જામનગરમાં શૌર્ય જાગરણ યાત્રાનું જનમેદની દ્વારા અદકેરું સ્વાગત, મયુર ટાઉનશિપમાં અકડેઠ્ઠ મેદની વચ્ચે શૌર્ય રાસ સહિતના કાર્યક્રમો

  • October 04, 2023 10:41 AM 

શૌર્ય જાગરણ યાત્રામાં મેયર સહિતના મહાનુભાવો જોડાયા : ઠેર-ઠેર રંગોળી, શેરી મહોલ્લા શણગારાયા : ખ્યાતિપ્રાપ્ત શ્રી રાજ શક્તિ રાસ મંડળે હકડેઠઠ મેદની વચ્ચે શૌર્ય રાસની રમઝટ : ધર્મપ્રેમી લોકો સ્વયંભૂ યાત્રામાં જોડાયા : ક્રાંતિવીર શ્યામજી કૃષ્ણવર્માની પ્રતિમાને જન્મદિવસે પુષ્પાંજલિ અર્પણ કરી શૌર્ય જાગરણ યાત્રાનું નગરભ્રમણ


જામનગરમાં વિશ્વ હિન્દુ પરિષદ બજરંગ દળની શૌર્ય જાગરણ યાત્રા મંગળવારે વિભાપર, નાગેશ્વર, ભોઈવાડા, હવાઈચોક, કિશાન ચોક, સાધના કોલોની, પટેલ પાર્ક, ઈવા પાર્ક, યુવા પાર્ક, રણજીત સાગર રોડ થઈ રાત્રે મયુર ટાઉનશિપ ખાતે પહોંચી હતી. જ્યાં ધાર્મિક સાંસ્કૃતિક કાર્યક્રમ યોજવામાં આવ્યા હતા. જેમાં મોટી સંખ્યામાં સ્થાનિકો અને ધર્મપ્રેમીઓ ઉમટી પડ્યા હતા.


જામનગર શહેરમાં મંગળવારે વિશ્વ હિન્દુ પરિષદ બજરંગ દળની શૌર્ય જાગરણ યાત્રા ગુલાબ નગર થી પ્રવેશ કરી સમગ્ર જામનગરમાં ફરવાની શરૂઆત કરી હતી જે બપોર બાદ રણજીતસાગર રોડ ઉપર સાધના અને પટેલ પાર્ક વિસ્તારમાં પહોંચી હતી જ્યાં જામનગરના મેયર વિનોદભાઈ ખીમસુરીયા, સ્થાનિક કોર્પોરેટર પાર્થભાઈ કોટડીયા, ભારતીબેન ભંડેરી, ગીતાબા જાડેજા સહિતના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા અને પટેલ પાર્ક વિસ્તારમાં રંગોળી સાથે શોભાયાત્રા નું રાસ ગરબા લઈ મહિલાઓએ સ્વાગત કર્યું હતું.


જામનગરના વિવિધ વિસ્તારોમાં ફરી મોડી સાંજે શૌર્ય જાગરણ યાત્રા મયુર ટાઉનશિપ ખાતે પહોંચી હતી જ્યાં કુમારીકા દ્વારા સ્થાનિકો સાથે સામૈયા કરવામાં આવ્યા હતા અને મહા આરતી પણ કરવામાં આવી હતી. મયુર ટાઉનશિપમાં મોડી રાત્રે વિશ્વ ખ્યાતિ પ્રાપ્ત શ્રી રાજશક્તિ રાસ મંડળ ના વનરાજસિંહ ગોહિલ ની ટીમ દ્વારા શૌર્યને ઉજાગર કરતા તલવાર રાસ, મણિયારા રાસ અને વિસરાતી સંસ્કૃતિની ઝાંખી કરાવતા અઠંગા રાસની રમઝટ રજૂ કરવામાં આવી હતી. જેને નિહાળવા હકડેઠઠ મેદની વચ્ચે સ્થાનિક અગ્રણીઓ પણ ઉપસ્થિત રહ્યા હતા અને વિશ્વ હિન્દુ પરિષદ બજરંગ દળના અગ્રણીઓનું આ પ્રસંગે સ્થાનિકો દ્વારા સ્વાગત અને સન્માન પણ કરવામાં આવ્યું હતું.


જામનગર શહેરમાં પ્રવેશેલ વિશ્વ હિન્દુ પરિષદ બજરંગ દળ ની શૌર્ય જાગરણ યાત્રા આજે બુધવારે સવારે ભારતની આઝાદીમાં મોટો ફાળો આપનાર મહાન ક્રાંતિવીર શ્યામજી કૃષ્ણવર્મા ની પ્રતિમાને તેમના જન્મદિવસ નિમિત્તે બજરંગ દળના સૌરાષ્ટ્ર પ્રાંત સંયોજક રવિરાજસિંહ જાડેજા, વિશ્વ હિન્દુ પરિષદ જામનગર વિભાગના અધ્યક્ષ ભરતભાઈ ડાંગરિયા, ઉપાધ્યક્ષ સુબ્રમણ્યમ પિલે, પ્રચાર પ્રસાર સંયોજક કિંજલભાઈ કારસરીયા, બજરંગ દળ સહસંયોજક ભૈરવભાઈ ચાંદ્રા, વિશ્વ હિન્દુ પરિષદ મહિલા વિભાગના પ્રાંત સહસંયોજિકા હીનાબેન અગ્રાવત, સ્વરૂપબા હેમંતસિંહ જાડેજા, સૌરાષ્ટ્ર પ્રાંતના ધર્મચાર્ય સંપર્ક સંયોજક કનુભા ગોહિલ સહિતના અગ્રણીઓએ પુષ્પાંજલિ અર્પણ કરી હતી. અને ત્યાંથી જય શ્રી રામના નારા સાથે શૌર્ય જાગરણ યાત્રા આંબેડકર પ્રખંડના વિસ્તારોમાં નીકળી છે. બપોર બાદ આ યાત્રા ગોકુલ નગર અને સત્યમ કોલોની, એમ્યુઝમેન્ટ પાર્ક, કૃષ્ણનગર વિસ્તારમાં ફરી સાંજે શંકર ટેકરી વલ્લભ નગર ખાતે પહોંચશે જ્યાં વિશ્વ ખ્યાતિ મેળવેલ સંસ્થાના યુવાનો દ્વારા વિવિધ ઝાંખીઓ અને સાંસ્કૃતિક કાર્યક્રમમાં રજૂ કરવામાં આવશે. આ કાર્યક્રમ માણવા અને શોર્ય જાગરણ યાત્રા માં ઉપસ્થિત રહેવા ધર્મ પ્રેમીઓને ખાસ અનુરોધ કરાયો છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application