જામનગરમાં વઘ્યો પાણીજન્ય રોગચાળો: દર્દીઓથી ઉભરાઇ જી.જી.હોસ્પિટલ

  • July 14, 2023 12:29 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

કેસ કઢાવવામાં અને દવા બારી પર જોવા મળતી લાંબી કતારો: પાણીજન્ય રોગચાળાએ વધુને વધુ લોકોને આંટીમાં લીધા: પેટના દુ:ખાવા, વાયરલ ફીવર, ઝાડા-ઉલ્ટીના કેસમાં સતત વધારો: તાત્કાલીક અસરથી વરસાદી પાણીના નિકાલની વ્યવસ્થા જરુરી

શહેર-જિલ્લાની આરોગ્યની વાસ્તવીક સ્થિતિ શું છે તેનો ચીતાર આપતી જામનગરની સરકારી હોસ્પિટલમાં જે રીતે દર્દીઓ ઉભરાઇ રહ્યા છે અને મોટી સંખ્યામાં દર્દીઓના ઝમઘટ જોવા મળી રહ્યા છે, તેના પરથી એ બાબત નિશ્ર્ચિત બની છે કે, શહેર-જિલ્લામાં પાણીજન્ય રોગચાળામાં જોરદાર વધારો થયો છે, પેટના દુ:ખાવા, ઝાડા-ઉલ્ટી, વાયરલ ફીવરના અસંખ્ય કેસ જી.જી.હોસ્પિટલમાં તો આવી જ રહ્યા છે, બીજી તરફ ખાનગી હોસ્પિટલોમાં પણ દર્દીઓની સંખ્યામાં જોવામાં આવી રહેલો વધારો એ બાબતનો સંકેત આપે છે કે, ધીમે-ધીમે રોગચાળો વકરી રહ્યો છે.
જી.જી.હોસ્પિટલમાં કેસ કઢાવવા માટેની બારી દવા લેવા માટેની બારી પર દર્દીઓના સગા-સબંધીઓની લાંબી-લાંબી કતારો જોવા મળી રહી છે અને જેને પુછીએ તેને મોટાભાગે પેટના દુ:ખાવાની, ઝાડા-ઉલ્ટીની ફરિયાદ હોવાનું જાણવા મળી રહ્યું છે, અત્રે નોંધનીય છે કે, પેટના વર્તમાન રોગચાળા માટે જળાશયોમાં આવેલા નવા નીર કારણભૂત છે અને આ પરંપરાગત રહ્યું છે, જયારે પણ વરસાદ બાદ રણજીતસાગર, સસોઇ ડેમમાં નવા પાણી આવે છે ત્યારબાદ પાણીજન્ય રોગચાળો માથુ ઉંચકે છે, આ બાબતને ઘ્યાનમાં રાખીને પહેલેથી જ તકેદારી રાખવાની આવશ્કયતા હતી, પરંતુ આપણું તંત્ર રહી-રહીને જાગવા માટે ગીનીસ બુકમાં નામ નોંધાવી શકવા દાવેદાર છે.
આ વખતે પણ એવું જ થયું છે, પાણીજન્ય રોગચાળો સતત વધી રહ્યો છે અને તેની સામે ડામવા માટે જેટલા ઝડપી અને અસરકારક પગલા મહાનગરપાલિકા તરફથી લેવાની જરુરીયાત છે તેમાં ઘણીબધી ઉણપ દેખાઇ રહી હોવાથી વધુને વધુ લોકો પાણીજન્ય રોગચાળાનો શિકાર બની રહ્યા છે.
હજુ બે દિવસ પહેલા જ આજકાલ દ્વારા મહત્વની ટકોર કરાઇ હતી કે, ભારે વરસાદ બાદ જામનગરની ઉંચી ઇમારતોના ઘણાબધા સેલરોમાં પાણી ભરાયા છે અને આ પાણીનો ભરાવો મચ્છરોના ઉછેર કેન્દ્રસમાન બની રહેશે, આ ઉપદ્રવ લોકો માટે ખતરારુપ સાબીત થશે, જે રીતે દર્દીઓની સંખ્યામાં વધારો થઇ રહ્યો છે તેને જોતા એવું લાગે છે કે, રોગચાળો પોતાની જગ્યા કરવામાં સફળ થઇ ગયો છે.
હજુ પણ સમય છે, વધુ લોકો પાણી જન્ય રોગચાળાની લપેટમાં આવે નહીં અને રોગનો ભોગ બને નહીં એ માટે તાકીદના અસરથી સૌ પ્રથમ તો નળ વાટે અપાતા પાણીમાં પુરેપુરી સ્વચ્છતા જળવાય, કલોરીનનો મહત્તમ ઉપયોગ થાય, નળ વાટે અપાતું પાણી ચોખ્ખુ આપવામાં તકેદારી રાખવામાં આવે, વરસાદી પાણી જયા-જયા ભરાયેલા છે તેનો યુઘ્ધના ધોરણે નિકાલ થાય, જયા-જયા ગંદકી થઇ છે ત્યાં એડીસ સહિતના મચ્છરો વધે નહીં તેની તકેદારી રાખવા માટે સાફસફાઇ કરવામાં આવે, ડીડીટીનો છંટકાવ કરવામાં આવે અને ડીડીટીમાં એ ખરાઇ કરવામાં આવે કે, ડીડીટીની સાથે ચોકનો પાઉડર તો ધાબડી દેવામાં આવતો તો નથી ને ?
ઉચ્ચ અધિકારીઓએ આ દિશામાં તાકીદે પગલા લેવા પડશે, હજુ સ્થિતિ નિયંત્રણમાં છે, પરંતુ દર્દીઓની સંખ્યામાં સતતને સતત જે વધારો થઇ રહ્યો છે એ બાબત ચિંતાજનક છે, સતાધીશો સમયસર જાગે અને આવશ્કય તમામ પગલા યુઘ્ધના ધોરણે લે એવી જરુરીયાત છે.
જામનગરની જી.જી. હોસ્પિટલ સૌરાષ્ટ્રની મોટામાં મોટી હોસ્પિટલ છે, ગામડાઓમાં મોટાભાગના દર્દીઓ આ હોસ્પિટલમાં સારવાર લેવા માટે છે, સરકારે ધીરે ધીરે સગવડતા વધારી દીધી છે, જેના કારણે આ હોસ્પિટલના ગરીબ અને મઘ્યમ લોકો માટે એકસરે પડાવવો હોય તો માત્ર રુા. રપ માં જ અને બીપીએલ કાર્ડધારકો, વિકલાંગોને એમઆરઆઇ કરાવવો હોય તો વિનામૂલ્યે કરી દેવામાં આવે છે, ચોમાસાની સીઝનમાં દર વખતે જી.જી. હોસ્પિટલમાં ઓપીડીમાં પેટના દુખાવા, વાયરલ ઇન્ફેકશન અને તાવના દર્દીઓનો જમાવડો થાય છે, આ વખતે એવું જ બન્યું છે કે છેલ્લા ચાર દિવસથી ધીરે ધીરે વધતા જાય છે, ગઇકાલે તાવ, ઝાડા, ઉલ્ટીના રપ૦ થી વધુ દર્દીઓ હતા અને આજે પણ આ હોસ્પિટલમાં વધુ દર્દીઓ ઓપીડીમાં જોવા મળ્યા છે.
ડોકટરોના કહેવા મુજબ હાલમાં ઉકાળીને પાણી પીવું હિતાવહ છે, કારણકે નવું પાણી પચવામાં ભારે હોય છે અને જામનગરનું પાણી પહેલેથી જ થોડું ભારે છે અને બહારગામથી રહેવા આવનાર લોકોને પણ પેટના દર્દ થવાની ફરિયાદો ઉઠવા પામી છે ત્યારે લોકોએ કોઇપણ તકલીફ થાય કે પેટમાં દુખાવા, ઉલ્ટી, ઉબકા થાય તો તરત જ તરત નજીકના સરકારી કે ખાનગી દવાખાનામાં સારવાર લેવી હિતાવહ છે, જો કે જી.જી. હોસ્પિટલમાં દવાઓ હાલમાં તો ઉપલબ્ધ છે, પરંતુ એક ડોકટરના જણાવ્યા તાવ, ઝાડા, ઉલ્ટીના ૧૮ થી ર૦ દર્દીઓને એકાદ બે દિવસ જી.જી. હોસ્પિટલમાં દાખલ કરવા પડે છે, કારણ કે તેમના શરીરમાં વધુ પાણી ન ખૂટે એ માટે બાટલા પણ ચડાવવા પડે છે.
ખાનગી હોસ્પિટલની વાત લઇએ તો સમર્પણ હોસ્પિટલ, ઓશવાળ હોસ્પિટલ, ઇન્દુ-મધુ હોસ્પિટલ તેમજ એસ.ટી. રોડ પર આવેલી ખાનગી હોસ્પિટલોમાં ઓપીડીમાં અઢી ગણા દર્દીઓ તાવ, ઝાડા, ઉલ્ટી આવવાના શરુ થઇ ગયા છે, ડોકટરના જણાવ્યા મુજબ ઓરઆરએસ, ગ્લુકોઝ ઘરમાં રાખવું જોઇએ અને જરુર પડ્યે લીંબુનું પાણી પણ લતા રહેવું જોઇએ, વધુ તબિયત બગડે તો તરત ડોકટરોને બતાવવું જોઇએ.
જામનગરમાં અનેક જગ્યાએ ગંદકીના થરો જામ્યા છે, પાર્કીંગોમાં હજુ પણ પાણી ભરાયા છે, મચ્છરોનો ઉપદ્વવ વધતો જાય છે ત્યારે આ રોગચાળો ભયંકર સ્વરુપ દાખલ કરે તે પહેલા કોર્પોરેશનની આરોગ્ય શાખાએ હવે જાગવાનો સમય આવી ગયો છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application