી મળે તેમ હોય ભલામણના ભારથી વિકાસના દ્વાર ખોલવામાં આવ્યા હતા!

અત્રે ઉલ્લેખનીય છે કે રાજકોટ મહાપાલિકાના વોર્ડ નં.8માં ફક્ત બે જ મુખ્ય માર્ગ છે કાલાવડ રોડ અને અમિનમાર્ગ. કાલાવડ રોડ ઉપર મહિલા કોલેજ અન્ડર બ્રિજ ચોકથી કોસ્મોપ્લેક્સ સિનેમા સુધીના અંદાજે સાત કિલોમીટરના વિસ્તારમાં પાંચ પેટ્રોલ પમ્પ છે, જ્યારે કાલાવડ રોડને સમાંતર ચાર કિલોમીટર લંબાઇના અમિન માર્ગ ઉપર ગંગા હોલ ચોકમાં ફક્ત એક જ પેટ્રોલ પમ્પ છે. આથી અમિન માર્ગ ઉપર પેટ્રોલ પમ્પ શરૂ કરાઇ તો ધંધો સારો ચાલે અને બેઠી આવક થાય તેવા વિઝન સાથે નેતાની દાઢ ડળકી હોવાનું બજારના જાણકાર વર્તુળોમાં કાનોકાન ચર્ચા થઇ રહી છે.


લોકવિરોધનું બહાનું આગળ ધરી અમિન માર્ગ પહોળો કરવાનું માંડી વાળ્યું
અમિન માર્ગ પહોળો કરાશે તેવું જાહેર કરીને જાણે મોટો વિકાસ કરવા માટે મોટો નિર્ણય કર્યો હોય તેવી જાહેરાતો પોતે પડદા પાછળ રહીને અન્યો પાસે કરાવી હતી, દરમિયાન સ્વાભાવિક રીતે જ જેમની મિલકતો કપાતમાં જતી હોય તે મિલ્કતધારકોમાંથી વિરોધ વંટોળ ઉઠે. આવો વિરોધ વંટોળ ઉઠ્યા બાદ લોકવિરોધનું બહાનું આગળ ધરી કપાત અને ડિમોલિશન હમણાં નહીં કરાય તેવું જાહેર કર્યું. જ્યારે કોઇ નવું બિલ્ડીંગ બને ત્યારે એલઓપી લાગુ પડશે માટે કોઈએ ચિંતા કરવાની જરૂર નથી તેવું જાહેર કરીને પ્રકરણનું ફિંડલું વાળી દેવામાં આવ્યું. આ મામલામાં લોકો એવું સમજ્યા કે તેમના રજુઆત ગ્રાહ્ય રહી માટે વાત સમાપ્ત થઇ ગઇ પરંતુ ખરેખર નીતિ નિપુણ નેતાએ સૌને ભુ પીવડાવી પોતાની પત રાખી પોતાનો પેટ્રોલ પમ્પ પ્રોજેક્ટ પાર પડી જાય તેટલી વ્યવસ્થા કરી લીધી માટે આ પ્રકરણને શાંત કરી દેવામાં આવ્યું.


પેટ્રોલ પમ્પમાં તો વધુ માર્જિન મુકવાનું જ હોય
અમીનમાર્ગ ઉપર એલઓપી મુકવાથી રસ્તો પહોળો થશે તેનું નુકસાન અન્ય મિલ્કત ધારકોને થશે તેમની મિલકતો કપાતમાં જશે, જ્યારે નીતિ નિપુણ નેતાએ બધાને ભુ પીવડાવી પોતાની પત રાખી લીધી છે ! સામાન્ય રીતે પેટ્રોલ પમ્પમાં ખુબ ઓછું બાંધકામ કરવાનું હોય છે અને વાહનોની સતત અવર જવર રહે તેથી માર્જિન પાર્કિંગ વધુ મુકવાનું હોય છે. દરેક પેટ્રોલ પમ્પમાં આગળના ભાગે વિશાળ ખુલી જગ્યા મુકવામાં આવતી જ હોય છે. મતલબ કે એલ.ઓ.પી.ના કારણે વધુ માર્જિન મુકવાનું થાય તો નીતિ નિપુણ નેતાના પેટ્રોલ પમ્પ પ્રોજેકટને કોઇ નુકસાન થાય તેમ નથી પરંતુ ઉલટું તેમના પ્રોજેકટના નોર્મ્સ પરિપૂર્ણ કરવામાં તો આ બાબત ઉપયોગી થાય! અન્ય મિલકત ધારકોને લાઇન ઓફ પબ્લિક સ્ટ્રીટ મુકવાના કારણે આજે નહીં તો કાલે ભવિષ્યમાં કપાતનો સામનો કરવા તૈયાર રહેવું જ પડશે તે નક્કી છે !



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application