જામનગરમાં દેશી-વિદેશી દારુની હેરાફેરી : મહિલા સહિત ૧૦ની અટક

  • December 11, 2023 11:01 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

ખોડીયાર કોલોનીમાં મહિલાના મકાન સહિત ૮ સ્થળે દરોડા : કાર, ચપટા, બોટલ, દેશી દારુ સહિત લાખોનો મુદામાલ કબ્જે

જામનગર શહેર અને આજુબાજુના વિસ્તારોમાં દેશી-વિદેશી દારુની હેરાફેરી કરવામાં આવી રહી છે એવી બાતમીના આધારે પોલીસે જુદા જુદા ૮ સ્થળે દરોડા પાડી દેશી, વિદેશી દારુ તથા કાર મળી લાખોનો મુદામાલ કબ્જે કરી મહિલા સહિત ૧૦ની અટકાયત કરવામાં આવી છે. ખોડીયાર કોલોની, શંકરટેકરી, દરેડ રોડ, ચંગા, સાંઢીયાપુલ, રણજીતનગર અને દિ.પ્લોટ ૪૯ રોડ પર પોલીસ ત્રાટકી હતી.
જામનગરના સીટી સી. ડિવિઝનના પોલીસ સ્ટાફને ચોક્કસ બાતમી મળી હતી કે જામનગરમાં ખોડીયાર કોલોની રાજ ચેમ્બરના બ્લોક નંબર એ-૮માં રહેતી રીટાબેન હિતેન્દ્રસિંહ જાડેજા નામની મહિલા પોતાના રહેણાક મકાનમાં ઈંગ્લીશ દારૂની બાટલી નો જથ્થો સંતાડ્યો છે, અને તેનું ખાનગીમાં વેચાણ કરી રહી છે.
 જે બાતમીના આધારે સીટી-સી ડિવિઝન પોલીસે દરોડો પાડયો હતો. જે દરોડા દરમિયાન ઉપરોક્ત મહિલા ના રહેણાંક મકાનમાંથી ૪ નંગ ચપટા ઈંગ્લીશ દારુની બાટલીઓ મળી આવી હતી. જેથી પોલીસની ટીમે દારુની બાટલીનો જથ્થો કબજે કરી લીધો છે, આ અંગે મહિલા રીટાબેન જીતેન્દ્રસિંહ જાડેજા સામે દારૂબંધી ભંગ અંગે ગુનો નોંધ્યો છે.
બીજા દરોડામાં ચંગા નદીના સામા કાંઠે પંચ-બી પોલીસે સ્વીફટ કાર નં. જીજે૧૦ડીએ-૬૩૭૫માંથી દેશી દારુ ૭૫૦ લીટર અને કાર મળી કુલ ૩.૧૫ લાખનો મુદામાલ કબ્જે કર્યો હતો, રેઇડ દરમ્યાન સ્વીફટનો ચાલક નાશી છુટતા તેની શોધખોળ ચલાવવામાં આવી છે, આ ઉપરાંત જામનગરના સમર્પણ સર્કલની બાજુમાં રહેતા રાહુલ શામજી ચાવડા, લાલાવડી આવાસ બ્લોક કે-૧૦૭માં રહેતા કેતન કાંતી તાવડીવાલા અને જામનગરના નાજલો અને જાબર નામના શખ્સો પોતાની ભોગવટાની બ્રેઝા કાર નં. જીજે૨૫એએ-૯૧૨૫માં દેશી દારુની હેરાફેરી કરે છે એવી બાતમીના આધારે પંચ-બી પોલીસે તા. ૯ના રોજ દરેડથી લાલપુર જતા રોડ પર દરોડો પાડીને ૭૫૦ લીટર દેશી દારુ અને બ્રેઝા કાર મળી કુલ ૫.૧૫ લાખના મુદામાલ સાથે રેઇડ દરમ્યાન પકડી લીધા હતા.
જયારે સાંઢીયા પુલ પાસે મહાલક્ષ્મી બંગલોઝ શેરી નં. ૨માં રહેતા આશિષ રતીલાલ સોરઠીયાને ઇંગ્લીશ દારુ સાથે પુલ પાસેના રોડ પરથી પકડી લેવાયો હતો જેમાં દી.પ્લોટ ૪૯ રોડ ખાતે રહેતા યશ ભાનુશાળાીનું નામ ખુલ્યુ હતું. તેમજ શંકરટેકરી પાણીના ટાંકા પાસે રહેતા રફીક ઇસ્માઇલ ખફીને ઇંગ્લીશ દારુની એક બોટલ સાથે પ્રણામી સ્કુલ રોડ પરથી દબોચી લીધો હતો જેમાં સિઘ્ધાર્થ કોલોની શેરી નં. ૩માં રહેતા જીતેન્દ્ર ઉર્ફે પિન્ટુ બાઠીયો દેવજી પરમારનું નામ ખુલ્યુ હતું.
આ ઉપરાંત દિ.પ્લોટ ૪૯ રોડ ખાતે રહેતા યશ મહેન્દ્ર મંગેને ઇંગ્લીશ દારુના ૬ ચપટા અને મોબાઇલ મળી કુલ ૧૧૨૦૦ના મુદામાલ સાથે આ વિસ્તારમાંથી પકડી લેવાયો હતો. તેમજ બેડ ગામમાં રહેતા દિપક જયેન્દ્ર પીઠડીયાને ઇંગ્લીશ દારુની ૩ બોટલ સાથે રહેણાંક ખાતેથી દબોચી લીધો હતો.
અન્ય દરોડામાં જામનગરના શંકરટેકરી સિઘ્ધાર્થ કોલોની શેરી નં. ૨૩માં રહેતા જીતેન્દ્ર ઉર્ફે પિન્ટુ બાઠીયો દેવજી પરમાર (ઉ.વ.૩૨) નામના શખ્સે પોતાના ભોગવટાના મકાનમાં અલગ અલગ બ્રાન્ડનો ઇંગ્લીશ દારુ રાખ્યો છે જે બાતમીના આધારે સીટી-સી પોલીસે દરોડો પાડી શરાબની ૫ બોટલ સાથે દબોચી લીધો હતો.
***
દ્વારકામાં વિદેશી દારૂ સહિત કુલ રૂ. ૫.૯૨ લાખના મુદ્દામાલ સાથે બે શખ્સો ઝડપાયા: બુટલેગરની શોધખોળ
દ્વારકામાં નરસંગ ટેકરી વિસ્તારમાં રહેતા પ્રવીણ ઉર્ફે પવલો કારૂભાઈ સુમણીયા નામના ૩૩ વર્ષના હિન્દુ વાઘેર શખ્સ ઉપરાંત પ્રકાશ ઉર્ફે પરેશ સુમરાભા કેર (ઉ.વ. ૨૫) ને પોલીસે રૂપિયા ૪૭,૬૦૦ ની કિંમતની ૧૧૯ બોટલ વિદેશી દારૂ તથા રૂપિયા ત્રણ લાખની કિંમતની સ્વીફ્ટ કાર અને રૂપિયા બે લાખની કિંમતની ઇક્કો મોટરકાર ઉપરાંત રૂ. ૪૫,૦૦૦ ની કિંમતના બે નંગ મોબાઈલ ફોન મળી કુલ રૂપિયા ૫,૯૨,૬૦૦ ના મુદ્દામાલ સાથે ઝડપી લીધા હતા.
આ પ્રકરણમાં ચોક્કસ મોબાઈલ નંબર ધરાવતા જામનગર રહેતા રવિ ગોરી ઉર્ફે જાબલી નામના શખ્સ પાસેથી આરોપીએ વિદેશી દારૂ મંગાવ્યો હોવાનું તેમજ અન્ય આરોપી ડાડુભા જસરાજભા વાઘા (રહે. ધ્રાસણવેલ, તા. દ્વારકા) તેઓને દારૂની ડીલેવરી આપી ગયો હોવાનું ખુલવા પામ્યું છે. જેથી પોલીસે રવિ ગોરી તેમજ ડાડુભા જશરાજભાને ઝડપી લેવા માટેના ચક્રો ગતિમાન કર્યા છે. દ્વારકા પોલીસે પ્રોહીબીશન એક્ટ મુજબ ગુનો નોંધી, આગળની તપાસ એલસીબી પોલીસ ચલાવી રહી છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application