દ્વારકામાં તરુણી સાથેની મિત્રતા સંદર્ભે યુવાન પર કરાયેલા હુમલાનો બનાવ હત્યામાં પલટાયો

  • November 06, 2023 01:20 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

ઇજાગ્રસ્ત યુવાનનું રાજકોટની ખાનગી હોસ્પિટલમાં મોત : આરોપી હાથવેંતમાં

દ્વારકામાં રહેતા ૨૨ વર્ષના એક યુવાન દ્વારા તરુણી સાથે મિત્રતા કેળવવાનો ખાર રાખી અને તેના પર સ્થાનિક રહીશ જેસલ ગઢવી નામના શખ્સ દ્વારા કરવામાં આવેલા હુમલાના કારણે ગંભીર રીતે ઇજાગ્રસ્ત યુવાનનું રાજકોટની હોસ્પિટલમાં મૃત્યુ નીપજતા આ બનાવ હવે હત્યામાં પલટાયો છે.
આ સમગ્ર પ્રકરણની વિગત મુજબ દ્વારકામાં રહેતા હાર્દિક ગોવિંદભાઈ બારીયા નામના આશરે ૨૨ વર્ષના અનુસૂચિત જાતિના યુવાનને આ વિસ્તારમાં રહેતી એક તરુણી સાથે મિત્રતા હોવાથી આના અનુસંધાને તેણીના પરિવારના જેસલ ગઢવી નામના શખ્સ દ્વારા ગત તારીખ ૩૦ ના રોજ દ્વારકાના ટીવી સ્ટેશન વિસ્તારમાં હુમલો કરાતા આ યુવાનને ગંભીર ઇજાઓ સાથે દ્વારકા બાદ જામનગરની ખાનગી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો. જ્યાં તેની પરિસ્થિતિ નાજુક જણાતા વધુ સારવાર અર્થે રાજકોટની ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવેલ. જ્યાં ગઈકાલે રવિવારે સવારે સાત વાગ્યે હાર્દિકે અંતિમ શ્વાસ લીધા હતા.
આ બનાવ બનતા યુવાનના માતા નર્મદાબેન શામજીભાઈ વાલજીભાઈ જેઠવા (ઉ.વ. ૪૪) દ્વારા જેસલ ગઢવી સામે જીવલેણ હુમલો કરવા તેમજ એટ્રોસિટી એક્ટ હેઠળ ધોરણસર ફરિયાદ નોંધાવી હતી. જે સંદર્ભેની આગળની તપાસ એસ.સી એસ.ટી. સેલના ડી.વાય.એસ.પી. સમીર સારડાએ હાથ ધરી હતી.
ગઈકાલે ગંભીર રીતે ઈજાગ્રસ્ત હાર્દિકનું મૃત્યુ નીપજતા આરોપી સામે હત્યાની કલમનો ઉમેરો પણ કરવામાં આવ્યો છે. ત્યારે પોલીસે આરોપીની શોધખોળ હાથ ધરતા આરોપી જેસલ ગઢવી હાથ વેંતમાં હોવાનું પણ જાણવા મળેલ છે.
આશાસ્પદ યુવાનનું મૃત્યુ નીપજતા રવિવારે દ્વારકાનો વાલ્મિકી સમાજ એકત્ર થયો હતો અને આ સમગ્ર પ્રકરણની ન્યાયિક તપાસ તેમજ મૃતકના માતાને યોગ્ય ન્યાય મળે સાથે સાથે આરોપીને પણ સજા થાય તેવી માંગ સાથે પોલીસ સમક્ષ રજૂઆત કરતા તપાસ ડીવાયએસપી સમીર સારડા દ્વારા મૃતકના પરિવારજનો તેમજ એકત્ર થયેલા વાલ્મિકી સમાજના લોકોને તપાસની વર્તમાન પરિસ્થિતિ અંગે વાકેફ કરી અને પૂરતા ન્યાય તેમજ ન્યાયિક તપાસની ખાતરી આપી હતી. આ બનાવે દ્વારકા પંથકમાં સારી એવી ચર્ચા જગાવી છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application