આરંભડામાં ખેતીની જમીન પચાવી પાડવા પરિવારજનો દ્વારા હુમલો કરીને ચલાવાતી લૂંટ

  • October 05, 2023 11:21 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

મારી નાખવાની ધમકી સબબ ત્રણ સામે ગુનો



ઓખા મંડળના મીઠાપુર તાબેના આરંભડા ગામે રહેતા અને ખેત વ્યવસાય સાથે સંકળાયેલા રવિ બુધાભાઈ ઉર્ફે ભુટાભાઈ નાંગેશ નામના 22 વર્ષના રબારી યુવાનના પરિવારના કબજામાં રહેલું ખેતર પચાવી પાડવા માટેનો સામાન ઇરાદો પાર પાડવા અને આ અંગેનું પૂર્વયોજિત કાવતરું તેમના કૌટુંબિક એવા ત્રણ શખ્સો દ્વારા ઘડવામાં આવ્યું હતું.


આ પ્રકરણમાં આ જ વિસ્તારમાં રહેતા આરોપી આલાભાઈ રત્નાભાઈ નાંગેશ (ઉ.વ. 61), મુરાભાઈ રત્નાભાઈ નાંગેશ (ઉ.વ. 59) તથા ભરત આલાભાઈ નાંગેશ (ઉ.વ. 24) નામના ત્રણ શખ્સો ફરિયાદી રવિ નાંગેશના ખેતરમાં ગેરકાયદેસર રીતે ધસી આવ્યા હતા. અહીં ખેતરમાં વાવવામાં આવેલી જુવાર આરોપી શખ્સોએ દાતરડા તથા હાથથી ઉપાડીને ફેંકી દીધી હતી. એટલું જ નહીં, આ ખેતરમાં રહેલી ફરિયાદી પરિવારની ઝૂંપડીને પણ તોડી ફોડીને તેમાં પણ વ્યાપક નુકસાની સર્જી હતી. આ રીતે ભેલાણ કરતા આરોપીઓને આમ કરવાની રવીએ ના કહેતા આરોપીઓએ બિભત્સ ગાળો કાઢી, જાનથી મારી નાખવાની ધમકી આપીને લાકડીનો ઘા ફટકારીને ઇજાઓ પહોંચાડી હતી.


આ ઘરમાં રહેલા રૂપિયા 1,000 ની કિંમતનો ખાટલાની બળજબરીપૂર્વક લૂંટ ચલાવી, તેઓના છોટા હાથી વાહનમાં લઈ અને લૂંટી ગયા હોવાનું પણ વધુમાં જાહેર થયું છે. જતા જતા આરોપીઓએ ફરિયાદી રવિભાઈ જો ખેતર ખાલી નહીં કરે તો તેમના આખા પરિવારને જાનથી મારી નાખવાની ધમકી પણ ઉચ્ચારી હોવાનું વધુમાં જાહેર થયું છે.

આ સમગ્ર બનાવ અંગે મીઠાપુર પોલીસે તમામ ત્રણ શખ્સો સામે આઈપીસી કલમ 394, 120 (બી), 427, 447, 323, 504, 506 (2), 114, 34 તથા જી.પી. એક્ટની કલમ હેઠળ ગુનો નોંધી, આરોપીઓ ની અટકાયત કરી લેવામાં આવી છે. આ પ્રકરણમાં આગળની તપાસ ઇન્ચાર્જ પી.આઈ. એમ.ડી. મકવાણા ચલાવી રહ્યા છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application