નપાણીયા ખીજડીયા ગામના તલાટી પર હીચકારો હુમલો

  • November 25, 2023 11:27 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

ભારે ચકચાર : કામના બિલના નાણાં રોકવાના પ્રશ્ને કોન્ટ્રાક્ટર દ્વારા માર મારી ફરજમાં રુકાવટ કરી

કાલાવડ તાલુકાના નપાણીયા ખીજડીયા ગામના તલાટી કમ મંત્રી પોતાની ઓફિસમાં ફરજ પર હતા, દરમિયાન ગામના કોન્ટ્રાક્ટરે આવીને બિલના નાણા રોકવાના મામલે તલાટી કમ મંત્રી પર હુમલો કરી દીધો હતો, અને ગાળો ભાંડી જાનથી મારી નાખવાની ધમકી આપી હોવાથી અને તેઓની ફરજમાં રુકાવટ કરી હોવાથી આ મામલે પોલીસ ફરિયાદ નોંધાવાઇ છે. જે બનાવને લઈને ભારે ચકચાર જાગી છે.
લાલપુર તાલુકાના ચોરબેડી ગામમાં રહેતા અને કાલાવડ તાલુકાના નપાણિયા ખીજડીયા-ધુનધરાજી ગામના તલાટી કમ મંત્રી તરીકે ફરજ બજાવતા મિલનભાઈ નારણભાઈ વસરા (ઉ.વ.૩૫)એ પોતાના પર હુમલો કરી જાનથી મારી નાખવાની ધમકી આપવા અંગે તેમ જ પોતાની સરકારી ફરજમાં રુકાવટ પેદા કરવા અંગે નપાણીયા ખીજળીયા ગામમાં રહેતા હરેશભાઈ ભાલારા નામના શખ્સ સામે ફરિયાદ નોંધાવી છે. જે ફરિયાદના અનુસંધાને કાલાવડ ગ્રામ્ય પોલીસે આઇપીસી કલમ ૩૨૩, ૫૦૪, અને ૫૦૬-૨ મુજબ ગુનો નોંધ્યો છે.
પોલીસમાં જાહેર કરાયા અનુસાર ફરીયાદી તલાટી કમ મંત્રી ગઈકાલે પોતાની કચેરીમાં સરકારી ફરજ પર હતા, અને નવા આવેલા તલાટી કમ મંત્રીને પોતાના ચાર્જની સોંપણી કરતા હતા, જે દરમિયાન આરોપી હરેશ ભલારા ધસી આવ્યો હતો, અને પોતે અગાઉ કરેલું કામ કે જેનું બિલ રોકાયું હોવાથી તે બિલના નાણા બાબતે તલાટી કમ મંત્રી પાસે ધમકી ભર્યા અવાજે વાત કરી હતી, અને તલાટી કમ મંત્રી ને ગાળો ભાંડી, જાપટો મારી દીધી હતી. અને તેઓની સરકારી ફરજમાં રૂકાવટ કરી હતી. અને જો બિલ પાસ નહીં કરે તો જાનથી મારી નાખશે, તેવી ધમકી આપી હતી.
જે મામલો આખરે કાલાવડ ગ્રામ્ય પોલીસ મથકમાં લઈ જવાયો હતો, અને પીએસઆઈ એચ.વી. પટેલ દ્વારા આરોપી સામે ફરજમાં રૂપાવટ અને હુમલા અંગે  ગુન્હો નોંધ્યો છે, અને આરોપીને શોધવા માટેની કાર્યવાહી હાથ ધરી છે.
***
વરુડી પાટીયા પાસે ભરવાડ પિતા-પુત્ર પર હિંચકારો હુમલો: વૃઘ્ધને હેમરેજ સહિતની ઇજા : નજીવી બાબતે બબાલ : ત્રણ સામે ફરીયાદ
કાલાવડના વરુડી પાટીયા પાસે ભાડેથી ગાડી લઇ ગયા બાદ ચલાવવાના પ્રશ્ર્ને શખ્સોએ ઝઘડો કરી પિતા-પુત્રને લાકડી, પાઇપ વડે માર મારીને ગંભીર ઇજા પહોચાડી હતી આ અંગે ત્રણ સામે ફરીયાદ કરવામાં આવી છે.
કાલાવડના મોટી માટલી ગામમાં રહેતા ભાણાભાઇ રતાભાઇ ઠુંગા (ઉ.વ.૪૫)નો દીકરો ગોપાલ પોતાની અશોક લેલન ગાડી ભાડેથી રામજી માણહીર ચારણને ત્યાં વરુડી માતાજીના પાટીયા પાસે મગફળીનો ભુકો ભરવાનો ફેરો કરવા માટે લઇ ગયો હતો, અને ત્યાં આરોપી આલરવએ ગોપાલભાઇની ગાડીમાં બેસી ચેનચાળા કરતો હોય, પોતાને ગાડી ચલાવતા આવડતી ન હોય, ચલાવવાની ના પાડતા ઝઘડો કર્યો હતો.
ગોપાલે ફરીયાદીને આ અંગેની જાણ કરતા ભાણાભાઇ મોટી માટલી પાટીયા પાસે ગયા હતા જયાં આરોપીઓએ ફરીયાદી તથા તેના પુત્રને કુંડલીવાળી લાકડીઓથી માર માર્યો હતો અને આ ઉપરાંત જાનથી મારી નાખવાના ઇરાદે ફરીયાદીને માથાના ભાગે ઘા ઝીંકી દઇ ગંભીર ઇજા કરી હતી તેમજ ગોપાલભાઇને લાકડી, પાઇપ વડે આડેધડ માર માર્યો હતો જેમાં મુંઢ ઇજા પહોચી હતી.
ભાણાભાઇ ઠુંગા દ્વારા બનાવ અંગે કાલાવડ ગ્રામ્ય પોલીસમાં આલરવ માણહીર ચારણ, સોમો માણહીર ચારણ અને એક અજાણ્યા ઇસમ આ ત્રણેયની વિરુઘ્ધ આઇપીસી કલમ ૩૦૭, ૩૨૩, ૩૨૪, ૫૦૪, ૧૧૪, જીપીએકટ ૧૩૫(૧) મુજબ ફરીયાદ નોંધાવી હતી. જેના આધારે પીએસઆઇ પટેલ તપાસ ચલાવી રહયા છે, ઇજાગ્રસ્તોને સારવાર માટે હોસ્પીટલમાં ખસેડવામાં આવ્યા હતા.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application