જામ-કલ્યાણપુર પંથકમાંથી ગેરકાયદે ખનીજ ખનન પકડાયું

  • June 08, 2023 12:19 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

લીઝધારક સહિત પાંચ સામે ગુનો : આરોપીઓની અટકાયત: એલસીબી  દ્વારા તપાસનો ધમધમાટ

ખનીજ ચોરી માટે કુખ્યાત બનેલા કલ્યાણપુર પંથકમાં અનધિકૃત રીતે બોકસાઈટ ચોરી, લીઝધારક, ખાનગી જગ્યાના માલિક, સંચાલક તેમજ વાહન ચાલક મળી કુલ પાંચ શખ્સો સામે છેતરપિંડી સહિતની જુદી-જુદી કલમ મુજબ પોલીસ ફરિયાદ નોંધાઈ છે.
દેવભૂમિ દ્વારકા જિલ્લાના ખનીજથી સમૃદ્ધ કલ્યાણપુર પંથકમાં તંત્ર દ્વારા કરવામાં આવેલી કાર્યવાહી અંતર્ગત કલ્યાણપુરથી આશરે ૪૦ કિલોમીટર દુર વીરપર ગામ ખાતેથી ગત તારીખ ૩ મેના રોજ ખાનગી જમીનમાંથી બોકસાઈટ ભરીને વહન કરતા વાહન ઝડપાયા હતા. જે સંદર્ભે ખાણ ખનીજ વિભાગે હરકતમાં આવી, વિવિધ દિશાઓમાં તપાસ કરી હતી.
આ પ્રકરણમાં ગેરકાયદેસર રીતે ખનીજ ખનન ખુલતા આ અંગે દેવભૂમિ દ્વારકા જિલ્લાના ભૂસ્તર વિજ્ઞાન અને ખનીજ ખાતાના રોયલ્ટી ઇન્સ્પેક્ટર અંકુરભાઈ જે. ભાદરકા દ્વારા કલ્યાણપુર પોલીસ મથકમાં નોંધાવેલી ફરિયાદ મુજબ કલ્યાણપુર તાલુકાના વીરપર ગામે આવેલા રમણીક મૂળજીભાઈ થાનકી લીઝધારક તથા સંચાલનકર્તા ભાવેશ પીઠાભાઈ કાંબરીયા (રહે. વીરપર) દ્વારા પોતાની મંજૂરી-કરારખત થયેલી લીઝનો બોક્સાઈટ (ખનીજ)નો જથ્થો ન હોવા છતાં પણ પ્લીઝ બહારના વિસ્તારમાંથી ભરેલા બોકસાઈટ (ખનીજ) માટે તેઓની લીઝના ઓનલાઈન રોયલ્ટી પાસ ખોટી રીતે ઇસ્યુ કરી, રોયલ્ટીનો દુરુપયોગ કરાવી અને જમીન માલિક જગા પીઠાભાઈ કાંબરીયા તેમજ ડમ્પરના માલિક ભરત વજશી ગોજીયા અને તેની સાથે સંકળાયેલા ભાવેશ પીઠા કાંબરીયા દ્વારા બોકસાઈટનો બિનઅધિકૃત રીતે નિકાસ કરી, આ સ્ટોક રજીસ્ટ્રેશન વિસ્તાર શ્રી વેલબક્ષ માઈનટેક કિલન યુનિટ ખાતે લઈ જવા ઉપયોગ થયો હતો.
આમ, ડમ્પરમાં ભરેલા બોકસાઈટ (ખનીજ) માટે રોયલ્ટી પાસ ન હોવા છતાં તે રોયલ્ટીનો ખરા તરીકે ઉપયોગ કરી, ખોટી રીતે ઇસ્યુ કરેલી રોયલ્ટી પાસથી ખનન તથા પરિવહનનો અધિકાર ન હોવા છતાં રોયલ્ટી પાસનો દુરુપયોગ કરી, લીઝની બહારના બોક્સાઈટના ખનીજનું ખનન તથા વહન કરવામાં કુલ રૂપિયા ૧૦,૩૧,૩૨૧ની કિંમતના ૨૩૬.૬૨૪ મેટ્રિક ટન બોક્સાઈટનો જથ્થો પોતાના આર્થિક ફાયદા માટે અને પોતાનો બદઇરાદો પૂરો પાડવા માટે બોક્સાઈટના જથ્થાનું વહન કરી, સરકારને રોયલ્ટી બાબતે છેતરપિંડી અને વિશ્વાસઘાત કરી, લીઝની બહારના વિસ્તારમાંથી સરકારના કિંમતી બોકસાઈટ ખનીજની ચોરી કરી, સરકારની તિજોરીમાં આર્થિક નુકસાન પહોંચાડવામાં આવ્યું હોવાનું પોલીસ ફરિયાદમાં જાહેર થયું છે.
આ સમગ્ર પ્રકરણ અંગે કલ્યાણપુર પોલીસે જુદાજુદા ત્રણ રજીસ્ટ્રેશન નંબર ધરાવતા ડમ્પરના માલિક ભરત વજશી ગોજીયા (રહે. ભાટીયા) આ કામનું સંચાલન કરનાર ભાવેશ પીઠા કાંબરીયા (રહે. વિરપુર), ખાનગી માલિકીની જગ્યાના માલિક જગા પીઠાભાઈ કાંબરીયા, લીઝધારક રમણીક મૂળજી થાનકી તેમજ અન્ય સંડોવાયેલા શખ્સો સામે આઈ.પી.સી. કલમ ૩૪, ૧૨૦ (બી), ૩૭૯, ૪૦૬, ૪૨૦, ૪૬૫, ૪૬૭, ૪૬૮, ૪૭૧, ૧૧૪ તથા ખાણ ખનીજ કાયદા, ગુજરાત મિનરલ્સ (પ્રીવેન્શન ઓફ અનલીગલ માઈનિંગ) વિગેરે જુદી-જુદી કલમ મુજબ ગુનો નોંધ્યો છે. આ પ્રકરણમાં આગળની તપાસ એલ.સી.બી.ના પી.આઈ. કે.કે. ગોહિલ તથા સ્ટાફ દ્વારા હાથ ધરવામાં આવી છે. જે સંદર્ભે આરોપીઓની અટકાયત કરવામાં આવી છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application